- National
- કાજલે પ્રેમી આકાશ સાથે મળીને પતિ અનિલનું કાસળ કાઢી નાખ્યું, પહેલા પકડાઈ ગઈ ત્યારે સાસરિયાઓએ જ...
કાજલે પ્રેમી આકાશ સાથે મળીને પતિ અનિલનું કાસળ કાઢી નાખ્યું, પહેલા પકડાઈ ગઈ ત્યારે સાસરિયાઓએ જ...
પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે પતિ પત્નીના ભરોસાના સંબંધો પરના વિશ્વાસને ડગમગાવી દીધો છે. અહીં, એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું, જે સાંભળીને દરેક સ્તબ્ધ થઇ ગયા. એક લગ્નેતર સંબંધમાં, પત્નીએ તેના પતિને નશાની ગોળીઓ આપીને બેભાન કરી દીધો, પછી તેનું ગળું દબાવીને તેને નહેરમાં ફેંકી દીધો. પોલીસે આ હત્યાનો પર્દાફાશ કર્યો છે અને આરોપી પત્ની, તેના પ્રેમી અને અન્ય એક માણસની ધરપકડ કરી છે.
આ સનસનાટીભર્યો કિસ્સો મેરઠના રોહતા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રસુલપુર ગામમાં બન્યો છે. આ ગામમાં રહેતા 32 વર્ષીય અનિલે 8 વર્ષ પહેલાં કાજલ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને ત્રણ નાના બાળકો પણ છે. કાજલનું તે જ ગામના એક યુવાન આકાશ સાથે અફેર ચાલુ હતું.
આ ઘટના 26 ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી, જ્યારે અનિલ અચાનક ગુમ થઈ ગયો હતો. તેના ભાઈએ રોહતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે પોલીસ શોધખોળ કરી રહી હતી. ઘણા દિવસો સુધી અનિલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પરિવાર પરેશાન હતો, પરંતુ કોઈને શંકા નહોતી કે તેમના જ પરિવારમાંથી જ કોઈએ કાવતરું રચ્યું છે.
5 નવેમ્બરના રોજ, અનિલના ભાઈએ ફરીથી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી, જેમાં સ્પષ્ટપણે આરોપ લગાવવામાં આવ્યો કે, અનિલની પત્ની કાજલ, તેના પ્રેમી આકાશ અને આકાશના મિત્ર બાદલે અનિલનું અપહરણ કર્યું છે અને તેની હત્યાનું કાવતરું ઘડ્યું છે. ત્યારપછી, પોલીસે કેસ નોંધીને તપાસમાં ઝડપ લાવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, કાજલ અને ગામના રહેવાસી આકાશ તેમના લગ્નના થોડા વર્ષો પછી વધુને વધુ નજીક આવી ગયા હતા. ગામલોકોને તેમના અફેરની જાણ થઈ. ગ્રામ પંચાયત પણ યોજાઈ હતી, પરંતુ કાજલના સાસરિયાઓએ સામાજિક કલંકના ડરથી મામલો દબાવી દીધો. પંચાયત પછી પણ, કાજલ અને આકાશ ચોરીછુપી રીતે મળતા રહ્યા.
પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેમની પૂછપરછ કરી. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, કાજલ જ સમગ્ર હત્યાની મુખ્ય સૂત્રધાર હતી. તેના પ્રેમી આકાશે તેને નશાની ગોળીઓ આપી હતી. ત્યારપછી કાજલે તેના પતિ અનિલને આ ગોળીઓ ખવડાવી હતી. જ્યારે અનિલ બેભાન થઈ ગયો, ત્યારે કાજલ અને આકાશ, તેમના ત્રીજા સાથી બાદલની મદદથી, તેને બાઇક પર બેસાડીને સિવાલ ખાસ ગંગ નહેરના પુલ પર લઈ ગયા.
નહેર પર પહોંચ્યા પછી, કાજલે તેના પતિનું દુપટ્ટા વડે ગળું દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનિલ તરત મૃત્યુ પામ્યો નહીં. ત્યારપછી ત્રણેયે બેભાન અનિલને પુલ પરથી નહેરમાં ફેંકી દીધો અને હત્યામાં વપરાયેલ દુપટ્ટો નજીકની ઝાડીઓમાં છુપાવી દીધો. ત્યારપછી તેઓ ત્રણેય ત્યાંથી ભાગી ગયા.
પોલીસે ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ કરી, ત્યારે તેઓએ ગુનો કબૂલ્યો. આરોપીના નિર્દેશ પર, હત્યામાં વપરાયેલ દુપટ્ટો ઝાડીઓમાંથી મળી આવ્યો. કાજલના ઘરેથી એ ગોળીઓની પત્તીઓ પણ મળી આવી.
તપાસમાં એ પણ બહાર આવ્યું કે, કાજલ અને આકાશે સાથે મળીને આ આખું કાવતરું ઘડ્યું હતું, અને આકાશે તેના મિત્ર બાદલને કાવતરામાં સામેલ કર્યો હતો. અનિલના પરિવારે શરૂઆતમાં તેના ગુમ થવાની જાણ કરી હતી, પરંતુ થોડા દિવસોમાં, તેમને ખ્યાલ આવ્યો કે તેની હત્યા કરવામાં આવી છે. ત્યારપછી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી અને કેસ દાખલ કર્યો. અનિલના મૃતદેહની શોધ હાલમાં ચાલી રહી છે. પોલીસ કહે છે કે મૃતદેહને ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે.

