- Gujarat
- રાજકોટમાં 12 મંદિરોનું ડિમોલિશન, સ્થાનિકો લોકો બોલ્યા- કોર્પોરેટરોને મત મળી ગયા તો આજે આરામથી સૂતા છ...
રાજકોટમાં 12 મંદિરોનું ડિમોલિશન, સ્થાનિકો લોકો બોલ્યા- કોર્પોરેટરોને મત મળી ગયા તો આજે આરામથી સૂતા છે
રાજકોટમાં 14 મેની મોડીરાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન મવડી મેઈન રોડ પર સ્થાનિકો દ્વારા રસ્તા પર બેસી મંદિર બચાવવા રામધૂન બોલાવવામાં આવી હતી અને વહેલી સવારે 4:00 વાગ્યે અધિકારીઓ સાથે રકઝક કરી નડતર રૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં આવ્યું નહોતું. આ મંદિર આગામી 48 કલાકમાં નાનું બનાવી દેવા માટે ખાતરી આપતા મંદિરના બદલે રસ્તા પરમાં ઓટાને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, મહાનગપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય તે માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે 1:30 વાગ્યાથી શરૂ કરી 5:00 વાગ્યા સુધી ચાલી હતી. આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી, જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.
માલવિયા નગર વિસ્તારમાં 9 મંદિરનું ડિમોલિશન કુલ 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા મંદિરો તોડી પાડવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે. એમ. કૈલા, 5 PSI અને 60 પોલીસ કર્મચારીઓન બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.
મવડી ચોકમાં કેસરિયા હનુમાન મંદિરે સ્થાનિકો દ્વારા તોડવા દેવાયું નહોતું. માલવિયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મવડી ચોક પાસે રસ્તા પર કેસરિયા હનુમાન મંદિર આવેલું છે, જેને તોડી પાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જો કે આ વાતની જાણ થતા સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થઇ ગયા હતા અને રસ્તા પર રામધૂન બોલાવી હતી. સતત 4 કલાક સુધી મંદિર બહાર બેસી રહ્યા બાદમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી સાથે રૂબરૂ સ્થળ પર ચર્ચા કરી મંદિરથી 500 મીટર દૂર રસ્તામાં દરગાહ આવેલી હોવા છતા તેને નોટિસ ન આપી હિન્દૂ સમાજની લાગણી દુભાઈ તે પ્રકારનું કામ થઇ રહ્યું છે. અમે શરતોમાં બાંધછોડ કરીશુ, પરંતુ મંદિર તોડવા દેશું નહિ કહેતા અધિકારીએ સ્થાનિકોને જાતે 48 કલાકમાં મંદિર નાનું કરવા ખાતરી લેવામાં આવી હતી.
ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ મુજબ, હનુમાનજીની ડેરી: 12 મી. ટી.પી. રોડ, હનુમાનજીની ડેરી: અપાર્ટમેન્ટ વાળી શેરી નં.2, યોગીનગર મેઈન રોડ, દેશા ચૌકી પાસે, રાજકોટ. શ્રી હનુમાનજી મંદિર: શ્રીનાથજી કૃપા, વિકાસ વૃંદાવન સાથે, ઉદય નગર-2, શેરી નં.13, મવડી રાજકોટ, શ્રી હનુમાનજી મંદિર: માયાણી ચોક, બકુલબેન શોપિંગ સેન્ટર, રાજકોટ, શ્રી હનુમાનજી મંદિર: માયાણી ચોકની બાજુમાં, રાજકોટ, શ્રી કષ્ટભંજન, હનુમાન મહારાજ મંદિર: ઉદય નગર-2, શેરી નં.17, મવડી, રાજકોટ, શ્રી કાળિયા હનુમાનજી મંદિર: ભક્તિનંદ એપાર્ટમેન્ટની બાજુમાં, જ્યોતિ કોમ્પલેક્ષની સાથે, ઉદયનગર-19, મવડી મેઈન રોડ, રાજકોટ, શ્રી જય બાલાજી મંદિર: માનસ સ્ક્વેર (જય ભવાની જવેલર્સ), મવડી મેઈન રોડ, રાજકોટ, અંબાજી મંદિર-પવળપુર હનુમાન મંદિર: માયાણી આવાસ યોજના, ગોકુલ ગ્રીનલેન્ડ રેસિડન્સી પાસે, રાજકોટ, ઉદ્યાનપાલની મેલડીમાં મંદિર: વિકાસનગર-3, માયાણી આવાસ યોજનાના બાજુમાં, રાજકોટ, માપા સાહેબ-મેલડીમાં મંદિર: માયાણી આવાસ યોજનાના બાજુમાં, રાજકોટ, માતાજી મંદિર: આર.એમ.સી. વેસ્ટ ઝોન રોડની બાજુમાં, ચંદ્ર પાર્ક, ચૌરસિયા, નાનામવા, રાજકોટ આ મંદિરો તોડી પાડવામાં આવ્યા છે.
