- National
- ધાર ભોજશાલા કેસ: હિન્દુ પક્ષની જીત, કોર્ટે હિન્દુ મંદિર જાહેર કર્યું, મુસ્લિમો હવે...
ધાર ભોજશાલા કેસ: હિન્દુ પક્ષની જીત, કોર્ટે હિન્દુ મંદિર જાહેર કર્યું, મુસ્લિમો હવે...
મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચ દ્વારા શુક્રવારે ધાર ભોજશાલા વિવાદ અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે ચુકાદો સંભળાવતા સ્પષ્ટ કર્યું છે કે આ વિવાદિત પરિસર મૂળભૂત રીતે એક હિન્દુ મંદિર છે. કોર્ટે હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી પૂર્ણ કરીને આ આદેશ જાહેર કર્યો છે.
કોર્ટે પોતાના ચુકાદામાં શું કહ્યું?
હાઈકોર્ટે ચુકાદો આપતી વખતે અવલોકન કર્યું કે ભોજશાલાનું મૂળ સ્વરૂપ એક સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર (મહાવિદ્યાલય) તરીકેનું હતું. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) ના સર્વે અને વૈજ્ઞાનિક અભ્યાસ પર પૂર્ણ ભરોસો વ્યક્ત કરતા કોર્ટે જણાવ્યું કે, પુરાતત્વ એ એક વિજ્ઞાન છે અને અદાલત તેના વૈજ્ઞાનિક તારણો પર વિશ્વાસ રાખી શકે છે. આ સાથે જ કોર્ટે ઉમેર્યું કે ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતી આવી સંરચનાઓનું સંરક્ષણ કરવું એ સરકારની બંધારણીય જવાબદારી છે.
'મુસ્લિમ પક્ષને નમાજ માટે અલગ જમીન'
કોર્ટે વધુમાં જણાવ્યું કે શ્રદ્ધાળુઓ માટે પાયાની સગવડો, કાયદો અને વ્યવસ્થા તેમજ પરિસરનું સંરક્ષણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને નમાજ પઢવા માટે ધાર જિલ્લામાં કોઈ અલગ જમીન મેળવવાના હેતુથી સરકારનો સંપર્ક કરવાની છૂટ આપી છે.
કોર્ટે કેન્દ્ર સરકાર અને ASI ને ભોજશાલા પરિસરના સંચાલન અને સંસ્કૃત શિક્ષણને લગતા તમામ નિર્ણયો લેવા માટે નિર્દેશ આપ્યો છે. ભોજશાલા પરિસરનું સમગ્ર વહીવટી અને વ્યવસ્થાપન સંચાલન અગાઉની જેમ જ ASI દ્વારા ચાલુ રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દુ સમુદાય ભોજશાલાને વિદ્યાની દેવી સરસ્વતીને સમર્પિત મંદિર માને છે, જ્યારે મુસ્લિમ સમુદાય તેને 'કમાલ મૌલા મસ્જિદ' તરીકે ઓળખાવે છે. જુલાઈ 2024માં ASI એ આ વિવાદિત ભોજશાલા-કમાલ-મૌલા મસ્જિદ પરિસરનો વૈજ્ઞાનિક સર્વે કરીને તેનો અહેવાલ મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચ સમક્ષ રજૂ કર્યો હતો.
છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી વ્યવસ્થા મુજબ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) આ ઈમારતની દેખરેખ રાખે છે. આ વ્યવસ્થા હેઠળ, હિન્દુઓને દર મંગળવારે ભોજશાલામાં પૂજા કરવાની અને મુસ્લિમોને દર શુક્રવારે નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી.
શું છે ધારનો ભોજશાલા વિવાદ?
વર્તમાન સમયમાં દેશમાં ધાર્મિક સ્થળોને લઈને અનેક વિવાદો હેડલાઈન્સમાં છે. કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદનો મામલો હોય કે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શાહી ઈદગાહ મસ્જિદનો વિવાદ હોય, આ તમામની વચ્ચે ધારનો ભોજશાલા વિવાદ પણ ભારે ચર્ચામાં આવ્યો છે.

તાજેતરમાં ઇન્દોર હાઈકોર્ટ બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં ભોજશાલા પરિસરમાં દેવી સરસ્વતીની પ્રતિમા પુનઃ સ્થાપિત કરવાની, સમગ્ર પરિસરની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરાવવાની તેમજ ત્યાં થતી નમાજને કાયમ માટે બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.
ધારનો આ વિવાદ નવો નથી. દર વર્ષે વસંત પંચમી આવતાની સાથે જ આ સ્થળનો વિવાદ ફરી ગરમાય છે અને ભૂતકાળમાં અહીં ઘણી વખત કોમી તણાવની સ્થિતિ પણ સર્જાઈ ચૂકી છે. અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, અહીં મંગળવારે અને વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજા કરવાની તથા શુક્રવારે નમાજ પઢવાની મંજૂરી હતી. પરંતુ હવે હિન્દુ પક્ષની માંગ છે કે નમાજ સંપૂર્ણપણે બંધ કરીને આખો પરિસર હિન્દુઓને સોંપી દેવામાં આવે. આ વિવાદને ઊંડાણપૂર્વક સમજવા માટે તેનો ઇતિહાસ જાણવો જરૂરી છે.
ભોજશાલાનો ઇતિહાસ શું છે?
આજથી લગભગ એક હજાર વર્ષ પહેલા ધારમાં પરમાર વંશનું શાસન હતું. અહીં ઈસવીસન 1000 થી 1055 દરમિયાન રાજા ભોજે શાસન કર્યું હતું. રાજા ભોજ દેવી સરસ્વતીના પરમ ભક્ત હતા. તેમણે ઈસવીસન 1034માં અહીં એક ભવ્ય મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી, જે પાછળથી 'ભોજશાલા' તરીકે જાણીતી થઈ. હિન્દુઓ તેને સરસ્વતી મંદિર તરીકે પૂજતા હતા.

