- Business
- નાયરા બાદ વધુ એક કંપનીએ પેટ્રોલના ભાવ 7 રૂપિયા અને ડીઝલના ભાવ 25 રૂપિયા વધાર્યા
નાયરા બાદ વધુ એક કંપનીએ પેટ્રોલના ભાવ 7 રૂપિયા અને ડીઝલના ભાવ 25 રૂપિયા વધાર્યા
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર દેખાવા લાગી છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઓઈલ કંપની શેલ ઈન્ડિયા (Shell India) એ આજથી પોતાના રિટેલ આઉટલેટ્સ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવતા ઉતાર-ચઢાવને પગલે આ નિર્ણય લેવાયો છે. શેલ ઈન્ડિયાએ પેટ્રોલના ભાવમાં 7.41 રૂપિયા અને ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે. આ સાથે જ નોર્મલ ડીઝલની કિંમત 123 રૂપિયાએ પહોંચી ગઈ છે.
1 એપ્રિલથી નવા સુધારેલા દરો મુજબ, શેલના પંપ પર ઇંધણના ભાવ હવે આસમાને પહોંચ્યા છે:
- પાવર પેટ્રોલ: ₹129.85 પ્રતિ લિટર
- નોર્મલ પેટ્રોલ: ₹119.85 પ્રતિ લિટર
- નોર્મલ ડીઝલ: ₹123.00 પ્રતિ લિટર
- પ્રીમિયમ ડીઝલ: ₹133.00 પ્રતિ લિટર
માત્ર શેલ જ નહીં, અન્ય ખાનગી રિટેલરોએ પણ અગાઉ ભાવ વધાર્યા છે. નાયરા એનર્જી (Nayara Energy) ગયા અઠવાડિયે જ પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3 નો વધારો કર્યો હતો. 27 માર્ચે પણ કંપનીએ ભાવ વધાર્યા હતા. હાલ મહારાષ્ટ્રમાં નાયરાનું પેટ્રોલ ₹108.82 અને ડીઝલ ₹93.09 પ્રતિ લીટર મળી રહ્યું છે.

ભાવ વધારા પાછળના મુખ્ય કારણો
- વૈશ્વિક ક્રૂડમાં ઉછાળો: 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં લગભગ 50 ટકાનો ઉછાળો આવ્યો છે.
- પશ્ચિમ એશિયામાં તણાવ: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષને આજે બીજો મહિનો ચાલી રહ્યો છે, જેના કારણે તેલના પુરવઠામાં અવરોધ ઊભો થયો છે.
- ભારતની નિર્ભરતા: ભારત તેની જરૂરિયાતનું 88 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે, તેથી વૈશ્વિક ભાવમાં થોડો પણ ફેરફાર દેશમાં મોટી અસર કરે છે.
ગેસ અને વિમાન ઈંધણ પણ મોંઘા થયા
ઇંધણ સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ મોંઘવારીનો ફટકો પડ્યો છે:
- એવિએશન ફ્યુઅલ (ATF): વિમાનના ઈંધણના ભાવ બમણા થઈને રેકોર્ડ ₹2.07 લાખ પ્રતિ કિલોલિટર પર પહોંચ્યા છે.
- કોમર્શિયલ LPG: 19 કિલોના સિલિન્ડરમાં ₹195.50નો વધારો થતા તેની કિંમત ₹2,000ને પાર કરી ગઈ છે.
- ઘરગથ્થુ LPG: ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ અગાઉ ₹60 નો વધારો થઈ ચૂક્યો છે.

ખાનગી કંપનીઓ કેમ વધારી રહી છે ભાવ?
સરકારી તેલ કંપનીઓએ ક્રૂડના વધતા ભાવ છતાં કિંમતો સ્થિર રાખી છે, પરંતુ ખાનગી કંપનીઓ માટે સ્થિતિ અલગ છે. સરકારી કંપનીઓને ભાવ સ્થિર રાખવા બદલ વળતર મળે છે, જ્યારે શેલ અને નાયરા જેવી ખાનગી કંપનીઓને આવું કોઈ વળતર મળતું નથી. નુકસાનથી બચવા માટે આ કંપનીઓ વધારાનો બોજ સીધો ગ્રાહકો પર નાખી રહી છે.
વૈશ્વિક પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં ઇંધણના ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

