- Gujarat
- લૂંટેરી દુલ્હન સોનિયા પટેલ પહેલા લગ્ન કરતી, પછી માતાજીના કામે પીયર જાવ છું કહી લાખો રૂપિયા લઈ ભાગી જ...
લૂંટેરી દુલ્હન સોનિયા પટેલ પહેલા લગ્ન કરતી, પછી માતાજીના કામે પીયર જાવ છું કહી લાખો રૂપિયા લઈ ભાગી જતી, ગુજરાતમાં જ...
કચ્છના ભચાઉ તાલુકાના આમરડી ગામે રહેતા એક યુવાન સાથે લગ્ન કરી રોકડ રકમ અને દસ્તાવેજોમાં છેતરપિંડી કરનારી 'લૂંટારુ દુલ્હન' ફરાર થઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે લૂંટેરી દુલ્હન સહિત તેની સાગરીત મહિલા વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અગાઉ પણ અન્ય એક યુવાન સાથે ખોટા નામે લગ્ન કરી લાખો રૂપિયા પડાવનાર આ ટોળકીએ ફરી એકવાર લગ્નનો સ્વાંગ રચી ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે. જેથી આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આરોપીઓએ બે યુવકોને નિશાન બનાવી લગભગ 4 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. પોલીસ તપાસ મુજબ આરોપીઓ ખોટા નામ અને ઓળખનો સહારો લઈને યુવકોનો સંપર્ક કરતા અને લગ્ન માટે વિશ્વાસમાં લેતા હતા. લગ્ન થયા બાદ માત્ર થોડા જ દિવસોમાં યુવતી ઘરેથી પલાયન થઈ જતી હતી. આ રીતે તેઓ અલગ-અલગ જગ્યાએ જઈને છેતરપીંડી આચરતા હતા.
મુંબઈ સમાચારના અહેવાલ મુજબ, આમરડીમાં કરિયાણાની દુકાન ધરાવતા ભરતભાઈ પિંતાબરભાઈ લુહારે પોતાના પુત્ર મનીષ માટે કન્યાની શોધમાં હતા. આ દરમિયાન આરોપી સોનલ ઉર્ફે સોનિયા રમેશ પટેલ અને ગંગાબેન રમેશ પટેલ સાથે સંપર્ક થયો હતો. લગ્ન નક્કી કરવાના બદલામાં કન્યા પક્ષે રૂપિયા 2 લાખની માંગણી કરી હતી. સહમતી મુજબ, ફરિયાદીએ પ્રથમ કપડાં લેવા માટે રૂપિયા 15 હજાર અને ત્યારબાદ લગ્ન સંપન્ન થયા બાદ બાકીના રૂપિયા 1.85 લાખ રોકડા ચૂકવી આપ્યા હતા.
લગ્ન બાદ ફરિયાદીના ધ્યાને આવ્યું હતું કે, પુત્ર સાથે લગ્ન કરનારી સોનલ ઉર્ફે સોનિયાએ અગાઉ ચોપડવા ગામના મહેશ મોહન પરમાર સાથે પણ લગ્ન કર્યા હતા. તે સમયે તેણે પોતાનું નામ 'નિશાબેન કરન કાલિયા' જણાવતા ખોટા આધારકાર્ડ રજૂ કર્યા હતા અને તે યુવક પાસેથી પણ રૂપિયા 2.10 લાખ પડાવ્યા હતા. આ જ ટોળકીએ આવી રીતે ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરી, ગુનાહિત કાવતરું રચી ભરતભાઈના પુત્ર સાથે લગ્નનો ઢોંગ કરી નાણાકીય છેતરપિંડી આચરી હતી.
આ સમગ્ર મામલે ભચાઉ પોલીસે ભરતભાઈ લુહારની ફરિયાદના આધારે સોનલ ઉર્ફે સોનિયા પટેલ અને ગંગાબેન પટેલ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવ્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ અન્ય કેટલા યુવાનોને જાળમાં સપડાવ્યા છે તે જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આમરડી ગામના મનીષ લુહારે અમદાવાદની સોનલ ઉર્ફે સોનિયા સાથે 2 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના માત્ર 2 દિવસમાં જ મનીષને જાણ થઈ હતી કે તેની પત્ની છેતરપિંડી કરતી ટોળકીની સભ્ય છે. મનીષ સાથે લગ્ન કર્યા બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સોનિયા માતાજીનું કામ છે, પીયર જાવ છું કહીને ભાગી ગઈ હતી
Vtv digitalના અહેવાલ મુજબ, ભચાઉ ડિવિઝન DYSP સાગર સાંબડાએ જણાવ્યું હતું કે, ‘પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે આરોપીઓને ઝડપ્યા છે. બંને પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે અને વધુ લોકો સાથે છેતરપીંડી થઈ હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી છે કે લગ્ન જેવા નિર્ણયો લેતા પહેલા પૂરતી ચકાસણી કરવી જરૂરી છે.’

