- National
- 10મા ધોરણના 2 વિદ્યાર્થીઓએ પોતાના પ્રિન્સિપાલને 27 વાર ચાકૂના ઘા મારી પતાવી દીધા અને ગોવા ફરવા જતા ર...
10મા ધોરણના 2 વિદ્યાર્થીઓએ પોતાના પ્રિન્સિપાલને 27 વાર ચાકૂના ઘા મારી પતાવી દીધા અને ગોવા ફરવા જતા રહ્યા
તેલંગાણાના નાલગોંડા જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી એક આઘાતજનક ઘટના સામે આવી, જ્યાં એક સ્કૂલ પ્રિન્સિપાલનો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળી આવ્યો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે હવે હત્યાનો રહસ્ય ઉકેલી નાખ્યું છે અને બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે આ બંને વિદ્યાર્થીઓએ પૈસાની અને વૈભવી જીવનશૈલી માટે પ્રેરાઈને આ ગુનાની યોજના બનાવી હતી.
કોંડામલ્લેપલ્લીમાં નાગાર્જૂન પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ કલ્લુ રૂપા રેડ્ડીનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે તેના પર ઓછામાં ઓછા 27 વખત છરીના ઘા કરવામાં આવ્યા હતા. ઘટના સમયે તેનો પતિ ઘરે નહોતો. જ્યારે તેણે વારંવાર તેની પત્નીના ફોન પર ફોન કર્યો અને કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેણે પડોશીઓને જાણ કરી, જેના કારણે ઘટનાનો ખુલાસો થયો.
પડોશીઓએ આ બાબતની પોલીસને જાણ કરી. પોલીસે મૃતદેબને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો, જેમાં 27 છરાના ઘા હોવાની પુષ્ટિ થઈ. આ કેસની તપાસ માટે પાંચ ટીમો બનાવવામાં આવી હતી અને CCTV ફૂટેજ, ફોરેન્સિક પુરાવા, ફિંગરપ્રિન્ટ્સ, ટેકનિકલ ડેટા અને શંકાસ્પદોની હિલચાલની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 80 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.
તપાસકર્તાઓને એક મહત્ત્વપૂર્ણ પુરાવો ત્યારે મળ્યો જ્યારે તેમને ખબર પડી કે, રૂપા રેડ્ડીએ તેના કાકી સાથે વાત કરતા ‘બાબૂ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારી શરથ ચંદ્ર પવારે બુધવારે જણાવ્યું હતું કે તેમની વાતચીત દરમિયાન રેકોર્ડ કરાયેલ છેલ્લો શબ્દ ‘બાબૂ’ હતો. અમે તપાસ કરી કે તે કોનો ઉલ્લેખ કરી રહી હતી, જેનાથી અમને શાળાના વિદ્યાર્થીઓ તરફ સંકેત મળ્યો
ત્યારબાદ, પોલીસે વિદ્યાર્થીઓની વ્યક્તિગત રીતે પૂછપરછ કરી અને ઘટનાના દિવસે શાળામાં ગેરહાજર રહેલા ધોરણ 10ના એ પાંચ વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તપાસ દરમિયાન પોલીસે શોધી કાઢ્યું કે આમાંથી બે વિદ્યાર્થીઓ તાજેતરમાં ખૂબ પાર્ટી કરી રહ્યા હતા અને પૈસા ખર્ચી રહ્યા હતા. પવારે જણાવ્યું હતું કે બુધવારે બંને વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે તેમણે જ પૂર્વ-આયોજિત યોજના અનુસાર રૂપા રેડ્ડીની હત્યા કરી હતી.
કેસની તપાસ કરી રહેલા અધિકારીઓનું કહેવું છે કે આરોપીઓને થોડા દિવસ અગાઉ પ્રિન્સિપાલે ઠપકો આપ્યો હતો કારણ કે તેમની હોસ્ટેલ બેગમાંથી રોકડ અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. ત્યારબાદ, પ્રિન્સિપાલે તેમના માતા-પિતાને જાણ કરી, અને વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. પોલીસને શંકા છે કે આ ઘટનાથી પ્રિન્સિપાલ પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો અને વિદ્યાર્થીઓએ આ પગલું ભર્યું.
હોસ્ટેલમાંથી કાઢી મૂક્યા પછી વિદ્યાર્થીઓએ 5 દિવસ સુધી ચોરીની યોજના બનાવી. બાદમાં તેમણે પ્રિન્સિપાલના ઘરની રેકી કરી. નોંધનીય છે કે, તેમણે પોતાની ઓળખ છુપાવવા અને પોલીસને પુરાવા ન મળે તે માટે ગ્લવ્ઝ ખરીદ્યા હતા. હત્યાના દિવસે એક વિદ્યાર્થી મંકી કેપ અને ગ્લવ્ઝ પહેરીને ઘરમાં ઘૂસ્યો હતો. તેણે બેડરૂમમાં રાખેલા ₹25 લાખ જોયા અને લઇને ભાગીવા લાગ્યો.
જોકે, મંકી કેપ સરકી ગઇ અને રૂપા રેડ્ડીએ તેને ઓળખી લીધો. તેને ડર હતો તે તેને ઓળકી લેશે, એઠલે તેણે પ્રિન્સિપાલ પર 27 વખત છરી મારી. હત્યા પછી, આરોપીઓએ રોકડ રકમ લીધી અને તેમના લોહીથી ખરડાયેલા કપડાં અને ટોપી દાટીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. કેટલાક અહેવાલોમાં દાવો છે કે તેઓ ગોવા ફરવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપીઓ પાસેથી આશરે ₹1.54 લાખ રોકડ રકમ જપ્ત કરી છે; જેમાંથી લોહીના ડાઘ લાગેલી કેટલીક નોટો, આરોપીએ લીધેલો આઇફોન અને રૂપા રેડ્ડીનો ફોન શામેલ છે. આરોપીને કસ્ટડીમાં લીધા પછી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

