ગામમાં નમાઝ માટે જગ્યા ઓછી પડતા એક હિન્દુ પરિવારના પાંચ ભાઈઓએ જમીન દાનમાં આપી દીધી

રાજસ્થાનના સીકર જિલ્લાના નીમકથાણા વિસ્તારમાં આવેલું ગુહાલા ગામ આ દિવસોમાં ચર્ચામાં  છે. લગભગ 7,000ની વસ્તી ધરાવતા આ ગામમાં, એક હિન્દુ પરિવારના પાંચ ભાઈઓએ તાજેતરમાં જ ઈદગાહ માટે તેમની જમીનનો એક ભાગ દાનમાં આપી દીધો છે. ગુહાલા ગામ ઉદયપુરવાટી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલું છે. ગામના મુખ્ય બજારની બાજુમાં સદીઓ જૂની હવેલીઓ છે, જે તેના ઇતિહાસની સાક્ષી આપે છે. આ રસ્તો ગામમાંથી પસાર થાય છે, એક ગૌશાળામાંથી પસાર થાય છે અને સાંવલી ઢાણી સુધી પહોંચે છે. આ તે સ્થાન છે જ્યાં ભોપાલ રામ સૈની અને તેના અન્ય ભાઈઓ રહે છે.

તેમના ઘરની બહાર એક જૂનું ટ્રેક્ટર ઉભું રાખેલું છે. એક સામાન્ય ઘરમાં ભોપાલ રામ સૈની તેમના પૌત્ર સાથે બેઠેલા છે. તેમના સામાન્ય ઘરની બંને બાજુ તેમના ભાઈઓના ઘર છે. અને સામે જ, તેમના ખેતરોમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. ખેતરોના એક છેડે, એક ઈદગાહ દેખાય છે. તેમણે પોતાના ખેતરોને અડીને આવેલી આ ઈદગાહ માટે પોતાની જમીનનો એક ભાગ દાનમાં આપી દીધો.

Sikar-Guhala-Village.jpg-3

ગુહાલા અને નજીકના અનેક ગામમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ અહીં ઈદની નમાઝ પઢવા આવે છે. ગામના વડીલો કહે છે કે ઈદગાહનો પાયો ખૂબ જૂનો છે.

જોકે, સમય જતાં, નમાઝ કરનારાઓની સંખ્યા વધતી ગઈ અને જગ્યા પણ નાની પડતી ગઈ.

65 વર્ષીય હાજી મોહમ્મદ તૌફિક બતાવે છે કે, 'ઈદના દિવસે એટલી ભીડ થતી હતી કે લોકોને ઊભા રહેવા માટે પણ જગ્યા મળતી ન હતી. નજીકના ઘણા ગામમાં ઈદગાહની સુવિધા હોતી નથી, તેથી દરેક વ્યક્તિ અહીં આવે છે.'

તેઓ કહે છે કે, અમે આ ભાઈઓને મળીને આ સમસ્યા વિશે વાત કરી હતી. આ ભાઈઓએ ઈદગાહ માટે એકદમ મફતમાં જમીન દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ઈદના દિવસે ઈદગાહમાં નમાઝ પઢવા આવેલા સેંકડો લોકોની હાજરીમાં, આ ભાઈઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. વીડિયો સામે આવ્યા પછી, આ પહેલની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી.

ઈદગાહની બાજુમાં જે ખેતરોની વાત કરી રહ્યા છીએ તે ગામના પાંચ સૈની ભાઈઓની છે. તેમાંથી એક, 45 વર્ષીય પુરણમલ સૈની કહે છે, 'જ્યારે અમને ઇદગાહ માટે થોડી જમીન દાનમાં આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે અમે ખચકાટ વિના સંમત થયા હતા.'

તે ઉમેરે છે, 'અમને પહેલાથી જ અમારા મુસ્લિમ ભાઈઓ માટે ખૂબ પ્રેમ છે. જ્યારે તેઓએ જમીન માંગી, ત્યારે અમે કહ્યું, 'લઇ લો' મુસ્લિમ ભાઈઓએ પૈસા આપવાની વાત કરી, પરંતુ પરસ્પર પ્રેમના કારણે અમે પૈસા લેવાની ના પાડી.'

પુરણમલના જણાવ્યા મુજબ, 'તેઓએ માત્ર જમીન જ દાનમાં આપી નહીં પણ ઇદગાહ માટે બાઉન્ડરી દિવાલ બનાવવામાં પણ વ્યક્તિગત રીતે ભાગ લીધો.'

તેમના ભાઈ, ભોપાલ રામ સૈની પણ આ નિર્ણયથી ખુશ છે.

Sikar-Guhala-Village.jpg-2

તેઓ કહે છે, 'અહીં એક હજારથી બારસો લોકો નમાજ પઢવા માટે આવે છે. જગ્યા ઓછી પડતી હતી, તેથી અમે તે દાનમાં આપી દીધી. એમાં વિચારવા જેવું કઈ હતું નહીં, અને જો જરૂર પડે તો, અમે વધુ જમીન દાનમાં આપીશું.'

