- Gujarat
- ગુજરાતમાં 'વશ' ફિલ્મ જેવું થયું, સપનું આવ્યું અને માતાએ પોતાના જ બે દીકરાઓનો જીવ લઈ લીધો
ગુજરાતમાં 'વશ' ફિલ્મ જેવું થયું, સપનું આવ્યું અને માતાએ પોતાના જ બે દીકરાઓનો જીવ લઈ લીધો
ગુજરાતમાં ફરી એક વખત અંધશ્રદ્ધા અને સંબંધોને શરમાવતો મામલો સામે આવ્યો છે. બિલિમોરાના દેવસરમાં માતા જ કમાવતર બની ગઇ અને પોતાના 2 માસૂમ બાળકોનો જીવ લઇ લીધો છે. આ મહિલાને સપનું આવ્યું અને તેને બે બાળકોનું ગળું દબાવી દીધું હતું. બિલિમોરા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, એક મહિલાને સપનામાં આદેશ થતા તેણે મધરાતે ગળું દબાવી પોતાના 2 બાળકનો જીવ લઇ લીધો છે. ત્યારબાદ તેણે પોતાના સસરાનો પણ જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સસરા ઘરમાંથી ભાગી જતા તેનો જીવ બચી ગયો છે.
ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, બીલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી રાત્રે એક મહિલાને સપનું આવ્યું કે 'તારાં બાળકોને મારી નાખ' જેથી તેણે જાગીને બાજુમાં સૂતા તેના બે બાળકનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે તેઓ ભાગી છૂટ્યા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.
ઘરની આગળ ટોળું ભાગું થતા મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પોલીસે મહિલાને ગળાફાંસો ખાતી અટકાવીને ધરપકડ કરી હતી અને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મહિલાના પતિને ટાઈફોઈડ હોવાથી તે બિલિમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, પતિએ આ અંગે સાથે વાત કરતા જણાવ્યું કે, મને ટાઈફોઇડ થઈ ગયો હતો એટલે હું હોસ્પિટલમાં દાખલ હતો. મારી પત્ની બપોર સુધી મારી સાથે હતી. ત્યારબાદ તે ઘરે ગઈ અને ટિફિન લઈને મારા મમ્મી-પપ્પા આવ્યા. મારા પપ્પા, મમ્મીને હોસ્પિટલ મૂકીને ઘરે ગયા હતા. ત્યાં પછી શું થયું, શું ના થયું એ મને ખબર નથી. બાજુવાળાનો મને ફોન આવ્યો એટલે હું ઘરે ગયો. ત્યારે ઘરનો દરવાજો બંધ હતો તે તોડ્યો. મેં પોલીસને પણ ફોન કર્યો. રૂમનો દરવાજો ખોલીને જોયું તો પપ્પાને બહું મારેલા અને પત્ની અમારા બે બાળકો પર બેઠી હતી. તેના વાળ ખુલ્લા હતા અને માથા પર મોટો ચાંદલો કર્યો હતો. 8 વર્ષ સુધી અમારે કોઈ પણ પ્રકારનો ઝઘડો થયો નહોતો, પરંતુ તેના મનમાં વિવિધ પ્રકારના વિચારો આવ્યા કરતા હતા તેની માનસિકતા આવી થઈ ગઈ હતી.
તો રાજકોટમાં પણ માતાએ 2 બાળકોના જીવ લઇનેને પોતે પણ જીવન ટૂંકાવી લીધું છે. નવાગામ (આણંદપર)ની શક્તિ સોસાયટી શેરી નં-6માં રહેતી 28 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ તેની 2 પુત્રી 8 વર્ષીય પ્રિયાંશી અને 5 વર્ષીય હર્ષિતાને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં અસ્મિતાબેને આ પગલું ભરી લીધું હતું. રાતે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે તેને સૌથી પહેલાં આ ઘટનાની જાણ થઈ હતી. તેણે દરવાજો તોડીને અંદર જઈ ત્રણેયના મૃતદેહો નીચે ઉતાર્યા બાદ પોલીસને જાણ કરી હતી. તે સાથે જ B-ડિવિઝન પોલીસ ઉપરાંત ઝોન-1ના DCP અને ACP સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

