- Gujarat
- આ વિભાગના અધિકારીઓને સરકારનો આદેશ, નેતાઓ અને જનતાનો ફોન ફરજિયાત ઉપાડવા, નહિતર..
આ વિભાગના અધિકારીઓને સરકારનો આદેશ, નેતાઓ અને જનતાનો ફોન ફરજિયાત ઉપાડવા, નહિતર..
છેલ્લા કેટલાક સમયથી સરકારને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે મહેસૂલ વિભાગના અધિકારીઓ લોકો અને તેમના પ્રતિનિધિઓના ફોન કોલ ઉપાડતા નથી, નજરઅંદાજ કરી રહ્યા છે, જેના કારણે સરકારી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ ગંભીર બાબતની નોંધ લઈને સરકારે આ પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્ય સરકારે આ અંગે એક પરિપત્ર જાહેર પાડીને મહેસૂલ વિભાગના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ માટે કડક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, મહેસૂલ વિભાગ એ રાજ્ય સરકારના સ્તંભરૂપ તંત્રમાંનો એક મુખ્ય વિભાગ છે. મહેસૂલ વિભાગ હસ્તકના વર્ગ-1 અને 2 સંવર્ગ અધિકારીઓનું કાર્યક્ષેત્ર વ્યાપક રીતે રાજ્યના નાગરિકોના જીવનને સ્પર્શે છે. આથી મહેસૂલ વિભાગ હસ્તકના વર્ગ-1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય અધિકારીઓ તેમની સેવાઓ અસરકારક રીતે બજાવી શકે તે માટે આ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
મહેસૂલ વિભાગના હસ્તકના વર્ગ 1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલ સરકારો ફોન નંબર/ જો સરકારી ફોન નંબર મેળવેલ ન હોય તો સંજોગોમાં તેમના નંબર પર આવતા ફોન કોલનો જવાબ આપવાનો રહેશે.
મહેસૂલ વિભાગ હસ્તકના વર્ગ 1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલ સરકારી ફોન નંબર સંદર્ભે/ જો સરકારી ફોન નંબર મેળવેલ ન હોય તો તે મેળવવા પરત્વે ઉક્ત સંદર્ભ દર્શિત (3)માં નિર્દિષ્ટ પરિપત્રની જોગવાઈ ધ્યાનમાં લેવાની રહેશે.
મહેસૂલ વિભાગ હસ્તક વર્ગ 1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય અધિકારીઓએ તેમાંની ફરજો દરમિયાન અનુપસ્થિતિ કે અનુપલબ્ધતાને કારણે અથવા તો મીટિંગ કે અન્ય રીતે વ્યસ્ત હોવાને કારણે (મોબાઈલ/ કચેરી ફોન) ઉપાડી ન શકે તેવા સંજોગોમાં આવા અધિકારીઓએ બનતી ત્વરાએ સામેથી કોલ કરી પદાધિકારીએશ્રી/ઉચ્ચ અધિકારીશ્રી/ અન્ય અધિકારીશ્રીને યોગ્ય તે પ્રત્યુત્તર અચૂક આપવાનો રહેશે.
ફોનાના જવાબ આપવા સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે અને સુયોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ સૂચનાઓ તેમના તાબા હેઠળના તમામ કચેરીઓના વડાઓને જાણ કરવા તથા અમલવારી માટે જરૂરી સૂચનાઓ આપવા જણાવે છે.
રાજ્યમાં બેજવાબદાર સરકારી અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક વલણ અપનાવી રહી છે. ખાસ કરીને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયત પ્રમુખો અને સામાન્ય જનતાના ફોન ન ઉપાડવાની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે લાલ આંખ કરી છે. આ નિર્ણયથી સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી વધશે તેવી અપેક્ષા છે.

