- Business
- શું તમારું SBIમાં ખાતું છે, તો આટલી વખત જ ATMમાંથી પૈસા ઉપાડજો નહિતર એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડશે
શું તમારું SBIમાં ખાતું છે, તો આટલી વખત જ ATMમાંથી પૈસા ઉપાડજો નહિતર એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતા ધરાવતા ગ્રાહકો માટે નવા નિયમો બહાર પાડ્યા છે. BSBD ખાતાધારકો માટે મફત રોકડ ઉપાડ મર્યાદા અમલમાં મુકવામાં આવી છે. 1 ઓક્ટોબર, 2026થી, આ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ફી વસૂલવામાં આવશે. હવે મહિનામાં ફક્ત ચાર(4) વખત મફતમાં રોકડ ઉપાડ કરી શકાશે. આ મર્યાદા પૂર્ણ થયા પછી, એટલે કે એક મહિનામાં 5મી વખત રોકડ ઉપાડવા જશો તો દરેક વધારાના વ્યવહાર માટે ચાર્જ વસૂલવામાં આવશે.
SBI અનુસાર, 1 ઓક્ટોબર, 2026થી, મહિનાના પહેલા 4 વખત રોકડ ઉપાડ મફત રહેશે. ત્યાર પછીની થનારી દરેક રોકડ ઉપાડ માટે રૂ. 15+ GSTનો ચાર્જ વસૂલવામાં આવશે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ મર્યાદા પહેલા પણ અમલમાં હતી, પરંતુ તેમાં ડિજિટલ વ્યવહારોનો સમાવેશ થતો ન હતો. BSBD ખાતાઓ માટે 4-મુક્ત વ્યવહાર મર્યાદા મુખ્યત્વે રોકડ ઉપાડ પર લાગુ થતી હતી. UPI, NEFT અને RTGS જેવા ડિજિટલ વ્યવહારોને આ મર્યાદામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ડિજિટલ વ્યવહારોમાં UPIના વ્યવહારો ઉમેરવામાં આવશે કે નહીં.
હાલમાં, BSBD એકાઉન્ટ દર મહિને મહત્તમ 4 વખત ફ્રી ઉપાડની મંજૂરી આપે છે. આમાં SBI ATMમાંથી રોકડ ઉપાડ, અન્ય બેંકોના ATMમાંથી રોકડ ઉપાડ, બેંક શાખાઓમાંથી રોકડ ઉપાડ અને AEPS દ્વારા રોકડ વ્યવહારોનો સમાવેશ થાય છે. AEPS એટલે આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ, જે તમને ફક્ત તમારા આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રિક)નો ઉપયોગ કરીને ડેબિટ કાર્ડ, પિન અથવા પાસવર્ડ વગર આવશ્યક બેંકિંગ વ્યવહારો કરવાની મંજૂરી આપે છે.
બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ એ એક મૂળભૂત બચત ખાતું છે જેમાં ગ્રાહકને લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. SBI અનુસાર, આ ખાતું ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ ઓછી ફી અને અનુકૂળ રીતે મૂળભૂત બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવા માંગે છે.
જોકે, આ ખાતું ચેકબુક સુવિધા પ્રદાન કરતું નથી અને તેમાં ફક્ત મૂળભૂત RuPay ATM-કમ-ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. આ બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ ખોલનારા SBI ગ્રાહકો પાસે અન્ય કોઈ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ ન હોવું જોઈએ. જો ગ્રાહક પાસે પહેલેથી જ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ હોય, તો બેંકમાં બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ ખોલ્યાના 30 દિવસની અંદર તેને બંધ કરવું આવશ્યક છે.

