- Business
- વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?
વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?
બેંક લિમિટેડની સ્થાપના 16 ઓક્ટોબર 1995ના રોજ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી માત્ર સિલેકશન થતુ હતું પરંતુ પહેલીવાર હવે ઇલેકશન થવાનું છે. અમે મહાભારત એટલા માટે કહી રહ્યા છીએ કારણકે વરાછા બેંકમાં સૌરાષ્ટ્રના લોકો છે, મોટા ભાગના પાટીદારો છે બધા એકબીજાના પરિચિતો અને ભાઇઓ જ છે.
મહાભારત વિશે વાત કરતા પહેલા બેંકના ઇતિહાસ વિશે થોડું જાણી લઇએ 1995માં બેંકની સ્થાપના સ્વામી સચિદાનંદના હસ્તે કરવામાં આવી અને પી.બી. ઢાકેચા, વલ્લભ સવાણી (ટોપી), બાબુ ઓથા, મનજી પટેલ, ભૂપેન્દ્ર પટેલ પ્રભુદાસ પટેલ સમાજના દિગ્ગજોએ ભેગા થઇને કરી હતી. 1996ના પહેલા વર્ષમાં 4486 શેર હોલ્ડર્સ હતા. આજે 65107 શેર હોલ્ડર્સ છે. બેંકનો ટોટલ બિઝનેસ 5839 કરોડ રૂપિયા છે, ડિપોઝીટ 3636 કરોડ રૂપિયા છે, વર્કીંગ કેપિટલ 4212 કરોડ, ધિરાણ 2203 કરોડ રૂપિયાનું છે.
જેમ મહાભારતનું યુદ્ધ થયું તે પહેલા ભગવાન કૃષ્ણએ સમજાવટ, પતાવટ, સમાધાનનો પ્રયાસ કરેલો, પરંતુ એ નિષ્ફળ ગયો એટલે યુદ્ધ નક્કી થયું. એ જ રીતે વરાછા બેંકમાં પણ 51 લોકોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ સમજાવટ, પતાવટને કારણે મોટા ભાગના લોકોએ ફોર્મ ખેંચી લીધા, પરંતુ 6 ઉમેદવારો અડગ રહ્યા એટલે હવે 5 એપ્રિલ, રવિવારના દિવસે ચૂંટણી થવાની છે.
જે 6 લોકોએ ફોર્મ નથી ખેંચ્યા એમાં જુલીયન વાઘાણી, તુષાર દોમડીયા,સંજય ઉમરેટીયા, ઘનશ્યામ કળથીયા, હિતેષ જાસોલિયા અને પ્રતાપ ચોડવાડીયા (જીરા)
મહાભારતનું યુદ્ધ કેમ કરવું પડ્યું હતું? તો એમા અહંકાર હતો, વ્યકિત ઇગોની વાત હતી અને સંપત્તિની વાત હતી. વરાછા બેંકમાં પણ ચૂંટણી અહંકાર વ્યકિત ઇગોને કારણે થઇ રહી હોવાની ચર્ચા છે. અમે ઘણા બધા લોકોની સાથે વાત કરી તો એવું જાણ મળ્યું કે, વરાછા બેંકને ઉપર લઇ જવામાં જેમનો મોટો ફાળો છે તેવા કાનજી ભાલાળા સામે ભારે નારાજગી ઉભી થઇ હતી. કાનજી ભાઇ પર આરોપ છે કે તેમણે એક હથ્થુ શાસન ચલાવ્યું, મનમાની રીતે નિર્ણયો લીધા, જેમણે બેંકની સ્થાપના કરી એવા લોકોને નજર અંદાજ કર્યા.
તો કાનજી ભાલણા ગ્રુપનું કહેવું છે કે, ધ વરાછા બેંક કાનજીભાઇના સમયમાં જબરદસ્ત વૃદ્ધિ પામી,બેંક ક્યારેય વિવાદમાં નથી આવી, સહકારી ક્ષેત્રમાં એક મજબુત તરીકે ઉભરી આવી અને ઘણા બધા લોકોસરળ લોન મળવાને કારણે બિઝનેસમાં આગળ વધ્યા, લોકોની વાહન, ટીવી, ફ્રીજ ખરીદવાની જરૂરિયાત પુરી થઇ.
