- Gujarat
- ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ: 15 મનપા અને 260 તાલુકા પંચાયતો માટે 26 એપ્રિલે મતદાન
ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ: 15 મનપા અને 260 તાલુકા પંચાયતો માટે 26 એપ્રિલે મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ સત્તાવાર રીતે ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એક જ તબક્કામાં યોજવામાં આવશે. આ જાહેરાતની સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.
ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા
રાજ્યમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામીણ સ્તર સુધીની ચૂંટણીઓ નીચે મુજબના શેડ્યૂલ પ્રમાણે યોજાશે:
- કઈ સંસ્થાઓની ચૂંટણી: 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત.
- મતદાનની તારીખ: 26 એપ્રિલ (રવિવાર).
- મતદાનનો સમય: સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી.
- પુનઃ મતદાન: જો કોઈ કારણસર જરૂર જણાશે તો 27 એપ્રિલે ફેર મતદાન યોજાશે.
- મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલે તમામ બેઠકોનું પરિણામ જાહેર કરવામાં આવશે.
ઓળખ માટે કયા દસ્તાવેજો માન્ય રહેશે?
મતદાન કરવા માટે મતદારોએ પોતાની ઓળખ સાબિત કરવી પડશે. ચૂંટણી પંચે નીચે મુજબના પુરાવાઓને માન્યતા આપી છે:
- ફોટા સાથેનો પાસપોર્ટ.
- ડ્રાઈવિંગ લાયસન્સ (ચૂંટણીની તારીખના એક માસ પહેલા ઈસ્યુ થયેલું).
- ઈન્કમ ટેક્સ ઓળખકાર્ડ (PAN Card).
- સરકારી/જાહેર સાહસો દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલા ઓળખકાર્ડ.
- બેંક અથવા પોસ્ટ ઓફિસની ફોટા સાથેની પાસબુક (એક માસ જૂની).
- સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ SC/ST/OBC નું પ્રમાણપત્ર.
- પેન્શન પ્રમાણપત્રો (માજી સૈનિકો, વિધવા સહાય અથવા વૃદ્ધ પેન્શન ઓર્ડર).
- સ્વતંત્રતા સૈનિક ઓળખકાર્ડ.
- હથિયારનું લાયસન્સ.
- વિકલાંગતાનું પ્રમાણપત્ર.
- મનરેગા (MNREGS) હેઠળનું જોબ કાર્ડ.
રાજકીય પક્ષોમાં દોડધામ અને સેન્સ પ્રક્રિયા
ચૂંટણી પંચે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. બીજી તરફ, રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગી માટે સક્રિય થયા છે. ભારતીય જનતા પાર્ટીએ વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં નિરીક્ષકોની ટીમ મોકલીને 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી લાયક ઉમેદવારોના નામ નક્કી કરી શકાય.
રાજ્ય ચૂંટણી પંચ આજે સાંજે જ ફાઈનલ મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરશે, જેના આધારે આ લોકશાહીના પર્વમાં લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

