- Gujarat
- ગુજરાતી થ્રિલર-કોમેડી 'લાયક નાલાયક' રિલીઝ
ગુજરાતી થ્રિલર-કોમેડી 'લાયક નાલાયક' રિલીઝ
ગુજરાતી ફિલ્મપ્રેમીઓ માટે વધુ એક મનોરંજક ફિલ્મ 'લાયક નાલાયક' 24 જુલાઈ, 2026ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. થ્રિલર અને કોમેડીનો અનોખો સમન્વય ધરાવતી આ ફિલ્મનું વિશેષ આકર્ષણ એ છે કે તેનું મોટાભાગનું શૂટિંગ લંડનના સુંદર અને જાણીતા લોકેશન્સ પર કરવામાં આવ્યું છે, જેના કારણે દર્શકોને આંતરરાષ્ટ્રીય સ્તરનો સિનેમેટિક અનુભવ મળશે.
ફિલ્મની વાર્તા એક નાના શહેરના જમીનદાર રાહુલ પટેલ અને એનઆરઆઈ રોકી વચ્ચેના વિવાદથી શરૂ થાય છે. ગેરસમજ, પ્રેમ, ભાગદોડ, કોન્ટ્રાક્ટ કિલર અને લંડનની પૃષ્ઠભૂમિમાં બનતી રોમાંચક ઘટનાઓ દર્શકોને અંત સુધી બેઠા રાખશે. કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર આ ફિલ્મમાં અનેક અણધાર્યા ટ્વિસ્ટ જોવા મળશે.
ફિલ્મમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, ઓજસ રાવલ, અશ્મિત પટેલ, કિરણ આચાર્ય, કથા પટેલ, સ્મિતા ગોંડકર, આરતી જોશી, શેખર શુક્લા, સુનિલ વિસરાણી, ગ્રીવા કંસારા, જીતુ પંડ્યા અને શાવર અલી જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મનું દિગ્દર્શન તન્મય ગોપાલ સેનગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે નિર્માતા મૂળ ગુજરાતી હાલ લંડન સ્થિત રાજેશ આર. પટેલ છે.
વિદેશી લોકેશન્સ, મનોરંજક કથા, ભરપૂર કોમેડી અને સસ્પેન્સનો સંગમ ધરાવતી 'લાયક નાલાયક' સમગ્ર પરિવાર સાથે માણી શકાય તેવી એક સંપૂર્ણ મનોરંજક ગુજરાતી ફિલ્મ છે.

