- Opinion
- PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
(ઉત્કર્ષ પટેલ)
ભારતીય રાજકારણમાં આજે પણ એક વિચારધારા પ્રબળ છે કે સત્તા એટલે નેતૃત્વના પરિવારની મિલ્કત. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નેતાઓએ આ વિચારધારાને પડકારી છે. તેઓની જીવનશૈલી અને રાજકીય અભિગમ એવો છે કે તેઓએ ક્યારેય પોતાના પરિવારને સત્તાના લાભ આપ્યા નથી. આ વિષય પર વિચાર કરીએ તો લાગે છે કે દેશના તમામ રાજકારણીઓએ તેઓ પાસેથી શીખવું જોઈએ. તેઓની કાર્યશૈલી પ્રેરણાદાયી તો છે પરંતુ તે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના માર્ગ પર પારદર્શિતાથી આગળ વધારે છે.
PM મોદીનું જીવન એકાંકી છે. તેઓએ બાળપણથી જ આરએસએસ અને ભાજપમાં કાર્ય કરીને રાષ્ટ્રસેવાને પોતાનું જીવન બનાવ્યું. તેઓ વડાપ્રધાન બન્યા પછી પણ તેમના ભાઈબહેનો કે સંબંધીઓને કોઈ રાજકીય પદ કે લાભ આપ્યો નથી. તેઓ માને છે કે રાજકારણ એ પરિવારવાદ માટે નથી પરંતુ રાષ્ટ્રની સેવાનું માધ્યમ છે. તેઓ કહે છે કે "મારો પરિવાર 140 કરોડ ભારતીયો છે." આ વાક્ય માત્ર શબ્દો નથી પરંતુ તેમની કાર્યશૈલીમાં પ્રતિબિંબિત થાય છે.

યોગી આદિત્યનાથ પણ એ જ પરંપરાના છે. તેઓ એક સંન્યાસી છે જેમણે પરિવાર ત્યાગીને જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું છે. તેઓના મુખ્યમંત્રી પદમાં પણ કોઈ પરિવારજનને લાભ મળ્યો નથી. તેઓની સરળ જીવનશૈલી, ભગવા વસ્ત્રો, સાદું ભોજન અને અથાગ પરિશ્રમ એ પુરાવો છે કે સત્તા એ તપસ્યા છે નહીં કે વૈભવ.
ભારતમાં પરિવારવાદની સમસ્યા ઘણી જૂની છે. અનેક રાજકીય પક્ષોમાં પિતા પછી પુત્ર, માતા પછી પુત્રી આ પરંપરા ચાલે છે. આનાથી યુવા પ્રતિભાઓને તક મળતી નથી અને રાજકારણ કુટુંબની મિલ્કત બની જાય છે. પરિણામે ભ્રષ્ટાચાર વધે છે અને રાષ્ટ્રનો વિકાસ અટકે છે. પરંતુ PM મોદી અને યોગીનું ઉદાહરણ અલગ છે. તેઓએ પ્રમાણિત કર્યું કે પરિવારવાદ વિના પણ સફળ થઈ શકાય છે. તેઓની નીતિઓ જેમ કે આયુષ્માન ભારત, જન ધન યોજના કે ઉત્તર પ્રદેશમાં કાયદા વ્યવસ્થાની સુધારણા... આ તમામ રાષ્ટ્રહિત માટેના કાર્યો છે વ્યક્તિગત લાભ માટે નહીં. આનાથી મતદાતાઓમાં વિશ્વાસ વધે છે અને લોકશાહી મજબૂત બને છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે "ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો" PM મોદી અને યોગી આજ કરી રહ્યા છે. તેઓના જીવનમાંથી શીખીને અન્ય રાજકારણીઓએ પરિવારવાદ ત્યાગીને મેરિટ આધારિત રાજકારણ અપનાવવું જોઈએ. આનાથી નવા યુવા નેતાઓને તક મળશે, ભ્રષ્ટાચાર ઘટશે અને ભારત વિશ્વગુરુ બનશે.

આજે જ્યારે દેશમાં અનેક પડકારો છે જેવા કે ગરીબી, બેરોજગારી, જળ ભૂમિ વાયુ પ્રદૂષણ ત્યારે આવા નેતાઓની જરૂર છે જેઓ સ્વાર્થ ત્યાગીને રાષ્ટ્રસેવા કરે. PM મોદી અને યોગીનું ઉદાહરણ એક દીવાદાંડી રૂપ છે. તેઓ પાસેથી શીખીને દરેક રાજકારણીએ પોતાનું જીવન બદલવું જોઈએ. જો તમામ નેતાઓ આ અપનાવે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આ પ્રેરણા આપણને કહે છે કે સત્તા એ સેવા છે નહીં કે સ્વાર્થ.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

