- Opinion
- ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
ગુજરાતની રાજનીતિમાં હાલમાં એક નવું પરિવર્તન જોવા મળી રહ્યું છે જ્યાં યુવા નેતાઓની તીકડી વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા કેન્દ્રસ્થાને આવી રહી છે. આ ત્રણેય નેતાઓ વિવિધ સમુદાયો અને વિસ્તારોમાં મજબૂત પકડ ધરાવે છે અને તેમની અસર આગામી મહિનાઓમાં વધુ પ્રભાવી બની શકે છે. 2027ની વિધાનસભા ચૂંટણીઓમાં આ તીકડી રાજકીય પરિણામોને પ્રભાવિત કરી શકે તેવી સંભાવના જણાઈ રહી છે કારણ કે તેઓ જાતિ આધારિત રાજનીતિ, આદિવાસી અધિકારો અને યુવા મતદારોના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપનું સ્પષ્ટ વર્ચસ્વ છે પરંતુ આ યુવા નેતાઓ વિપરીત સમીકરણો ઊભા કરી રહ્યા છે જે ચૂંટણીઓમાં વોટનું ધ્રુવીકરણ કરી શકે છે.
વરુણ પટેલ પટીદાર સમુદાયના પ્રમુખ યુવા નેતા પૈકી એક તરીકે ઓળખાય છે. તેઓ 2015ના પટીદાર આંદોલનમાં હાર્દિક પટેલના મજબુત સાથી રહ્યા હતા અને 2017માં ભાજપમાં જોડાયા હતા. જોકે તાજેતરમાં તેઓના સરકારને અપ્રિય થાય તેવા નિવેદન આપતા જણાઈ રહ્યા છે ખાસ કરીને સસ્પેન્ડેડ IAS અધિકારી રાજેન્દ્ર પટેલના સમર્થનમાં. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જ્યાં પટીદારોનું વર્ચસ્વ છે વરુણ પટેલ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. તેઓ EWS આરક્ષણ અને સ્થાનિક ચૂંટણીઓમાં પટીદાર હિતો પર ભાર મૂકે છે. 2027માં જો તેઓ ભાજપથી ધરીથી વિચલિત થાય તો પટીદાર વોટોમાં વિભાજન થઈ શકે જે વિરોધી પાર્ટીઓને ફાયદો આપી શકે.
ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ નેતા અને વિસાવદરના MLA સૌરાષ્ટ્રમાં મજબૂત પ્રભાવ ધરાવે છે. તેઓ 2025ની બાયઇલેક્શનમાં ભાજપને હરાવીને જીત્યા હતા જે AAPની વધતી તાકાતનું સમીકરણ દર્શાવે છે. ગોપાલ યુવા બેરોજગારી, ખેડૂતો અને મજૂરોના મુદ્દાઓ પર ધ્યાન આપે છે. તેઓએ સરકારી કચેરીઓમાં નાઇટ શિફ્ટનો પ્રસ્તાવ મૂક્યો છે જે સામાન્ય જનતાની સુવિધા માટે છે. સૌરાષ્ટ્રમાં જ્યાં આપનો પ્રભાવ વધી રહ્યો છે ત્યાં ગોપાલની અસર અન્ય નેતાઓ કરતાં વધુ થઈ શકે. 2027માં AAPના વિસ્તાર માટે તેઓ ચાવીરૂપ નેતા છે અને તેમની સ્વીકૃતિ ભાજપના વર્ચસ્વને પડકારી શકે છે.
ચૈતર વસાવા AAPના MLA અને આદિવાસી નેતા જે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ છે. તેઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી AAPમાં આવ્યા અને ડેડિયાપડા વિધાનસભામાં જીત્યા. તાજેતરમાં જેલમાંથી બહાર આવ્યા પછી તેઓ આદિવાસી અધિકારો, ભ્રષ્ટાચાર અને સરકારી ફંડના દુરુપયોગ વિરુદ્ધ બોલી રહ્યા છે. સુરત સિવાયના દક્ષિણ ગુજરાતમાં તેઓ આદિવાસી વોટોને સારા પ્રમાણમાં એકત્રિત કરી શકે છે.
આ તીકડીની અસર ગુજરાતની રાજનીતિને પુનઃ નવા સમીકરણ આપી શકે છે. વરુણ પટીદાર વિસ્તારોમાં ભાજપને આંતરિક પડકાર આપી શકે છે જ્યારે ગોપાલ અને ચૈતર AAPને મજબૂત કરી રહ્યા છે જે 2027માં ભાજપના વોટોનું ધ્રુવીકરણ કરી શકે. જો AAP અને અન્ય વિરોધીઓ સાથે ગઠબંધન ન કરે તો પણ આ નેતાઓ યુવા અને જાતિ-આધારિત મતદારોને આકર્ષિ શકે છે. સમય જ કહેશે કે તેઓ કેટલી અસર કરશે પરંતુ હાલમાં તેઓ લોકોની નજરમાં છે અને રાજકીય સમીકરણોને ચર્ચાસ્પદ બનાવી રહ્યા છે.

