- Gujarat
- ભાવનગરમાં લગ્નના દિવસે જ વરરાજાએ દુલ્હનનું કાસળ કાઢી નાખ્યું
ભાવનગરમાં લગ્નના દિવસે જ વરરાજાએ દુલ્હનનું કાસળ કાઢી નાખ્યું
ભાવનગરથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. લગ્નના દિવસે ભાવિ પતિએ જ સોનલ રાઠોડ નામની યુવતીનો જીવ લઈ લેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી મળતી માહિતી અનુસાર, સોનલના લગ્ન સાજન બારૈયા સાથે થવાના હતા. અને તે જ સાજને સોનલનો જીવ લઈ લીધો.
આ ઘટના નાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારની છે. આજે સવારે લોખંડના પાઇપ મારી એક યુવતીનીનો જીવ લઈ લેવાતા પોલીસ ટીમ દોડી આવી હતી. મૃતક યુવતીના આજે લગ્ન થવાના હતા. તેણે પોતાના શરૂ થનારા નવા જીવનને લઈને કેટલાય સપનાઓ સજાવી રાખ્યા હશે, પરંતુ તેણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેનો ભાવિ પતિ જ યમરાજ બની જશે.
સોનીનો જીવ લઈ લીધા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી દીધી છે. યુવતી તેના ભાવિ પતિ સાથે લિવ-ઇનમાં રહેતી હતી અને આજે તેના લગ્ન થવાના હતા. લગ્ન થાય તે અગાઉ જ સોનીના રામ રમાડી દેવાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને સિટી DySP આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુદાસ તળાવ શેરી નંબર-10 પાસે આજે સવારે એક હ*ત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતક સોનીબેનની હ*ત્યા કરનાર આરોપી સાજન સાથે આજે લગ્ન થવાના હતા. વહેલી સવારે આરોપી સાજન દુલ્હનના ઘરે ગયો હતો જ્યાં તેના સાથે બોલાચાલી થઈ હતી. જેમાં સાજન ઉશ્કેરાઇ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો.
આ ઝઘડામાં આરોપીએ લોખંડના પાઇપથી સોનીને માથાના ભાગે અને શરીરે ઇજા કરી હતી, સાથે જ દીવાલ સાથે માથું ભટકાતા સોનીનું મોત થઈ ગયું હતું. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સાજન અને મૃતક સોનીબેન છેલ્લા ઘણા સમયથી સાથે રહેતા હતા. આજે 15 તારીખે તેમના લગ્ન થવાના હતા અને ગઈકાલે મૃતકની પીઠીની વિધિ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે કોઈપણ કારણોસર પાનેતર બાબતે તથા પૈસાની મામલે બોલાચાલી થઈ હતી અને હત્યાની ઘટના બની. પોલીસે હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ કરી છે. આરોપી સાજન બારૈયાએ ઉશ્કેરાઈને ઘરની પાસે પણ ઝઘડો કર્યો હતો. હાલ આરોપી સાજનને પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ રાજકોટ-જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં આજે સવારે અનૈતિક સંબંધોને કારણે એક ખૂની ખેલ ખેલાયો હતો. પતિએ પોતાની પત્નીને ગોળી મારી દીધી અને પછી બાદ પોતે ગોળી મારીને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના આજે સવારે ત્યારે બની જ્યારે પત્ની તેની બહેનપણી સાથે જીમ કરીને પરત ફરી રહી હતી. તે સમયે પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ તરત જ પતિએે પોતાની જાતને ગોળી મારીને જીવન ટૂંકાવી લીધું હતું. ઇજાગ્રસ્ત પત્નીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી 5 જેટલા ફૂટેલી કારતૂસ કબજે કરી છે.

