- Gujarat
- ઈન્સ્ટા પર રીલ જોઈને ટેલિગ્રામ પર નકલી નોટો છાપતા શીખ્યો, મેળામાં પૈસા ઉડાવ્યા, એક ભૂલથી ઝડપાયો
ઈન્સ્ટા પર રીલ જોઈને ટેલિગ્રામ પર નકલી નોટો છાપતા શીખ્યો, મેળામાં પૈસા ઉડાવ્યા, એક ભૂલથી ઝડપાયો
રાજકોટ જિલ્લામાં એક શાકભાજી વિક્રેતાએ નકલી નોટ છાપવાની 'નિન્જા ટેકનિક' શીખી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેણે આ ટેકનિક ઓનલાઇન શીખી હતી અને ત્યારબાદ રૂ.100 અને રૂ.500ની નોટો છાપવાનું શરૂ કરી દીધું હતું. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે તેને ઝડપથી અમીર બનવાનો આઇડિયા એક ઈન્સ્ટાગ્રામ રીલ પરથી આવ્યો હતો, ત્યારબાદ તેણે ટેલિગ્રામ પરથી નકલી નોટો છાપવાની તાલીમ લીધી હતી. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેના ઘરેથી કુલ રૂ.65,000ની કિંમતની નકલી નોટો અને સાધનો જપ્ત કર્યા છે.
'ઈન્ડિયા ટૂડે'ના અહેવાલ મુજબ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ આરોપીના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. આરોપીનું નામ કિશન સોલંકી છે અને તે માંડા ડુંગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસ પૂછપરછ દરમિયાન કિશને જણાવ્યું હતું કે તે શાકભાજી વેચવાનું કામ કરે છે. તેની આવક મર્યાદિત હતી અને તેના પર મોટું દેવું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, એક દિવસ કિશન આમ જ ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ રહ્યો હતો, જેમ આપણે બધા કરીએ છીએ. ત્યારે તેના ફીડ પર એક રીલ આવી. રીલમાં એક વ્યક્તિ રૂ.100 અને રૂ.500ની નકલી નોટો કેવી રીતે બનાવવી તે શીખવી રહ્યો હતો. ત્યાંથી જ તેને અમીર બનવાનો આઇડિયા આવ્યો. તેણે તરત જ તે વ્યક્તિને મેસેજ કર્યો અને આખો ખેલ શરૂ કર્યો.
આરોપ છે કે તે વ્યક્તિએ કિશનને ઈન્સ્ટાગ્રામથી ટેલિગ્રામ પર લઇ ગયો. અહીં બંને વચ્ચે વાતચીત થઇ. આ વાતચીત દ્વારા તે પ્રિન્ટરથી નકલી નોટો છાપતા શીખ્યો. ત્યારબાદ, આરોપીએ તેના ઘરે સંપૂર્ણ પ્રિન્ટિંગ સેટઅપ તૈયાર કર્યું. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેણે પોતાના ટ્રેનરને રૂ.10,000ની કિંમતની નકલી નોટો આપી અને બદલામાં ટ્રેનરે તેને રૂ.3,000 આપ્યા હતા. હાલમાં તે ટ્રેનરની શોધખોળ ચાલુ છે.
તપાસ દરમિયાન વધુ એક રસપ્રદ વાત પણ સામે આવી. શાકભાજી વિક્રેતાએ માત્ર નકલી નોટો વેચવાની ડીલ નહોતી કરી; તેણે પોતાનું મગજ વાપર્યું અને નકલી પૈસા માર્કેટમાં ફેરવ્યા. કેટલોક સામાન ખરીદીને અને તેના બદલામાં રૂ.100ની નકલી નોટો આપી. નોટનું મૂલ્ય ઓછું હોવાને કારણે કોઈનું ધ્યાન તેના પર ગયું નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે જન્માષ્ટમીના મેળામાં આ ટેકનિકનો ખૂબ ઉપયોગ કર્યો.
અહેવાલો મુજબ, પોલીસે તે વિક્રેતાના ઘરેથી રૂ.100ની 216 અને રૂ.500ની 3 નકલી નોટો જપ્ત કરી હતી. આ ઉપરાંત તેમણે CPU, મોનિટર, બે પ્રિન્ટર, એક લેમિનેટિંગ મશીન, બટર પેપર અને રૂ.100ની નોટો છાપવા માટેનો કાગળનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.
કોર્ટે આરોપીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. રિમાન્ડ દરમિયાન, તપાસ અધિકારી સોલંકીને પૂછપરછ કરશે કે તેણે કેટલી નકલી છાપી અને ચલાવી. તેના કથિત ટ્રેનરની પણ શોધખોળ ચાલી રહી છે. પોલીસ એ વાતની પણ તપાસ કરશે કે આ રેકેટ રાજકોટની બહાર પણ ચલાવવામાં આવી રહ્યું હતું કે નહીં?

