- Entertainment
- નુસરત ભરૂચાએ મહાકાલના દર્શન કરતા મૌલાનાએ એક્ટ્રેસ વિરુદ્ધ જાહેર કર્યો ફતવો
નુસરત ભરૂચાએ મહાકાલના દર્શન કરતા મૌલાનાએ એક્ટ્રેસ વિરુદ્ધ જાહેર કર્યો ફતવો
બોલિવુડ અભિનેત્રી નુસરત ભરૂચા તાજેતરમાં ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચી હતી, જ્યાં તેણે મહાકાલેશ્વરના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અભિનેત્રીએ પરંપરાગત ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો અને મંદિરના પૂજારીઓએ તેને શાલથી સન્માનિત કરી હતી, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, તેનું આ પગલું હવે મુસ્લિમ ધર્મ અને ધાર્મિક સહિષ્ણુતાને લઈને ચર્ચાનો વિષય બની ગયું છે. અભિનેત્રી હવે પોતાની આ યાત્રા અને મહાકાલના દર્શનને કારણે લાઈમલાઇટમાં છે. અખિલ ભારતીય જમાતના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ નુસરત ભરૂચાની મહાકાલ મંદિરના દર્શન કરવાને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને અભિનેત્રી વિરુદ્ધ ફતવો જાહેર કરી દીધો છે.
મૌલાના શહાબુદ્દીનું કહેવું છે કે, નુસરત ભરૂચા મહાકાલ મંદિરમાં જે ધાર્મિક વિધિઓનું પાલન કર્યું, તે તમામ વસ્તુઓ ઇસ્લામની વિરુદ્ધ છે, જેના કારણે તે શરિયતની નજરમાં ગુનેગાર છે. મૌલાનાએ કહ્યું હતું કે નુસરતે આવું ન કરવું જોઈએ અને કલમાનો પાઠ પણ કરવો જોઈએ. મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવાને કારણે નુસરત ભરૂચા વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. મૌલાના શહાબુદ્દીને તેને ‘ગંભીર પાપ’ ગણાવ્યું છે. મૌલાના શહાબુદ્દીન રિઝવી બરેલવીએ અભિનેત્રીને સલાહ આપતા કહ્યું કે, ‘ઇસ્લામ મંદિરોમાં જવા, પૂજા કરવાની પરવાનગી આપતો નથી, અને તેણે અલ્લાહ પાસેથી માફી માંગવી જોઈએ.’
નુસરત ભરૂચા 30 ડિસેમ્બર 2025, મંગળવારના રોજ મહાકાલ મંદિરના દર્શને પહોંચી હતી. તેણે ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો અને મહાકાલેશ્વરના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર સમિતિ તરફથી શિવકાંત પાંડે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે મહાકાલમાં પોતાની આસ્થા વિશે વાત કરતા કહ્યું કે તે દર વર્ષે બાબા બાબાના દર્શન માટે આવવા માગે છે. તેમણે એમ પણ કહ્યું કે તે બીજી વખત મહાકાલના દર્શને આવી છે.
ઉલ્લેખનીય છે કે, નુસરત ભરૂચાએ શુભંકર મિશ્રા સાથેની વાતચીતમાં ધર્મ પરના પોતાના વિચારો પર વાત કરી હતી. તેણે આ દરમિયાન કહ્યું હતું કે, ‘મારા માટે, મારો વિશ્વાસ સાચો છે. તેથી જ હું હજી પણ તેની સાથે જોડાયેલી છું, હજુ પણ મજબૂત છું, અને હું જાણું છું કે મારે આ જ માર્ગ પર ચાલવું પડશે. જ્યાં પણ તમને શાંતિ મળે, પછી ભલે તે મંદિર હોય, ગુરુદ્વારા હોય કે ચર્ચ હોય, તમારે જવું જોઈએ. હું તો આ વાત ખૂલીને કહું છું: હું નમાજ વાંચું છું. જો સમય હોય, તો હું દિવસમાં 5 વખત નમાઝ વાંચું છું. મુસાફરી કરતી વખતે હું મારી સાથે નમાઝની સાદડી પણ રાખું છું. મારું હંમેશા માનવું છે કે ભગવાન એક જ છે, અને તેમની સાથે જોડાવાના ઘણા રસ્તાઓ છે. અને હું તે બધા માર્ગો શોધવા માંગુ છું.’

