- Gujarat
- નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના દીકરાની ધરપકડ
નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના દીકરાની ધરપકડ
બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આખરે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આજે લાંબી પૂછપરછ બાદ લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે.
બે કલાકની સઘન પૂછપરછ બાદ કાર્યવાહી
આજે બપોરે જયરાજ આહીરને ફરી એકવાર રેન્જ આઈજી કચેરી ખાતે નિવેદન નોંધાવવા તેડું મોકલવામાં આવ્યું હતું. SIT દ્વારા સતત બે કલાક સુધી કરવામાં આવેલી કડક પૂછપરછ અને ટેકનિકલ પુરાવાઓના આધારે તેની સંડોવણી સ્પષ્ટ જણાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડને પગલે આઈજી કચેરી ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવાયો હતો.

કયા પુરાવાઓએ વધારી મુશ્કેલી?
SITની તપાસમાં જયરાજ વિરુદ્ધ અનેક મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે:
- ડિજિટલ પુરાવા: આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો અને ઘટના સમયના લોકેશનની વિગતો.
- ભોગ બનનારનો દાવો: નવનીત બાલધિયાએ SITને 15 જેટલા પુરાવા સોંપ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો હુમલા સમયે કોની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા તેની તપાસ થવી જોઈએ.
- નિવેદનોમાં વિરોધાભાસ: અગાઉની સાડા ત્રણ કલાકની પૂછપરછ અને આજના નિવેદનોની કડીઓ જોડતા જયરાજ આહીર મુખ્ય સૂત્રધાર હોવાના પૂરતા પુરાવા મળ્યા છે.
શું છે મામલો?
આ વિવાદની શરૂઆત બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીના નામ અંગે થઈ હતી.
- વીડિયો વિવાદ: મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે ટ્રસ્ટી તરીકે એક નામનો ઉલ્લેખ કર્યો હતો, જે બાબતે નવનીતે સ્પષ્ટતા કરતા માયાભાઈએ માફી માંગતો વીડિયો મોકલ્યો હતો.
- ષડયંત્રનો આક્ષેપ: નવનીતનો દાવો છે કે પિતાએ માફી માંગવી પડી તે બાબત જયરાજને ગમી ન હતી, જેના કારણે બદલો લેવા માટે 29 ડિસેમ્બર, 2025ની રાત્રે 8 શખ્સો દ્વારા નવનીત પર હુમલો કરાવવામાં આવ્યો હતો.
નવનીત બાલધિયાએ કહ્યું હતું કેજો અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં સમાજનું સંમેલન બોલાવવામાં આવશે. આ મામલો એટલો ચગ્યો હતો કે કોળી સમાજના નેતાઓ CM સુધી પહોંચી ગયા હતા અને ત્યાર બાદ આ કેસની તપાસ SITને સોપવામાં આવી હતી.

આ કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર બાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. SIT ટીમની તપાસમાં પ્રથમ કાનભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ હાઈપ્રોફાઈલ કેસમાં જયરાજ આહીરની ધરપકડ બાદ હવે આ હુમલામાં અન્ય કયા મોટા માથાઓની સંડોવણી ખુલે છે તેના પર સૌની નજર ટકેલી છે.

