- Gujarat
- પોર્ટુગલમાં પતિએ પત્નીને નજરકેદ રાખેલી, પિતાએ ગુજરાત સરકારની મદદથી છોડાવી
પોર્ટુગલમાં પતિએ પત્નીને નજરકેદ રાખેલી, પિતાએ ગુજરાત સરકારની મદદથી છોડાવી

વિદેશમાં પરણાવેલી ગુજરાતની એક યુવતીને પતિ ત્રાસ આપતો હતો તો પિતાએ સરકારને રજૂઆત કરી હતી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી દીકરીને હેમખેમ પાછી મેળવવામાં પિતા સફળ રહ્યા છે. દીકરી હેમખેમ પરત ફરતા પરિવારની ખુશી સમાતી નહોતી.
પોર્ટુલગમાં પરણેલી ગુજરાતની એક યુવતીને તેના પતિએ નજરકેદમાં રાખી હતી અને તેણીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.વ્હાલસોયી દીકરી પર અત્યાચારના સમાચારથી વ્યથિત પિતાએ ગુજરાત સરકાર પાસે મદદ માંગી હતી અને આખરે તેમની દીકરી સહી સલામત ગુજરાત આવી ગઇ છે.
વિદેશમાં ભણવા, કેરિયર બનાવવા અને વિદેશમાં દીકરીઓને પરણાવવાનો વર્ષોથી પરિવારોનો ક્રેઝ રહ્યો છે.પરંતુ અનેક એવા ચોંકાવનારા કિસ્સા સામે આવવા છતા ઘણી વાર પરિવારોની આંખ ખુલતી નથી અને વિદેશના મોહમાં ફસાતા જાય છે.
જાણવા મળેલી માહિતી મુજબ ગુજરાતની એક યુવતીના પોર્ટુંગલમાં રહેતા રાહુલ વર્મા સાથે લગ્ન થયા હતા. પતિ રાહુલ વર્મા પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો એટલું જ નહીં, પરંતુ પત્નીને નજરકેદ પણ રાખી હતી. પતિ એટલો નિષ્ઠુર હતો કે પત્નીનો પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો પણ પોતાના કબ્જામાં લઇ લીધા હતા. યુવતી માટે ભારત પાછું ફરવું મુશ્કેલ બની ગયું હતું.
ગુજરાતી યુવતીએ આ વાત કોઇક રીતે પોતાના પિતાને પહોંચાડી હતી.દરેક પિતા માટે દીકરીએ વ્હાલનો દરિયો હોય છે. દીકરીને મુશ્કેલી પડી રહે તો કોઇ પણ પિતા હાથ પર હાથ રાખીને બેસી ન રહે.
ગુજરાતી યુવતીના પિતાએ ગુજરાત સરકારને પોતાની દીકરી હેમખેમ પરત લાવવામાં મદદ કરવા વિનંતી કરી હતી.છે.
પિતા અશોક ચૌહાણે કહ્યું હતું કે, મારી દીકરીના પાસપોર્ટ સહિતના અનેક દસ્તાવેજો તેના પતિએ કબ્જે કરી લીધા હતા અને મારી દીકરીને હેરાન કરવામાં આવી હતી. આ બાબતે રાજ્યના ગૃહ મંત્રી અને NRG મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવામાં આવી હતી..
આ બાબતે પોર્ટુગલની ભારતની એલચી કચેરી અને ભારતના વિદેશ મંત્રાલયને ઇ-મેલથી જાણ કરવામાં આવી હતી, જેનો સારો પ્રતિસાદ પડ્યો હતો અને રાજ્યના અને કેન્દ્ર સરકારના પ્રયાસથી દીકરી હેમખેમ ગુજરાત પાછી આવી ગઇ છે, એ અમારા માટે ખુશીના વાત છે.