- Gujarat
- પાણીપુરી માટે સત્યાગ્રહ! 2 નંગ ઓછા મળતા રસ્તા પર જ બેસીને વિરોધ કરવા લાગી મહિલા
પાણીપુરી માટે સત્યાગ્રહ! 2 નંગ ઓછા મળતા રસ્તા પર જ બેસીને વિરોધ કરવા લાગી મહિલા
પાણીપુરીનું નામ આવે એટલે બધાના મોઢામાં પાણી આવી જ જાય. અને પછી ખાવાની તળાવેલી તો લાગે જ. તમે પાણીપુરીની હરીફાઈ કરતા તો ઘણાને જોયા હશે, પરંતુ આજે અમે એક એવી મહિલા બાબતે વાત કરવા જઇ રહ્યા છે, જેને 2 પાણીપુરૂ ઓછી મળી તો હોબાળો કરવા લાગી અને પછી રસ્તા પર જ વિરોધ કરવા બેસી ગઈ. પછી શું... પોલીસ પણ દોડી આવી ઘટનાસ્થળ પર. ચાલો આગળ જાણીએ શું છે આખો મામલો.
વડોદરામાં એક હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સુરસાગર વિસ્તારમાં એક મહિલા પાણીપુરી ખાવા લારી પર ગઈ હતી. લારીવાળાએ 20 રૂપિયામાં 6 પાણીપુરી આપવાની જગ્યાએ માત્ર 4 પાણીપુરી આપી હતી. મહિલાએ તરત જ વિરોધ નોંધાવ્યો કે 20 રૂપિયામાં 6 પાણીપુરી મળવી જોઈએ, જ્યારે માત્ર 4 આપવી અનુચિત છે. લારીવાળાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે સામાન મોંઘો પડે છે જેને કારણે આ ભાવ રાખ્યો છે, પરંતુ મહિલાએ તેની વાત સાંભળવા તૈયાર નહોતી. પછી શું હતું.. મહિલાને આવી ગયો ગુસ્સો. મહિલાને એટલો બધો ગુસ્સો આવી ગયો કે તેણે રસ્તા વચ્ચે વિરોધ કરવા બેસી ગઇ અને ખૂબ હોબાળો કર્યો અને લારી બંધ કરાવવાની જીદ કરવા લાગી હતી.
https://twitter.com/GujaratTak/status/1968981896584368533
આ ઘટના જોઈને આસપાસ ભીડ ભેગી એકત્ર થવા લાગી. મહિલાએ પોલીસને બોલાવવાની અને પાણીપુરીની લારી બંધ કરાવવાની માગ કરી. લારીવાળાએ પણ ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો કે સામાનની કિમતને કારણે ભાવમાં બદલાવ કર્યો છે, પરંતુ મહિલા પોતાની જીદ પર અડગ રહી. આ ઘટનાને કારણે આ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારબાદ લોકોએ પોલીસને બોલાવી.
પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે મહિલાએ પોતાની વાતનું પુનરાવર્તન કર્યું કે 20 રૂપિયામાં 6 પાણીપુરી મળવી જોઈએ, પરંતુ લારીવાળો માત્ર 4 જ આપે છે. પોલીસે મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આવા મુદ્દા માટે રસ્તા પર બેસીને હોબાળો કરવો યોગ્ય નથી. પોલીસે મહિલાને સમજાવી તો પણ તેણે પાણીપુરીની લારી ત્યાંથી હટાવી લેવાનું કહ્યું.
મહિલાએ પાણીપુરીવાળાને ધમકી આપતા એક દિવસ લારી ત્યાંથી હટાવી દીધી હતી. મહિલાએ કહ્યું કે, આ લારી તેની જગ્યા પરથી હટાવી લો નહીં તો મજા નહીં આવે. જેથી તેણે લારી પણ હટાવી લીધી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તમે અત્યારે તો લારી હટાવડાવી દીધી છે, પરંતુ જો બે કલાક બાદ લારી ફરી ત્યાં આવશે તો મજા નહીં આવે. જેથી પોલીસ સ્ટાફ ફરીવાર સ્થળ પર ગયો હતો. ત્યાં પાણીપૂરી વિતરકે ફરીવાર તેની લારી ત્યાં ઊભી રખાડી દીધી હતી, તેને પોલીસે સમજાવીને અન્ય સ્થળે લારી ખસેડી હતી. જોકે, પોલીસે મહિલા અને પાણીપુરીવાળા વચ્ચે સમાધાન કરાવી દીધું હતું. સાથે જ લારીવાળાને પણ સૂચના આપી કે ગ્રાહકો સાથે ભાવને લઈને પહેલેથી જ સ્પષ્ટતા કરવી જોઈએ જેથી વિવાદ ટાળી શકાય
પોલીસના હસ્તક્ષેપ બાદ પરિસ્થિતિ થાળે પડી. મહિલાને સમજાવ્યા બાદ તેણે રસ્તો ખાલી કર્યો. લારીવાળાએ પણ વચન આપ્યું કે ભાવને લઈને સ્પષ્ટ બોર્ડ મૂકવામાં આવશે જેથી ભવિષ્યમાં આવો વિવાદ ન સર્જાય. આ ઘટનાથી મોંઘવારીનો મુદ્દો પણ ચર્ચામાં આવી ગયો. લારીવાળાઓએ દાવો કર્યો કે કાચા માલના ભાવ વધી ગયા છે. ખાસ કરીને બટાકા, પુરી, મસાલા અને મસાલેદાર પાણી બનાવવા માટેના સામાન મોંઘા થતા નંગ ઘટાડવા પડ્યા છે, પરંતુ ગ્રાહકોનું માનવું છે કે ભાવ વધારવામાં આવે તો ચાલે, પરંતુ નંગ ઓછા ન કરવા જોઈએ.