મોટા ભાગના લોકો આ નિર્ણયને સંદેશ તરીકે જોઈ રહ્યા છે, પરંતુ આ નિર્ણય દરેકને એક જેવો લાગ્યો નહીં.

પુરણમલ સમજાવે છે, 'કેટલાક સંબંધીઓ અને પરિચિતોએ ફોન કરીને પૂછ્યું કે અમે મુસ્લિમ સમુદાયને જમીન કેમ આપી. કેટલાક અન્ય લોકોએ પણ ફોન કરીને પૂછ્યું, 'તમે મુસ્લિમને જમીન કેમ આપી?, હિન્દુઓ મંદિર માટે માંગતે તો?'

'અમે કહ્યું હતું કે જો કોઈ હિન્દુ પણ માંગશે તો અમે તેને પણ આપીશું. અમારા માટે, બધા એક સમાન છે.'

તેઓ એ વાત પર ભાર મૂકે છે કે, તેમણે આ પગલું દેખાડો કરવા માટે નહીં, પરંતુ તેમની શ્રદ્ધા અને પરસ્પર પ્રેમના આધારે લીધું છે.

તેઓએ કહ્યું, 'અમે મજૂરી અને ખેતી કરીએ છીએ. અમે વર્ષોથી પરસ્પર પ્રેમ અને સ્નેહથી અહીં રહેતા આવ્યા છીએ. અમે અને અમારા બાળકો પણ બધા ભાઈચારામાં સાથે રહીએ છીએ.'

ગુહાલા ગામની સામાજિક રચના પણ આ વાર્તાને સમજવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ, ગુહાલા ગામની વસ્તી લગભગ સાત હજાર છે.

અબ્દુલ રશીદ કહે છે, 'અહીં છત્રીસ સમુદાયો રહે છે. આમાંથી લગભગ પચીસ ટકા મુસ્લિમો છે, એટલી જ સંખ્યામાં અનુસૂચિત જાતિઓ છે, અને પચીસ ટકા સૈની સમુદાયના છે. બાકીના અન્ય સમુદાયોના લોકો પણ અહીં રહે છે.'

ગુહાલા ગામનો એક રસપ્રદ ઇતિહાસ છે, અહીં સદીઓ જૂની હવેલીઓ છે, જે તેની સમૃદ્ધિની વાર્તા કહે છે.

અબ્દુલ રશીદ અને ગ્રામજનોના મતે, 1990 પહેલા, ગુહાલા ગામ સીકર જિલ્લામાં એક મુખ્ય પંચાયત હતું, અને સીમાંકન પછી, આસપાસના ઘણા ગામો તેનાથી અલગ થઈને પંચાયતો બનાવી હતી.

Sikar-Guhala-Village.jpg-4

આ ગામ એક સમયે મુખ્ય ગોળ બજાર તરીકે જાણીતું હતું. તે હરિયાણામાં નારનૌલ પછી બીજા ક્રમનું સૌથી મોટું ગોળ બજાર હતું.

જોકે, પાણીની તંગીને કારણે અહીંથી લોકોએ સ્થળાંતર કર્યું, જેના કારણે ગામની આર્થિક પરિસ્થિતિ પર અસર પડી. આમ છતાં, ગામના સામાજિક સંબંધોમાં કોઈ તિરાડ પડી નથી.

એક વૃદ્ધ ગ્રામીણ ભીમા રામ, લગભગ 60 વર્ષના છે. તેઓ ખેતરોમાં કામ પરથી પાછા ફરી રહ્યા હતા. મીડિયા સૂત્રો સાથે વાત કરતા તેમણે કહ્યું, 'અહીંનું વાતાવરણ હંમેશા એકસરખું રહ્યું છે. બાળપણથી જ, અમે બધાને સાથે રહેતા જોયા છે. કોઈ ભેદભાવ નથી. અમારે ત્યાં તો આ જ રીત છે અને અમે આ રીતે જ જીવીએ છીએ, અને અમારા વડીલો હંમેશા આ ભાઈચારો સાથે રહ્યા છે.'

તેઓ એક જૂની વાર્તા યાદ કરે છે. હસતાં હસતાં તે કહે છે, 'નિઝામુદ્દીન નામનો એક મુસ્લિમ ભાઈ હતો. તે ગામે ગામ ફેરી કરવા જતો હતો. જ્યારે પાછા ફરતા મોડું થઇ જતું હતું ત્યારે તે અમારા ઘરે આવીને રહેતો. અમારી વચ્ચે આ રીતે ખૂબ જ વિશ્વાસ અને પ્રેમ હતો.'

ભોપાલ રામ સૈનીના ખેતરોની બાજુમાં, તેમના ઘરની સામે જ બનેલી ઈદગાહમાં હાજર હાજી મોહમ્મદ તૌફિક આખી ઘટના યાદ કરીને ભાવુક થઈ જાય છે.

ઈદગાહ વિશે મીડિયા સૂત્રો સાથે વાત કરતાં તે કહે છે, 'અમે જોળી ફેલાવીને જમીન માંગી. તેમણે અમને ખુલ્લા હાથે આપી દીધી. અમારા ભાઈઓએ ખૂબ ઉદારતા બતાવી.'