ઇતિહાસના દસ્તાવેજો અનુસાર, ઈસવીસન 1305માં અલાઉદ્દીન ખીલજીએ ભોજશાલા પર આક્રમણ કરીને તેને ધ્વસ્ત કરી દીધી હતી. ત્યારબાદ ઈસવીસન 1401માં દિલાવર ખાન ગૌરીએ ભોજશાલાના એક ભાગમાં મસ્જિદ બનાવી દીધી. ત્યારપછી ઈસવીસન 1514માં મહમૂદ શાહ ખીલજીએ તેના બીજા ભાગમાં પણ મસ્જિદનું નિર્માણ કરાવી દીધું.
એવું કહેવાય છે કે વર્ષ 1875માં આ સ્થળે ઉત્ખનન (ખોદકામ) કરવામાં આવ્યું હતું, જે દરમિયાન દેવી સરસ્વતીની એક અત્યંત સુંદર પ્રતિમા મળી આવી હતી. મેજર કિનકેડ નામનો એક બ્રિટિશ અધિકારી આ પ્રતિમાને પોતાની સાથે લંડન લઈ ગયો હતો. હાલમાં આ પ્રતિમા લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં આ સરસ્વતી પ્રતિમાને લંડનથી પરત લાવવાની પણ માંગ કરવામાં આવી છે.
મુખ્ય વિવાદ શું છે?
હિન્દુ સંગઠનો ભોજશાલાને રાજા ભોજના સમયની ઐતિહાસિક ઈમારત ગણાવીને તેને વાસ્તવિક સરસ્વતી મંદિર માને છે. હિન્દુ પક્ષની દલીલ છે કે રાજાશાહીના શાસનકાળ દરમિયાન મુસ્લિમોને અહીં માત્ર થોડા સમય માટે નમાજ પઢવાની છૂટ આપવામાં આવી હતી. બીજી તરફ, મુસ્લિમ સમુદાયનો દાવો છે કે તેઓ પેઢીઓથી અહીં નમાજ અદા કરી રહ્યા છે અને તેઓ આ સ્થળને ભોજશાલા-કમાલ મૌલા મસ્જિદ તરીકે ઓળખાવે છે.

પૂજા અને નમાજની મંજૂરી ક્યારે અને કેવી રીતે મળી? (સમયરેખા)
- 1909: ધાર સ્ટેટ (રિયાસત) દ્વારા ભોજશાલાને સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું અને બાદમાં તેની દેખરેખની જવાબદારી પુરાતત્વ વિભાગને સોંપવામાં આવી.
- 1935: ધાર રિયાસત દ્વારા જ મુસ્લિમોને અહીં દર શુક્રવારે નમાજ પઢવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી. એ સમયે ભોજશાલા માત્ર શુક્રવારે જ ખુલતી હતી.
- 1995: અહીં પ્રથમ વખત મોટો વિવાદ થયો, જેના ઉકેલ તરીકે મંગળવારે પૂજા અને શુક્રવારે નમાજ પઢવાની નવી વ્યવસ્થા નક્કી કરાઈ.
- 12 મે 1997: તત્કાલીન કલેક્ટરે કાયદો-વ્યવસ્થા જાળવવા સામાન્ય જનતાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો અને મંગળવારની પૂજા પણ રોકી દીધી. માત્ર વસંત પંચમીએ પૂજા અને શુક્રવારે નમાજની છૂટ રહી.
- 31 જુલાઈ 1997: આ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા.
- 6 ફેબ્રુઆરી 1998: પુરાતત્વ વિભાગે આગામી આદેશ સુધી ફરી સામાન્ય પ્રવેશ અને મંગળવારની પૂજા પર રોક લગાવી દીધી.
- 2003: મંગળવારે ફરીથી પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી અને પ્રવાસીઓ માટે પણ ભોજશાલાના દ્વાર ખોલવામાં આવ્યા.
- 2013: આ વર્ષે વસંત પંચમી અને શુક્રવાર એક જ દિવસે આવતા પરિસ્થિતિ વણસી હતી. હિન્દુઓએ પૂજા સ્થળ છોડવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે ભારે તંગદિલી સર્જાઈ હતી અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
- 2016: ફરી એકવાર વસંત પંચમી અને શુક્રવાર એક જ દિવસે આવ્યા, જેના કારણે વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ પેદા થઈ હતી.
હાલની વ્યવસ્થા મુજબ હિન્દુઓ અહીં દેવી સરસ્વતીની તસવીર રાખીને પૂજા અર્ચના કરે છે, પરંતુ હવે હાઈકોર્ટના આ નવા ચુકાદા બાદ આ સમગ્ર વિવાદમાં મોટો વળાંક આવ્યો છે.

