- Gujarat
- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે, ભયજનક મકાનો સામે એક્શન શરૂ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે, ભયજનક મકાનો સામે એક્શન શરૂ

આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર 20 જૂને અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ, મંદિરના મહેન્દ્ર ઝા અને મ્યુનિસિપલ અધિકારીઓએ રૂટ નિરીક્ષણ કર્યું હતું. જમાલપુર દરવાજા પાસે રોડની કામગીરી બે દિવસમાં પૂર્ણ થવાની છે, જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન પાસેના બેરિકેડ્સ હટાવવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર આવેલા ભયજનક મકાનોને તાત્કાલિક ધોરણે દૂર કરવાની કામગીરી પણ ચાલુ છે.

મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે રથયાત્રાના રૂટ પર રોડ રિસર્ફેસિંગ, ઝાડોની છટણી, લાઇટ લગાવવી, પાણીની પરબો અને મેડિકલ સુવિધાની વ્યવસ્થા સહિત વિવિધ તૈયારીઓનો સમીક્ષા કરાઈ છે. મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકી રહેલી નાની-મોટી કામગીરી આવતા થોડા દિવસોમાં પૂરી થશે. રથયાત્રાના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે અને જમાલપુર મંદિરથી ખમાસા કોર્પોરેશન ઓફિસ સુધીના એક કિલોમીટરના ભાગ પર હાલ કામગીરી ચાલી રહી છે.

રથયાત્રાના રૂટ પરના ભયજનક મકાનો હટાવવાની કાર્યવાહી તેજ
ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે રૂટ પર આવેલા જર્જરિત અને ભયજનક મકાનોને લઈ મનપાએ કડક વલણ અપનાવ્યું છે. મેયર પ્રતિભા જૈનના જણાવ્યા મુજબ આવા મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે અને જો તેઓએ નક્કી સમયમર્યાદામાં પાલન નહીં કર્યું હોય, તો તેમના લાઇટ, પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવશે. યાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય એ માટે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું.
કાલુપુર ખાતે બેરિકેડ્સ હટાવાયા, રોડ ખુલ્લો
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા, ખાડિયા, કાલુપુર થઈને સરસપુર મોસાળ જશે અને ત્યારબાદ રથયાત્રા પરત કાલુપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર, ઘીકાંટા, પાનકોરનાકા થઈને જમાલપુર મંદિરે આવશે.ભગવાન જગન્નાથની રથયાત્રા માટે કાલુપુર રેલવે સ્ટેશન પાસે રથયાત્રાના માર્ગ પર આવેલા બેરિકેડ્સ હટાવી દેવાયા છે અને રસ્તો ખુલ્લો કરાયો છે, જેથી યાત્રા પરંપરાગત રીતે અવરોધ વિના પસાર થઈ શકે. દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખીને માર્ગ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રથયાત્રા દરમિયાન કાલુપુર વિસ્તારમાં દર્શન માટે રિલીફ રોડ રહેશે ખુલ્લો
કાલુપુર રેલવે સ્ટેશનની રિડેવલપમેન્ટ કામગીરીને ધ્યાનમાં રાખતાં રથયાત્રા દરમિયાન દર્શન માટે માત્ર રિલીફ રોડ પર ઊભા રહી શકાય છે. બીજી તરફ બેરિકેડ્સ હોવાના કારણે ત્યાંથી દર્શન નહીં મળે. વધુ ભીડ ટાળવા માટે DCP ઓફિસથી મોતીમહેલ સુધી ખાસ ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરાયું છે, જેથી યાત્રા સરળતાથી આગળ વધે.

22 જૂને સરસપુર રણછોડરાય મંદિરમાં આખો દિવસ ચાલશે મામેરાનાં દર્શન
જગન્નાથ રથયાત્રાના પૂર્વ દિવસે, 22 જૂને સરસપુર રણછોડરાય મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને સરસપુર મોસાળ તરફથી કરવામાં આવનારા પરંપરાગત “મામેરાનાં દર્શન” યોજાશે. દર વર્ષે સાંજે થનારા દર્શન સવારે 11થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલું રહેશે, જેથી વધુમાં વધુ ભક્તો ઉપસ્થિત રહી શકે. મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યું કે ભીડના કારણે સમયવધારાનું આયોજન કરાયું છે અને મંદિરનો વિસ્તાર પણ વિસ્તૃત કરાયો છે.
Related Posts
Top News
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Opinion
