- Gujarat
- ગુજરાત હાઈકોર્ટે આસારામના ચોથી વખત જામીન લંબાવ્યા, 3 સપ્ટેમ્બરે થશે વધુ સુનાવણી
ગુજરાત હાઈકોર્ટે આસારામના ચોથી વખત જામીન લંબાવ્યા, 3 સપ્ટેમ્બરે થશે વધુ સુનાવણી
સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે. હવે 3 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ અગાઉ 21 ઑગસ્ટ સુધીના હંગામી જામીન વધારી આપવામાં આવ્યા હતા.
ગઈકાલે આસારામને મેડિકલ તપાસ માટે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. તે સમયે OPDમાં લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવતા સામાન્ય જનતાએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ અગાઉ તેને ઈન્દોરની જ્યુપિટર હૉસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ અગાઉ સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આસારામના જામીન 21 ઑગસ્ટ સુધી લંબાવ્યા હતા. આસારામે કોર્ટ સમક્ષ મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવાની માગ કરી હતી. અને તેના માટે તેણે હૉસ્પિટલ અને ડૉક્ટરના પ્રમાણપત્રો રજૂ કર્યા હતા. આ પ્રમાણપત્રોની તપાસ કરવા માટે સરકારી વકીલે સમય માગ્યો હતો, જેથી જામીન લંબાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોર્ટે ચોથી વખત આસારામના જામીનને લંબાવ્યા છે, આ અગાઉ 27 જૂને હાઇ કોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવ્યા. ત્યારબાદ 03 જુલાઈએ હાઇકોર્ટે આસારામના જામીન 01 મહિનો સુધી લંબાવી આપ્યા હતા. પછી 7 ઑગસ્ટ 2025ના રોજ ત્રીજી વખત જામીન લંબાવ્યા હતા અને હવે આ ચોથી વખત તેને જામીન લંબાવવામાં આવ્યા છે.
આ અગાઉ રાજસ્થાન હાઇકોર્ટે 29 ઑગસ્ટ સુધીના જામીન માન્ય રાખ્યા હતા. રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ પર ગઈકાલે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ વખતે આસારામના સમર્થકોએ મીડિયા સાથે મારામારી કરતા તેમજ સામાન્ય દર્દીઓ માટે અમુક સમય OPD બંધ કરવામાં આવતા હોબાળો થયો હતો.
નોંધનીય છે કે, વર્ષ 2008માં અમદાવાદના 2 ભાઈ દીપેશ અને અભિષેકના આશ્રમમાં મોત થયા હતા, જેને લઈને રાજ્યભરમાં આસારામ વિરુદ્વ રોષ ફાટી નીકળ્યો હતો. આ દરમિયાન મોટેરા આશ્રમમાં નાગરિકો પહોંચી ગયા હતા, જેથી અમદાવાદ સહિતના મીડિયાની ટીમના પત્રકારો આશ્રમનું કવરેજ કરવા ગયા હતા, જેમાં આસારામ આશ્રમના સાધકો દ્વારા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં 19 જેટલા સાધકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસ ગાંધીનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી. કે. ગઢવીની કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં રાયટિંગ અને મારઝૂડ કેસમાં 7 આરોપી પ્રદીપ મિશ્રા, દુર્ગેશ થાપા, રામ રમુ રાવત, દીપનારાયણ ચૌહાણ, મનોજ બગુલ, પ્રમોદ બિશન અને સંજય શાહુને કલમ 147, 149 મુજબ દોષી ઠેરવી તથા કલમ 323 મુજબ એક વર્ષની સજાનો હુકમ કરાયો હતો. ગુરુપૂર્ણિમાના દિવસે જ સાધકોએ પોતાના ગુરુના બચાવ માટે પત્રકારો પર હુમલો કર્યો હતો. જ્યારે અન્ય 4 કેસમાં આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યા હતા.
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997-2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
આસારામ અને તેના પરિવારના કાળાં કારનામા વર્ષ 2013માં સામે આવ્યા હતા. એ સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. યુવતીના માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની પર ભૂતપ્રેતનો ઓછાયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે. યુવતીના માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયા. આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. આસારામ વિરુદ્ધ 15 ઑગસ્ટ 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી.
સગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યાના થોડા મહિનાઓ બાદ 2 બહેનોએ પણ કેસ દાખલ કરાવ્યો હતો. એક બહેને આસારામ વિરુદ્ધ અને બીજીએ નારાયણ સાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. બંને બહેનોએ બળાત્કાર, અકુદરતી સંબંધ બાધવા અને ગેરકાયદે કેદનો આરોપ લગાવ્યો હતો. બહેનોએ આરોપ લગાવ્યો હતો કે આસારામ અને તેના પુત્ર નારાયણ સાઈએ 2001-2006 વચ્ચે તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આ કેસમાં આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીને પણ આરોપી બનાવવામાં આવી હતી. એક બહેને સુરતમાં નારાયણ સાઈ સામે કેસ કર્યો હતો, જ્યારે બીજી બહેને અમદાવાદમાં તેની સામે કેસ કર્યો હતો.

