- Tech and Auto
- નવી ટાટા પંચ થઇ લોન્ચ; બોલ્ડ લુક, સ્માર્ટ ફીચર્સ... CNG અને ઓટોમેટિક પણ! કિંમત છે આટલી
નવી ટાટા પંચ થઇ લોન્ચ; બોલ્ડ લુક, સ્માર્ટ ફીચર્સ... CNG અને ઓટોમેટિક પણ! કિંમત છે આટલી
લાંબી રાહ જોયા પછી, દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક, ટાટા મોટર્સે આખરે તેની માઇક્રો SUV, ટાટા પંચનું ફેસલિફ્ટેડ મોડેલ લોન્ચ કર્યું છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ, આ SUVની શરૂઆતની કિંમત રૂ. 5.59 લાખ (એક્સ-શોરૂમ) છે. કંપનીએ આ SUVમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે, જે તેને પાછલા મોડેલની સરખામણીમાં વધુ સારી બનાવે છે.
નવી ટાટા પંચ દેશની પ્રથમ સબ-કોમ્પેક્ટ SUV છે, જે CNG અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવી છે. આ ઉપરાંત, કંપનીએ SUVની સલામતી પર પણ ખુબ સારું એવું કામ કર્યું છે. આ SUVને ટાટા ટ્રક સાથે વાસ્તવિક દુનિયાના ક્રેશ ટેસ્ટમાંથી પસાર કરવામાં આવી હતી. કંપની જણાવે છે કે, આ ક્રેશ ટેસ્ટ દરમિયાન, કારને 50 Km/hની ઝડપે ચલાવવામાં આવી હતી, જ્યારે ટ્રક તેની જગ્યાએ સ્થિર હતી. ક્રેશ પછી કારમાં બેઠેલા ચારેય ડમી સુરક્ષિત હતા. લોન્ચ થયા પછી, આ સબ-કોમ્પેક્ટ SUVના લગભગ 700,000 યુનિટ વેચાઈ ચુક્યા છે.
ટાટાએ પંચ ફેસલિફ્ટને નવા લાઇટિંગ એલિમેન્ટ્સ, પિયાનો બ્લેક ફિનિશ, સુધારેલી લોઅર ગ્રિલ અને આગળના ભાગમાં નવી સ્કિડ પ્લેટ્સ સાથે અપડેટ કર્યું છે. તેની ડિઝાઇન હવે નેક્સન, હેરિયર અને સફારી જેવા મોટા ટાટા મોડેલ્સ સાથે મેળ ખાય છે. પાછળના ભાગમાં, નવા ટેલલેમ્પ્સ અને ફરીથી ડિઝાઇન કરાયેલ બમ્પર તેને વધુ બોલ્ડ લુક આપે છે. એકંદરે, SUVની આ નવી ડિઝાઇન વધુ આકર્ષક બની છે. પંચ ફેસલિફ્ટ હવે સાયન્ટેફિક બ્લુ, કેરેમલ યલો, બંગાળ રૂજ રેડ, ડેટોના ગ્રે, કૂર્ગ ક્લાઉડ્સ સિલ્વર અને પ્રિસ્ટાઇન વ્હાઇટ જેવા રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ થશે.
ટાટા પંચ ફેસલિફ્ટનું કેબિન વધુ પ્રીમિયમ અને આધુનિક થઇ ગયું છે. તેમાં પ્રકાશિત ટાટા લોગો સાથે નવું ટ્વીન-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ છે. જૂના બટનોની જગ્યાએ હવે ટોગલ-સ્ટાઇલ સ્વિચ આપવામાં આવ્યા છે. AC વેન્ટ્સને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે, અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં 26.03 Cm ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7-ઇંચની TFT સ્ક્રીનનો સમાવેશ થાય છે.
ટાટા મોટર્સે પંચ ફેસલિફ્ટને છ વેરિઅન્ટ્સમાં રજૂ કરી છે- સ્માર્ટ, પ્યોર, પ્યોર પ્લસ, એડવેન્ચર, એક્મ્પ્લિશ્ડ અને એક્મ્પ્લિશ્ડ પ્લસ સામેલ છે. વિવિધ બજેટ અને જરૂરિયાતોને અનુરૂપ ડિઝાઇન કરાયેલ આ શ્રેણી પંચ ફેસલિફ્ટને સેગમેન્ટમાં એક મજબૂત દાવેદાર બનાવે છે.
ટાટા પંચ ફેસલિફ્ટમાં સૌથી મોટો ફેરફાર તેનું એન્જિન છે. આ SUV ત્રણ એન્જિન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે. તે 1.2-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે, જે એન્જિન પહેલાથી જ અન્ય ટાટા મોડેલોમાં જોવા મળે છે. 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અગાઉના મોડેલમાં પણ ઉપલબ્ધ છે. ગ્રાહકો 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન માટે CNG વિકલ્પમાંથી પણ પસંદ કરી શકે છે.
કંપનીનો દાવો છે કે, નવી ટાટા પંચ તેના સેગમેન્ટમાં સૌથી ઝડપી સબ-કોમ્પેક્ટ SUV છે. તે માત્ર 11.1 સેકન્ડમાં 0થી 100 Km/hની ઝડપ પકડી શકે છે.
નવી ટાટા પંચને ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (ભારત NCAP) દ્વારા 5-સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું છે. તે છ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ હોલ્ડ આસિસ્ટ, iTire પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (iTPMS), 360-ડિગ્રી સરાઉન્ડ-વ્યૂ કેમેરા, ઓટો-ફોલ્ડિંગ રીઅરવ્યૂ મિરર્સ (ORVM), રીઅર વાઇપર અને વોશર, રેઇન-સેન્સિંગ વાઇપર્સ અને ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) સાથે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

