- Gujarat
- આ તે કેવી જનેતા? મહેસાણામાં માતાએ પોતાના જ પુત્રને પતાવી દીધો અને બોલી હા, મેં જ પ્રિન્સનો જીવ લીધો
આ તે કેવી જનેતા? મહેસાણામાં માતાએ પોતાના જ પુત્રને પતાવી દીધો અને બોલી હા, મેં જ પ્રિન્સનો જીવ લીધો
દામોદર ખુશાલદાસ બોટાદકરની એક સુંદર મજાની કવિતા છે:
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
માતા પર આવી તો અનેક કવિતાઓ અને કહેવતો તમે બધાએ સાંભળી જ હશે. ખરેખર દુનિયામાં માતાનો પ્રેમ અજોડ અને નિ:સ્વાર્થ છે. પરંતુ ક્યારેક-ક્યારેક માતાના વખાણ કરતી કહેવતો અને કવિતાઓથી એકદમ વિપરીત બનતું હોય છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં કઈક આવી જ ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ પોતાના જ પુત્રનો જીવ લઈ લીધો છે.
VTV ગુજરાતીના અહેવાલ મુજબ, મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલી 'મા રેસીડેન્સી'માં 14 જૂને ઘરના બેડરૂમમાંથી 25 વર્ષના પ્રિન્સ હર્ષદકુમાર પટેલનો મૃ*તદેહ મળી આવ્યા બાદ પરિવાર અને પંથકમાં શોકનો માહોલ હતો. આ તરફ ઘટનાસ્થળની પરિસ્થિતિને આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પરિવારજનો અને આસપાસના લોકો પણ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરમાં યુવાન દીકરાના નિધનથી શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ તરફ તપાસ આગળ વધતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા સમગ્ર કેસે અચાનક જ નવો વળાંક લીધો. તબીબી તપાસમાં ખુલાસો થયો કે, મૃત્યુનું કારણ ફાંસો નહીં, પરંતુ ગળું દબાવવાથી થયેલી ગૂંગળામણ હતી. આ મહત્ત્વપૂર્ણ માહિતી મળતા પોલીસે ઘટનાને હત્યાના દૃષ્ટિકોણથી તપાસવાનું શરૂ કર્યું.
આ તરફ તપાસ દરમિયાન પરિવારના સભ્યોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં કોઈને પણ શંકા ન જાય તેવી સ્થિતિ હતી, પરંતુ પોલીસની સતત તપાસ અને વૈજ્ઞાનિક પુરાવાઓ સામે આવતા આખરે એક ચોંકાવનારી હકીકત સામે આવી. પૂછપરછ દરમિયાન મૃતકની માતા પ્રવિણાબેન પટેલ ભાંગી પડી હતી અને પોતાના જ પુત્રનો જીવ લઇ લેવાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રિન્સ અમદાવાદ અને વિસનગરમાં શરૂ કરેલા ધંધામાં નુકસાન થવાને કારણે માનસિક તણાવમાં હતો અને કોઈ કામકાજ કરતો ન હતો. માતા દ્વારા આપવામાં આવેલી 'દીકરાએ મારવા કહ્યું હતું' તેવી દલીલ ગળે ઉતરતી નથી, તેથી પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પ્રિન્સના માતા-પિતા આર્થિક રીતે સુખી છે. તેમનો મોટો દીકરો જૈમિત છેલ્લા 10 વર્ષથી કેનેડા રહે છે. પ્રિન્સના લગ્ન થયા ન હતા અને તે માતા-પિતા સાથે રહેતો હતો. હાલમાં પોલીસે માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલે હેડક્વાર્ટર DySP જે.જી. શેખે જણાવ્યું કે, તપાસ દરમિયાન મૃતકની માતા પ્રવિણાની પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને પોતાના જ પુત્ર પ્રિન્સ પટેલને સાડીના દુપટ્ટા વડે ગળે ટૂંપો આપીને જીવ લેવાની કબૂલાત પોલીસ સામે કરી હતી ગુનાની કબૂલાત બાદ પોલીસે તરત જ પ્રવિણાની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલી આરોપી મહિલા પ્રવિણાને રવિવારના રોજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ કાર્યવાહી દરમિયાન પોલીસ પક્ષ તરફથી આરોપીના કોઈ રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી આથી કોર્ટ આરોપી મહિલાને સબ જેલમાં મોકલી આપવાનો ન્યાયિક હુકમ કર્યો હતો જેના પગલે વિસનગર પોલીસે મહિલાને સબ જેલ હવાલે મોકલી દીધી.