અહીં સ્થાનિકોએ ભાજપની નીતિ સામે સવાલો ઊઠાવ્યા હતા. એક સ્થાનિકે કહ્યું કે, ભાજપ ધર્મના નામે મત માગીને ચૂટાઈ છે. હિન્દુઓએ ભાજપને ભરી-ભરીને મત આપ્યાં. કોર્પોરેટરોને મત મળી ગયાં તો આજે આરામથી સૂતા છે. આજે 2 લોકો જાગ્યા, કાલે 5 હજાર જાગશે, સત્તા ક્યારે જતી રહેશે તે પણ નહિ ખબર પડે.
સ્થાનિક હિતેશભાઈ ડાભીએ કહ્યુ કે, આજે બપોરે જ મને આ ધાર્મિક સ્થળ તોડી પાડવાની નોટિસ મળી છે. માત્ર મને જ નહીં, બીજા ઘણા મંદિરોને પણ આવી નોટિસો આપવામાં આવી છે. આજે જે કોર્પોરેટરો છે, જે સત્તામાં છે, એ બધા અત્યારે આરામથી સૂતા છે. એમને હવે જનતાની કોઈ પડી નથી. મેં પોતે કોર્પોરેટર અને ભાનુબેન બાબરીયાને પણ ફોન કર્યા હતા, પણ હવે એમને મત મળી ગયા છે એટલે એ નિરાંતે સૂતા છે. અમે રાત-દિવસ દોડીએ છીએ અને અચાનક અમને કહેવામાં આવે છે કે રાત્રે 1:00 વાગ્યે મંદિર પાડવાનું છે! તમે મંદિર પાડીને શું સાબિત કરવા માંગો છો? તમે હિન્દુ છો, સનાતની છો એવું સાબિત નથી કરવાનું. મંદિર એ લોકોની આસ્થાનું કેન્દ્ર છે.
‘હિન્દુઓના જ મંદિરો પાડીને શું ફાયદો?’ ભાજપે ધર્મના નામે જ મત માંગ્યા હતા. આજે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી, બધા હિન્દુત્વ અને સનાતનના નામે જ સત્તા પર આવ્યા છે. તો પછી હિન્દુઓના જ મંદિરો પાડીને શું ફાયદો? જો તમારે કામ જ કરવું હોય તો રાજકોટમાં બીજા ઘણા સારા કામો છે, ત્યાં ધ્યાન આપો. મંદિરો પાછળ સમય ન બગાડો. આજે જો 5 લોકો જાગ્યા છે, તો કાલે 5 હજાર પણ જાગશે તો યાદ રાખજો, આજે તમારી સત્તા છે, પણ જનતા ધારે તો એ સત્તા ઉખેડી ફેંકતા વાર નહીં લાગે.
આ 35-40 વર્ષ જૂનું મંદિર છે. મંદિરમાં જે ડંકો છે એના પર પણ તારીખ લખેલી છે, જઈને વાંચી લેજો કે એ કેટલું જૂનું છે. જો આ મંદિરથી કોઈને નડતર હોત તો પ્રજા પોતે ફરિયાદ કરતી. અહીંના દુકાનદારો જે 80-80 લાખની દુકાનો લઈને બેઠા છે, એ પણ કહે છે કે આ અમારા 'દાદા' છે. જો એમને નથી નડતું, તો સરકારને કેમ નડે છે?
સ્થાનિક યુવક દેવાંગ બાભવાએ જણાવ્યું હતું કે, ‘પાલિકાની ટીમ મંદિર ડિમોલિશન કરવા આવી છે જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અહીં ઘણી બધી લારીઓ ઊભી રહે છે જે કોઈને નડતી નથી તેને RMC વાળા ઉપાડતા નથી પણ આ મંદિર જે કોઈને નડતરરૂપ નથી તેને તોડી પાડવા માટે આવ્યા છે. અમે 100થી 150 લોકો ભેગા થયા છીએ અને ડિમોલિશન નહીં થવા દઈએ. રેકડીઓ વાળા જોડેથી આ લોકો રોજ પૈસા લે છે એટલે એ તેમને નડતી નથી, પણ રોજ 100થી 150 લોકો મંદિરે દર્શન કરવા આવે છે, સમગ્ર એરિયાની જે મંદિર સાથે આસ્થા જોડાયેલી છે તે તેમને નડે છે.’

