- Gujarat
- ડાકોરમાં ગોમતી ઘાટ પર મૂર્તિ વેચનાર ફેરિયાને ઈનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડની નોટિસ ફટકારી
ડાકોરમાં ગોમતી ઘાટ પર મૂર્તિ વેચનાર ફેરિયાને ઈનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડની નોટિસ ફટકારી
ડાકોરમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચી ગુજરાન ચલાવતા ચિરાગ ભૈયાને ઇનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ચિરાગ જગદીશ ભૈયા ડાકોરના ડુંગળા ભાગોળ વિસ્તારમાં સત્યનારાયણ મંદિર સામે ભાડાના મકાનમાં રહે છે અને ગોમતી ઘાટ પર છૂટક મૂર્તિઓ વેચવાનું કામ કરે છે. તાજેતરમાં તેને પેટલાદ ઇનકમ ટેક્સ વિભાગ તરફથી રજિસ્ટર્ડ પોસ્ટ માર્ફતે એક નોટિસ મળી હતી. આ નોટિસમાં દર્શાવેલા આંકડા જોઈને ચિરાગ અને તેનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
નોટિસ મુજબ શ્રમિકના નામે નાણાકીય વર્ષ 2021-22 માટે 11.86 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2022-23 માટે 7.98 કરોડ રૂપિયા, આમ કુલ રકમ 19.84 કરોડ રૂપિયાની રકમ લેણી દર્શાવવામાં આવી છે. હેરાનીની વાત એ છે કે ઇનકમ ટેક્સ વિભાગે જે કવરમાં નોટિસ મોકલી હતી, તેના પર જ 5,500 રૂપિયાની ટિકિટો લગાવવામાં આવી હતી. સ્થાનિકોની ચર્ચા મુજબ, આ ટિકિટોની કિંમત ફેરિયાની આખા મહિનાની કમાણી કરતા પણ વધુ હોઈ શકે છે.
ચિરાગ પોતે અભણ હોવાથી શરૂઆતમાં તેને આ મામલાની ગંભીરતા સમજાઈ નહોતી, પરંતુ જાણકારો પાસે તપાસ કરાવતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ચિરાગ પાસે રહેવા માટે પોતાનું ઘર નથી અને જે રોજેરોજ મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવે છે, તેના નામે આટલી મોટી રકમના નાણાકીય વ્યવહારો કઈ રીતે થયા તે એક મોટો પ્રશ્ન છે. આ ઘટના બાદ ચિરાગ ભારે માનસિક તણાવમાં આવી ગયો છે.
આ ઘટનાએ ટેક્સ વિભાગના વહીવટની પોલ ખોલી દીધી છે. કોઈપણ જાતની પૂર્વ તપાસ વગર એક શ્રમિકને 19.84 કરોડ રૂપિયાની નોટિસ કેવી રીતે ફટકારાય શકે છે? શું ચિરાગના ડોક્યુમેન્ટ્સનો કોઈએ દુરુપયોગ કર્યો છે કે પછી આ સિસ્ટમની કોઈ ટેક્નિકલ ખામી છે? હાલમાં આ ગરીબ ફેરિયો ન્યાયની આશા રાખી રહ્યો છે, જ્યારે સ્થાનિક લોકોમાં તંત્રની આ અંધેર કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે ચિરાગે કહ્યું હતું કે, હું ગોમતી ઘાટે પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને ગુજરાન ચલાવું છું, આટલો મોટો આંકડો જોયો નથી. પોતાની વ્યથા ઠાલવતા ચિરાગભાઈએ મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ‘મારું માત્ર SBI બેંકમાં એક જ ખાતું છે અને તેમાં પણ માંડ 500-600 રૂપિયા જમા છે. મેં મારી જિંદગીમાં ક્યારેય 1 લાખ રૂપિયા પણ ભેગા જોયા નથી કે ગણ્યા નથી, તો આ કરોડોની નોટિસ ક્યાંથી આવી? જો મારી પાસે આ નોટિસમાં દર્શાવેલી રકમની અડધી રકમ પણ હોત તો હું મારો કોઈ પાકો અને મોટો ધંધો ન ખોલી દેત?’
આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ ભેજાબાજે આ ગરીબ ફેરિયાના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી મસમોટું કૌભાંડ આચર્યું છે, જેની સઘન તપાસ થવી અત્યંત જરૂરી છે.’