હવે જ્યારે 6000 કરોડનો બિઝનેસ કરતી બેંક હોય તો બધા લોકોને એટલી તો ખબર જ છે કે, બેંક પર કબ્જો કરવો હોય તો સ્ટ્રોંગ માણસો હોવા જોઇએ. નવા લોકોને બેંકીંગનું નોલેજ હોવું જોઇએ, કાનજી ભાલાળાને હટાવે તો એવો માણસો જોઇએ જે બેંકને સારી રીતે ચલાવી શકે,
જૂના લોકોની દલીલ એવી છે કે, જે રીતે મહેનતથી બેંક ઉભી કરી અને આજે એક પ્રતિષ્ઠીત બેંકમાં સ્થાન મળ્યું છે તો એવા લોકોના હાથમાં સુકાન ન જાય જે બેંકની પ્રતિષ્ઠાને હાની પહોંચાડે એટલે જૂની ટીમ અને નવા જનરેશનના સમજદાર લોકોને ભેગા કરીને પેનલ બનાવવામાં આવી.
મહાભારતના યુદ્ધની જેમ આમા પણ રાજા છે, વઝીર પણ છે, ઘોડા પણ છે, રથ પણ છે, પરંતુ કળિયુગમાં અમે એ ન કહી શકીએ કે આમા કૌરવૌ કોણ છે? પાંડવો કોણ છે? ભિષ્મ પિતામહ કોણ છે? અર્જૂનનો સારથી કોણ છે?
સત્તાધારી પેનલ બનાવવા માટે આખો ખેલ શું હતો?
સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ કાનજી ભાલાળા અને વલ્લભ સવાણીની એક જુદી જુદી પેનલ ઉભી થઇ હતી. તેમાં પિયુષ વેકરીયા, બિપીન વિરાણી, નૈષધ જાસોલિયાએ પોતાની 17 લોકોની એક અલગ પેનલ ઉભી કરી. આ વાતની વલ્લભ સવાણીને ખબર પડતા તેમણે બધાને બોલાવ્યા અને પિયુષ વેકરીયા ટીમે સમાધાન કરી લીધું. કાનજીભાઇ પણ મળવા ગયા અને તેમની ટીમના કેટલાંક ઉમેદવારોને સમાવેશ કરવાની વાત પર સમાધાન થયું અને એ પછી દિનેશ નાવડીયા પણ વલ્લભભાઇને મળી આવ્યા. આખરે વલ્લભ ભાઇ, કાનજીભાઇ અને દિનેશભાઇ બધાને સાચવી લેવાયા અને એક જ સત્તાધારી પેનલ નક્કી કરવામાં આવી.
6 ઉમેદવારોએ ફોર્મ પાછા કેમ ન ખેંચ્યા?
જાણવા મળેલી વિગત મુજબ 6 ઉમેદવારોમાંથી કેટલાંક આમ આદમી પાર્ટીના છે અને કેટલાંક ભાજપના નેતાઓ છે. એક ઉમેદવાર હિતેષ જાસોલિયાએ અમારી સાથેની વાતમાં કહ્યુ કે, અમારો તો ચૂંટણી લડવાનો કોઇ ઇરાદો નહોતો, પરંતુ પિયુષ વેકરીયા, નૈષધ જાસોલિયા, બિપીન વિરાણીએ છેલ્લા કેટલાંક દિવસોમાં અનેક મીટીંગો કરી અને અમને ફોર્મ ભરવા માટે કહ્યું એટલે અમે ફોર્મ ભર્યા, પરંતુ આ લોકો પછી મેનેજમેન્ટ સાથે બેસી ગયા અને અમને જાણ પણ ન કરી. અમારી સાથે વિશ્વાસઘાત કર્યો. પિયુષ વેકરીયાએ જે 17 લોકોની પેનલ બનાવી હતી તે આખી તોડી નાંખી અને ઘણા બધાના ફોર્મ પાછા ખેંચાવી લીધા. મારી સાથે વિશ્વાસઘાત થયો એટલે નક્કી કર્યું કે હવે તો જે થાય તે પણ ફોર્મ પાછુ ખેંચવાનું થતું નથી. જાસોલિયાએ કહ્યુ કે, મને બેસી જવા માટે ધાક ધમકી, ઇમોશનલ બ્લેકમેલિંગ એવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા.
વરાછા બેંકની ચૂંટણીના મુખ્ય ચૂંટંણી અધિકારી સુરત જિલ્લા કલેકટર છે. અમે તેમની સાથે વાત કરી હતી અને પુછ્યું હતું કે, કોઇ સંજોગોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય તો બેંકની ચૂંટણી પર કોઇ અસર થાય? કલેકટરે કહ્યું કે, આચાર સંહિતાની બેંકની ચૂંટણી પર કોઇ અસર નહીં થશે કારણકે એ રાજકીય નથી. એટલે હવે 5 એપ્રિલે ચૂંટણી થવાની છે પછી ખબર પડશે કે, 6000 કરોડની સત્તા કોના હાથમાં આવી છે.

