- Gujarat
- અયોધ્યા બાદ અંબાજી મંદિરમાં દાન ચોરી, પગ નીચે નોટોનું બંડલ છૂપાવ્યું, CCTV વાયરલ, જામીન પણ મળી ગયા
અયોધ્યા બાદ અંબાજી મંદિરમાં દાન ચોરી, પગ નીચે નોટોનું બંડલ છૂપાવ્યું, CCTV વાયરલ, જામીન પણ મળી ગયા
અયોધ્યાના રામમંદિરમાં દાન ચોરીનો મુદ્દો હાલ દેશભરમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને છે, ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ભંડાર કક્ષમાં બનેલી ચોરીની એક ઘટનાનો મે મહિનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ વાયરલ વીડિયોને પગલે અંબાજી મંદિરમાં પણ દાનચોરીની ઘટના ફરી એકવાર ટોક-ઓફ-ધ-ટાઉન બની છે.
વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે આઉટસોર્સિંગ એજન્સીનો કર્મચારી ચિરાગ ઠાકોર અન્ય સ્ટાફ સાથે ભંડાર કક્ષમાં નોટોની ગણતરી કરી રહ્યો છે. આ ગણતરી દરમિયાન તે ખૂબ જ ચાલાકીથી નોટોનું એક આખું બંડલ પોતાના પગ નીચે સંતાડી દે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ગત 5 મેના રોજ બની હતી, જ્યારે આરોપી ચિરાગ ઠાકોર નોટોની ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ ગુનામાં ચિરાગ ઉપરાંત અન્ય બે આરોપીઓ- વિવેક શર્મા અને નિકુંજ પટેલની પણ સંડોવણી ખૂલી હતી.
https://twitter.com/kiranpatel1977/status/2076029564787249322
મળતી માહિતી મુજબ, જ્યારે ભંડાર કક્ષમાં દાનની રકમ ગણવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આ ચોરી આચરવામાં આવી હતી. ચિરાગ ઠાકોરે રૂપિયાનું બંડલ છુપાવ્યા બાદ ત્યાંથી સરકી જવા માટે બાથરૂમ જવાનું બહાનું કાઢ્યું હતું. જોકે, તે બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ તેના ખિસ્સામાંથી એક લાખ ચાર હજારની રોકડનું બંડલ નીચે પડી ગયું હતું. ત્યાં હાજર અન્ય કર્મચારીઓની નજર આ પડી ગયેલા બંડલ પર પડતાં જ તેમણે તુરંત આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી દીધી હતી.

આ ગંભીર આક્ષેપ સામે આવતા જ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરે કડક વલણ અપનાવ્યું હતું અને હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર વિરુદ્ધ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ કર્યો હતો. મંદિરના અધિક કલેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર સહિત તેના સહ-આરોપીઓ વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી લીધી હતી.
ત્યારબાદ કોર્ટે સહ-આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે ચોરાયેલી રકમમાંથી 500 રૂપિયાના દરની કુલ 208 નોટો રિકવર કરી લીધી હતી.
આ મામલે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર જે CCTV ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે તે બે મહિના જૂના છે. આ ઘટના જે-તે સમયે સામે આવતા જ ત્રણેય આઉટસોર્સિંગ કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધીને તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાલમાં આ તમામ આરોપીઓ કોર્ટમાંથી જામીન પર મુક્ત થયેલા છે.

આ ચોરીની ઘટના બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એક્શન મોડમાં આવ્યું છે. ભંડાર ગણતરીની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત નીચે મુજબના મોટા ફેરફારો કરાયા છે:
- એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ: ભંડાર કક્ષમાં થતી નોટોની ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું મંદિર પરિસરમાં મૂકવામાં આવેલી મોટી LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવે છે, જેથી સામાન્ય શ્રદ્ધાળુઓ પણ આ પ્રક્રિયા પોતાની નજરે જોઈ શકે.
- 20 હાઈ-ટેક CCTV કેમેરા: ભંડાર કક્ષના ખૂણે-ખૂણા પર નજર રાખવા માટે અંદાજે 20 જેટલા અત્યાધુનિક હાઈ-ટેક CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેના દ્વારા સતત મોનિટરિંગ થાય છે.
- આઉટસોર્સિંગ કર્મચારીઓ પર પ્રતિબંધ: સુરક્ષાના ભાગરૂપે હવેથી વર્ગ-4 અને આઉટસોર્સિંગના કર્મચારીઓને ભંડાર ગણતરીની કામગીરીથી સંપૂર્ણપણે દૂર રાખવાનો મોટો નિર્ણય લેવાયો છે.
- SRP જવાનો દ્વારા ચુસ્ત ચેકિંગ: ભંડાર કક્ષમાં પ્રવેશતા અને ત્યાંથી બહાર નીકળતા તમામ સત્તાવાર કર્મચારીઓનું સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના જવાનો દ્વારા અત્યંત કડક ઇન-આઉટ બોડી ચેકિંગ કરવામાં આવે છે.

