- Central Gujarat
- ગ્રાહક ફોરમનો નિર્ણય, ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી
ગ્રાહક ફોરમનો નિર્ણય, ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી
મેડિકલ ઇન્શ્યોરન્સને લગતા એક કેસમાં વડોદરા ગ્રાહક ફોરમે મોટો ચુકાદો આપ્યો છે. મીડિયા અહેવાલ મુજબ, ગ્રાહક ફોરમે મેડિકલ ઈન્સ્યોરન્સ કંપનીને દર્દીને ચુકવણી કરવાનો આદેશ આપતા કહ્યું કે, મેડિકલ ઇન્શ્યોરન્સ માટે દાવો કરવા માટે જરૂરી નથી કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય અથવા માત્ર 24 કલાક માટે જ દાખલ કરવામાં આવ્યો હોય.

મીડિયા રિપોર્ટ મુજબ, વડોદરામાં રહેતા રમેશચંદ્ર જોષીએ વર્ષ 2017માં ગ્રાહક ફોરમમાં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે મુજબ, તેમની પત્નીને વર્ષ 2016માં ડર્માટોમાયોસિટિસની બીમારીનું નિદાન થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમદાવાદની લાઇફકેર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં તેમની પત્નીની સારવાર કરાઈ હતી. જો કે, સારવાર બાદ બીજા દિવસે રમેશચંદ્રની પત્નીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પરંતુ, જ્યારે રમેશચંદ્ર ઇન્શ્યોરન્સ માટે દાવો કર્યો તો ઇન્શ્યોરન્સ કંપનીએ ચુકવણી કરી નહોતી. આથી રમેશચંદ્રે ગ્રાહક ફોરમનો દરવાજો ખટખટાવ્યો હતો અને નેશનલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ મામલે સુનાવણી કરી ગ્રાહક ફોરમે દર્દીને ચુકવણી કરવા કંપનીને આદેશ આપ્યો છે અને સાથે કહ્યું છે કે, મેડિકલ ઇન્શ્યોરન્સનો દાવો કરવા માટે જરૂરી નથી કે કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય અથવા તેને માત્ર 24 કલાક માટે જ દાખલ કરવામાં આવે.

