- Gujarat
- અમદાવાદની 9 હોસ્પિટલોને AMCએ કરી દીધી સીલ, જાણો શું છે આખો મામલો
અમદાવાદની 9 હોસ્પિટલોને AMCએ કરી દીધી સીલ, જાણો શું છે આખો મામલો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BU પરમિશન ન હોય તેવી હોસ્પિટલ સામે લાલ આંખ કરી છે અને આજે સવારે આવી હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ કોર્પોરેશન તરફથી નોટિસ ફટકારી BU પરમિશના પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. છતા કોઈ પુરાવા રજૂ કરવામાં ન આવતાં છેવટે તંત્રએ હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના હદ વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલોને નિર્માણના નિયમાનુસાર BU મેળવી લેવા તેમજ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022 (GRUDA-2022) હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા વારંવાર મૌખિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
જોકે, આ હોસ્પિટલોના સંચાલકો દ્વારા વપરાશ પરવાનગી મેળવી લીધી હોવાથી બાંધકામ નિયમિત કરાવી લીધું હોવાથી તે અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા અને તેમ છતા તેઓ દ્વારા હોસ્પિટલનો વપરાશ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે અને જાહેર સલામતીના ભાગરૂપે AMC દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે આ 9 હોસ્પિટલોને આજે સીલ કરવામાં આવી છે.
જે હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં ૩૩-સરખેજ દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ, 34-મક્તમપુરા મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા, નૌશીન હોસ્પિટલ, 34-મક્તમપુરા રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા, 34-મક્તમપુરા હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ, જોધપુર-2 સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલ, જોધપુર-૨ મમતા હોસ્પિટલ, સાઉથ બોપલ, જોધપુર-2 આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલ અને જોધપુર-2 દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલનો સમાવેશ થાય છે.
દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, આગામી સમયમાં પણ જે પ્રોપટીના માલિકે BU મેળવી ના હોય કે ઇમ્પેક્ટ ફી અંતર્ગત બાંધકામ નિયમિત કરાવેલ ન હોય તેવા મલ્ટીપ્લેક્ષ, શૈક્ષણિક સંસ્થાઓ વિગેરે જેવા એસેમ્બલી પ્રકારના એકમોનો વપરાશ બંધ કરાવવા અંગે સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વિરાટનગરના કોમ્પ્લેક્સમાં લાગેલી આગ બાદ તંત્ર ખાસ સજાગ બન્યું છે. આ ઘટના પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટી તેમજ બીયુ પરમિશનન છે કે નહી તે મામલે હોસ્પિટલોમાં તપાસ શરૂ કરી છે.

