- Gujarat
- કેમ નલિયામાં જ પડે છે રેકોર્ડબ્રેક ઠંડી? જાણો કચ્છના આ શહેરની ભૌગોલિક સ્થિતિ પાછળનું વિજ્ઞાન
કેમ નલિયામાં જ પડે છે રેકોર્ડબ્રેક ઠંડી? જાણો કચ્છના આ શહેરની ભૌગોલિક સ્થિતિ પાછળનું વિજ્ઞાન
ગુજરાત રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. પરિણામે રાજ્યભરમાં લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. આ શિયાળાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા શહેરમાં નોંધાયું છે. આજે વહેલી સવારે નલિયાનું લઘુતમ તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા શહેરના કેટલાક વિસ્તારોમાં બરફની પાતળી પરત જામી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
હાલ શિયાળો મધ્ય ચરણમાં પ્રવેશી ગયો છે અને જાન્યુઆરી મહિનામાં ઉત્તર તરફથી આવતા બરફીલા પવનો સમગ્ર ગુજરાતને ઝપટે લઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે આજે 11 જાન્યુઆરી 2026ના રોજ નલિયામાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 6.1 ડિગ્રી ઓછું નોંધાયું છે. આ આંકડો આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી નીચો તાપમાન છે, જેના કારણે નલિયા ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે.
શિયાળાની હાડ થીજવતી ઠંડી હોય કે ઉનાળાની દઝાડતી ગરમી—નલિયા હંમેશા રેકોર્ડબ્રેક તાપમાન માટે ચર્ચામાં રહે છે. હવામાન વિભાગના નિષ્ણાતો જણાવે છે કે તેના પાછળ અનેક કુદરતી અને ભૌગોલિક કારણો જવાબદાર છે.
પ્રથમ, નલિયાની ભૌગોલિક સ્થિતિ. ઉત્તર દિશામાંથી આવતા ઠંડા પવનોને ગુજરાતમાં સૌથી પહેલા કચ્છ વિસ્તાર જ ભેગો થાય છે. નલિયા અને હિમાલય વચ્ચે કોઈ મોટી પર્વતમાળા ન હોવાને કારણે આ બરફીલા પવનો સીધા નલિયા સુધી પહોંચી જાય છે અને તાપમાનમાં તીવ્ર ઘટાડો કરે છે.
બીજું મહત્વપૂર્ણ કારણ કચ્છમાં આવેલું નાનું અને મોટું રણ છે. રેતીનો સ્વભાવ એવો છે કે તે જેટલી ઝડપથી ગરમ થાય છે, એટલી જ ઝડપથી ઠંડી પણ થાય છે. શિયાળાની રાત્રે રેતી ઝડપથી પોતાની ગરમી ગુમાવે છે, જેના કારણે નલિયાનું તાપમાન અન્ય શહેરોની તુલનામાં વધુ ઝડપથી નીચે જાય છે.
ત્રીજું કારણ કચ્છનો વિશાળ ખુલ્લો વિસ્તાર અને બન્નીના ઘાસના મેદાનો છે. લગભગ 45,652 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતો આ પ્રદેશ ખુલ્લો હોવાના કારણે અહીં પવનોની ગતિ અટકતી નથી. ગીચ વનસ્પતિ કે પહાડોના અભાવે ઠંડા પવનો સરળતાથી ફેલાય છે અને નલિયામાં તીવ્ર ઠંડી સર્જાય છે.
આ જ રેતી અને ખુલ્લી ભૂગોળ ઉનાળામાં નલિયા માટે અભિશાપ બની જાય છે. સૂર્યના કિરણો પડતાં જ રેતી ભઠ્ઠીની જેમ તપવા લાગે છે, જેના કારણે ઉનાળામાં નલિયાનું મહત્તમ તાપમાન ઘણીવાર 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે.
આમ, વિવિધ કુદરતી કારણોસર નલિયા શિયાળામાં રાજ્યનું સૌથી ઠંડું શહેર બનતું હોય છે, તો ઉનાળામાં દઝાડતી ગરમીનો સામનો પણ કરે છે. નોંધનીય છે કે આજે માત્ર નલિયામાં જ નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમરેલીમાં લઘુતમ તાપમાન 7.6 ડિગ્રી, રાજકોટમાં 8.9 ડિગ્રી અને ભુજમાં 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકોએ ઠંડીનો ભારે સામનો કરવો પડ્યો છે.