તૌફિક સમજાવે છે, 'જ્યારે તેઓએ જમીન માંગી, ત્યારે અમે તેના માટે પૈસા ચૂકવવાની ઓફર પણ કરી. અમે તેમને પૈસા લેવા કહ્યું, પરંતુ તેમણે ના પાડી.'

તેઓ એમ પણ સમજાવે છે કે, જમીન સંપાદન કર્યા પછી, ઈદગાહની સીમાના બાંધકામનું પણ આ ભાઈઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાયો ખોદવાથી લઈને પથ્થરો નાખવા સુધી, આ લોકો અમારી સાથે ઉભા રહ્યા.

Sikar-Guhala-Village.jpg-5

અબ્દુલ રશીદ કહે છે, 'ઈદગાહની નોંધણીની પ્રક્રિયા પણ થોડા દિવસોમાં પુરી થઇ જશે.'

ગામના રહેવાસી અબ્દુલ રશીદ આ પહેલને એક મહત્વપૂર્ણ સંદેશ તરીકે જુએ છે. તેઓ કહે છે, 'હાલના વાતાવરણમાં, આ એક મહત્વપૂર્ણ બાબત છે. તેઓએ બતાવ્યું છે કે ભાઈચારો શું છે.'

મોહમ્મદ ઇશાક કાંવટે મીડિયા સૂત્રને કહ્યું કે, 'આ નિર્ણયથી આસપાસના ગામડાઓ પર પણ અસર પડી છે. લોકો અહીં જોવા આવે છે અને વાત કરી રહ્યા છે કે, એક સારો સંદેશ મોકલવામાં આવ્યો છે.'

'આપણા શેખાવતી પ્રદેશનો હંમેશા રાજસ્થાની સંસ્કૃતિના ભાગ રૂપે એકબીજાના ધાર્મિક લગ્ન સમારોહમાં 'મામેરું ભરવું' જેવી ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાનો ઇતિહાસ રહ્યો છે.'

તેઓ આગળ ઉમેરે છે કે, દેશના વર્તમાન વાતાવરણમાં, જ્યાં ધાર્મિક ઓળખના આધારે ઘણીવાર દોરવામાં આવતી રેખાઓ વધુ ઊંડી થતી જાય છે, ત્યાં ગુહાલાની આ વાર્તા એક અલગ જ વાતાવરણ રજુ કરે છે. તે ફક્ત જમીન દાન કરવાની વાત નથી, પરંતુ વર્ષોથી બની રહેલા એક વિશ્વાસની વાત છે.

ગુહાલાના લોકો આને કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ માનતા નથી. તેમના માટે, તે રોજિંદા જીવનનો એક ભાગ છે. પરંતુ કદાચ આ તેની સૌથી મોટી વિશેષતા છે, જ્યાં માનવતા એ ચર્ચાનો વિષય નથી, પરંતુ એક સામાન્ય પ્રથા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે ટુકડાધારા કાયદામાં સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો, હવે 20ને બદલે 10 ગુંઠા જમીનનું જ ખરીદ-વેચાણ કરી શકાશે

રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેને રાજ્યપાલની મંજૂરી પણ મળી ગઈ છે અને...
Gujarat 
ગુજરાત સરકારે ટુકડાધારા કાયદામાં સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો, હવે 20ને બદલે 10 ગુંઠા જમીનનું જ ખરીદ-વેચાણ કરી શકાશે

મહિલાનો દાવો- ‘વંદે ભારતનું ભોજન ખાઈને મારા હોઠ સોજી ગયા’, IRCTCએ પણ આપી પ્રતિક્રિયા

દેશની પ્રીમિયમ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ ફરી એકવાર તેના ભોજનની ગુણવત્તાને લઈને સવાલોના ઘેરામાં છે. વારાણસીથી દેવઘર જઈ...
National 
મહિલાનો દાવો- ‘વંદે ભારતનું ભોજન ખાઈને મારા હોઠ સોજી ગયા’, IRCTCએ પણ આપી પ્રતિક્રિયા

નાયરા બાદ વધુ એક કંપનીએ પેટ્રોલના ભાવ 7 રૂપિયા અને ડીઝલના ભાવ 25 રૂપિયા વધાર્યા

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર દેખાવા લાગી છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઓઈલ...
Business 
નાયરા બાદ વધુ એક કંપનીએ પેટ્રોલના ભાવ 7 રૂપિયા અને ડીઝલના ભાવ 25 રૂપિયા વધાર્યા

ગામમાં નમાઝ માટે જગ્યા ઓછી પડતા એક હિન્દુ પરિવારના પાંચ ભાઈઓએ જમીન દાનમાં આપી દીધી

રાજસ્થાનના સીકર જિલ્લાના નીમકથાણા વિસ્તારમાં આવેલું ગુહાલા ગામ આ દિવસોમાં ચર્ચામાં  છે. લગભગ 7,000ની વસ્તી ધરાવતા આ ગામમાં, ...
National 
ગામમાં નમાઝ માટે જગ્યા ઓછી પડતા એક હિન્દુ પરિવારના પાંચ ભાઈઓએ જમીન દાનમાં આપી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.