- Entertainment
- ફરાહ ખાનના રસોઈયાએ નીતિન ગડકરીને કહ્યું- સાહેબ મારા ગામમાં એક રોડ બનાવી આપોને...
ફરાહ ખાનના રસોઈયાએ નીતિન ગડકરીને કહ્યું- સાહેબ મારા ગામમાં એક રોડ બનાવી આપોને...
બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાનના યૂટ્યૂબ વ્લોગમાં તાજેતરમાં એક ખૂબ જ રસપ્રદ કિસ્સો જોવા મળ્યો હતો. ફરાહના લેટેસ્ટ એપિસોડમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી મહેમાન બન્યા હતા. આ મુલાકાત દરમિયાન ફરાહના રસોઈયા દિલીપે મંત્રી પાસે કરેલી એક માસૂમ વિનંતીએ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે.
ગામમાં રસ્તા બનાવવાની કરી વિનંતી ફરાહ ખાન તેના રસોઈયા દિલીપ સાથે નીતિન ગડકરીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. જ્યારે ફરાહ નીતિન ગડકરી સાથે હાથ મિલાવી રહી હતી, ત્યારે દિલીપે તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. ફરાહ ખાને મજાકિયા અંદાજમાં ગડકરીજીને કહ્યું, "આટલા મોટા માણસ અત્યાર સુધી અમારા વ્લોગ પર ક્યારેય આવ્યા નથી. દિલીપની એક રિક્વેસ્ટ છે, તે તમને વારંવાર કદાચ હેરાન કરશે પણ તમે જરા સાંભળી લેજો."

તક મળતા જ બિહારના દરભંગા શહેરના વતની એવા દિલીપે સીધી જ માંગ કરી દીધી કે, "સાહેબ, મારા ગામમાં એક રોડ બનાવી આપોને!"
ફરાહ ખાનનું રમુજી રિએક્શન દિલીપની આ વાત સાંભળીને ફરાહ ખાને રમુજી અંદાજમાં પોતાનું માથું પકડી લીધું અને કહ્યું, "અરે! સાહેબ આટલા મોટા મોટા ફ્લાયઓવર અને એક્સપ્રેસવે બનાવી રહ્યા છે (અને તું ગામના રોડની વાત કરે છે)!" દિલીપે વળતો જવાબ આપ્યો કે જો ગામમાં રસ્તા બની જાય તો બહુ મોટી મદદ થશે. આ સાંભળી નીતિન ગડકરી પણ સ્મિત રોકી શક્યા નહોતા.
સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો છે દિલીપ ઉલ્લેખનીય છે કે ફરાહ ખાને વર્ષ 2024માં પોતાની યૂટ્યૂબ સફર શરૂ કરી હતી. ફિલ્મોના કામમાંથી ફ્રી સમયમાં તેણે બનાવેલા કુકિંગ વીડિયોઝમાં દિલીપ સાથેની તેની મજેદાર વાતચીત લોકોને ખૂબ પસંદ આવે છે. આજે દિલીપ એક ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો છે અને તે ફરાહ સાથે અનેક જાહેરાતો તેમજ શાહરૂખ ખાન જેવા સ્ટાર્સ સાથે પણ જોવા મળ્યો છે.

