- Business
- હવે તમે PF ખાતામાંથી પુરી રકમ ઉપાડી શકશો, EPFOએ 7 કરોડ લોકોને આપી ભેટ
હવે તમે PF ખાતામાંથી પુરી રકમ ઉપાડી શકશો, EPFOએ 7 કરોડ લોકોને આપી ભેટ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તમારા PF ખાતામાંથી ફંડ ઉપાડવાનું હવે વધુ સરળ બનાવ્યું છે. 7 કરોડથી વધુ સભ્યો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા, સંગઠને સ્પષ્ટતા કરી છે કે, તેઓ હવે કોઈપણ મુશ્કેલી વિના તેમના ખાતામાં મિનિમમ બેલેન્સ છોડીને બાકી બચેલી પુરી રકમ ઉપાડી શકશે. ઉપાડવાની આ નવી લિમિટને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ બોર્ડે EPFO સભ્યો માટે PF ઉપાડવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે અન્ય ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા છે.
આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજે, શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ વંદના ગુરનાની અને EPFO કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિ પણ હાજર હતા. CBTની મીટિંગ દરમિયાન લેવાયેલો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ હતો કે, EPFO સભ્યો હવે તેમના PF ખાતામાં મિનિમમ બેલેન્સ સિવાય, કર્મચારી અને નોકરીદાતાના હિસ્સા સહિત પુરી બેલેન્સ ઉપાડી શકશે. મિનિમમ બેલેન્સ કુલ ડિપોઝિટના 25 ટકા છે, જે 75 ટકા ઉપાડવાની મંજૂરી આપે છે.
આ અગાઉ, આ લિમિટ મર્યાદિત હતી, ફક્ત બેરોજગારી અથવા નિવૃત્તિના કિસ્સામાં જ સંપૂર્ણ ઉપાડની મંજૂરી અપાતી હતી. એક મહિનાની બેરોજગારી પછી, સભ્ય તેમના PF ખાતાના બેલેન્સમાંથી 75 ટકા ઉપાડી શકતો હતો, અને તેના બે મહિના પછી, બાકીની 25 ટકા રકમ ઉપાડી શકતો હતો. જ્યારે નિવૃત્તિના કિસ્સામાં, સંપૂર્ણ રકમ એક જ સમયે ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી.
CBTની મીટિંગ દરમિયાન લેવામાં આવેલા આ મોટા નિર્ણય અંગે, શ્રમ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, આ રાહત હવે બધા EPFO સભ્યોને આપવામાં આવી છે. જેમાં સભ્યો તેમના PF ખાતામાં 25 ટકા લઘુત્તમ બેલેન્સ જાળવી રાખીને બાકીના 75 ટકા સરળતાથી ઉપાડી શકે છે. આનાથી EPFO દ્વારા ચૂકવવામાં આવતા 8.25 ટકા વાર્ષિક વ્યાજ દરનો લાભ સભ્યોને મળતો રહેશે. મિનિમમ બેલેન્સ જાળવી રાખવાથી રીટાયરમેન્ટ ફંડ પણ ઉમેરાતું રહેશે.
નવી દિલ્હીમાં આ મહત્વપૂર્ણ બેઠકમાં લેવામાં આવેલા અન્ય નિર્ણયોની વાત કરીએ, તો શિક્ષણ માટે 10 વખત ઉપાડ કરી શકાશે અને જ્યારે લગ્ન માટે જરૂરત પડવાથી પાંચ વખત ઉપાડ કરી શકાશે. આ અગાઉ, આ મર્યાદા ત્રણ વખત તબક્કાવાર ઉપાડી શકાતી હતી, જે બંધ કરીને રાહત આપવામાં આવી છે. EPFOએ આંશિક ઉપાડ માટે અલગ અલગ મામલામાં સેવા સમયગાળાની મર્યાદાને પણ તમામ માટે એક કરી દીધી છે, અને તેને 12 મહિના નક્કી કરવામાં આવી છે. આ નિર્ણય ખાસ કરીને નવા કર્મચારીઓ માટે ઘણો ફાયદાકારક રહેશે.
આ અગાઉ, કુદરતી આફતો અથવા રોગચાળા જેવી ખાસ પરિસ્થિતિઓમાં, PF ભંડોળ ઉપાડવા માટે કારણ બતાવવું જરૂરી હતું. આ કિસ્સાઓમાં ઘણા દાવાઓ નકારી પણ કાઢવામાં આવ્યા હતા. જો કે, હવે, આ શ્રેણી હેઠળના સભ્યોને હવે કોઈ કારણ આપવાની જરૂર રહેશે નહીં. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હવે દસ્તાવેજોની જરૂરિયાત દૂર કરવામાં આવી છે, જેના કારણે આંશિક ઉપાડના દાવાઓનું 100 ટકા સ્વચાલિત સમાધાન સુનિશ્ચિત કરશે અને સભ્યોને સરળ સુવિધા પૂરી પાડશે.

