- Gujarat
- દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલને પણ આ મામલે ઝડપી લીધા છે, જ્યારે બચુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ ફરાર છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DGVS)ના નિયામકે થોડા સમય પહેલાં 35 એજન્સીઓ વિરુદ્ધ કુલ રૂ. 71 કરોડના ભ્રષ્ટાચારની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બળવંત અને કિરણ ખાબડ બંનેની સંડોવણી હોવાની વાત બહાર આવી હતી.
દાહોદ DySP જગદીશ ભંડારીએ જણાવ્યું કે પ્રાથમિક તબક્કામાં બે મહત્વપૂર્ણ ધરપકડ થઈ છે અને આખા કૌભાંડની વધુ વિગતો મેળવવા તપાસ શરૂ છે.

વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ આ મુદ્દે કટાક્ષ કરતા જણાવ્યું કે જો દાહોદ કૌભાંડની તટસ્થ તપાસ થાય તો માત્ર 100 નહીં, પણ 200 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે. તેમણે મુખ્યમંત્રીની "ઓપરેશન ગંગાજળ" અભિયાનની ઉલ્લેખ કરતાં જણાવ્યું કે શરૂઆત તેમના મંત્રીઓથી જ કરવી જોઈએ.
અમિત ચાવડાએ મધ્યપ્રદેશનો ઉલ્લેખ કરીને કહ્યું કે ત્યાંના મંત્રી વિજય શાહે વિવાદાસ્પદ નિવેદન કરેલ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે ગુજરાતમાં મંત્રીના પુત્રની ધરપકડ કરી સરકારે કાર્યવાહી કરી છે. આ કૌભાંડને લઇને રાજકીય તાપમાન વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
દાહોદ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત 2021થી 2025 વચ્ચે કરવામાં આવેલા વિકાસકાર્યોમાં મોટાપાયે ગેરરીતિ થયાની શંકા ઉઠી છે. આરોપ છે કે આ સમયગાળામાં રૂ. 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો છે. દાહોદ પોલીસે આ મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે અને ગુનો નોંધાયો છે.
આ કૌભાંડમાં દેવગઢ બારિયાની 28 તથા ધાનપુરની 7 એમ કુલ 35 એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું એ છે કે “રાજ કન્સ્ટ્રક્શન” નામની એજન્સી વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે, જે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ સંચાલિત કરે છે.

દિવ્ય ભાસ્કરે 15 મેના રોજ આ કૌભાંડ પર આધારિત ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટના માત્ર બે દિવસ બાદ, 17 મેના રોજ, બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી. આ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બળવંત ખાબડ “શ્રી રાજ કન્સ્ટ્રક્શન” એજન્સી સંચાલિત કરે છે, જે ધાનપુર તાલુકાના ગામડાંમાં ખાસ કરીને એક્ટિવ છે. જ્યારે કિરણ ખાબડ “શ્રી રાજ ટ્રેડર્સ” એજન્સી ચલાવે છે, જે દેવગઢ બારિયા વિસ્તારમાં એક્ટિવ રહી છે.
દાહોદ જિલ્લાના અનેક ગામોમાં કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રો દ્વારા સંચાલિત એજન્સીઓએ વિકાસના કામના કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. ચોંકાવનારું એ છે કે કેટલાય સ્થળોએ જમીન પર એકપણ કાંકરો નાંખ્યા વગર જ "રોડ બની ગયાં" દર્શાવી બિલો પાસ કરાવાયા હતા.
આ કૌભાંડમાં જણાયું છે કે કમ્પ્યુટરમાં ફક્ત કાગળ પર કામ બતાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ તો નકશા અને રિપોર્ટ્સમાં રોડ બતાવાયો છે, પરંતુ સ્થળ પર વિઝિટ કરતાં એવું કોઈ કામ કરવામાં ન આવ્યાનું સામે આવ્યું છે.

મનરેગા હેઠળ આવતા ફંડનો વિતરણ પણ આ કૌભાંડમાં સંદિગ્ધ બન્યો
મનરેગા હેઠળ આવતા ફંડનો વિતરણ પણ આ કૌભાંડમાં સંદિગ્ધ બન્યો છે. આ યોજનામાં સામાન્ય રીતે અંદાજે 60% રકમ મટીરિયલ (જેમ કે કાંકરો, સિમેન્ટ, પાઈપ વગેરે) માટે ફાળવવામાં આવે છે અને બાકીની 40% રકમ મજૂરોના મજૂરી કામ માટે ચૂકવવામાં આવે છે. પરંતુ અહીં પુરાવા વિના ફક્ત કાગળ પર કામ બતાવીને બિલ પાસ કરી લેવાયા છે.
મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ "શ્રી રાજ કન્સ્ટ્રક્શન" અને કિરણ ખાબડ "શ્રી રાજ ટ્રેડર્સ" નામની એજન્સી સંચાલિત કરે છે. આ એજન્સીઓએ ધાનપુર અને દેવગઢ બારિયા વિસ્તારમાં વિકાસકામના અનેક કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. મનરેગા યોજના હેઠળ મળતા નાણાંમાંથી અંદાજે 60% રકમ મટીરિયલ માટે ફાળવાય છે. પરંતુ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ખાબડના પુત્રોની એજન્સીઓ સહિત કુલ 35 એજન્સીઓએ માલ-સામાન પૂરું પાડ્યા વિના જ લાખો રૂપિયાના બિલો સરકાર સમક્ષ રજૂ કર્યા અને તે બિલો મંજૂર પણ થયા.