- Lifestyle
- જીવનનું સૌથી મોટું સત્ય: મૃત્યુ સામે બધું જ હારી જવાનું છે તો આ દંભ અને ગર્વ શા માટે?
જીવનનું સૌથી મોટું સત્ય: મૃત્યુ સામે બધું જ હારી જવાનું છે તો આ દંભ અને ગર્વ શા માટે?
(ઉત્કર્ષ પટેલ)
એક દિવસ બધું જ જીતીને પણ 'મૃત્યુ' સામે હારી જવાનું છે... તો આ ગર્વ કેવો? ઈર્ષ્યા કેવી? જૂઠું કેવું? દગો કેવો? અને દેખાવ કેવો!?
આ વાત સાંભળતા ભલે સામાન્ય લાગે પણ જો આપણે આ એક વાક્યના ઊંડાણમાં ઉતરીએ તો તેમાં આખા જીવનનો સાર રહેલો છે. આપણે સૌ આ દુનિયામાં આવ્યા છીએ અને એક દિવસ અહીંથી જવાનું પણ નિશ્ચિત છે છતાં આપણે એવી દોડમાં ભાગી રહ્યા છીએ કે જાણે આપણે અમર છીએ.
આપણું જીવન એક અવિરત ચાલતી દોડ જેવું બની ગયું છે. આપણે ધન, સંપદા, પદ, પ્રતિષ્ઠા અને સત્તા મેળવવા માટે દિવસ રાત એક કરી દઈએ છીએ. આપણને લાગે છે કે આ બધું મેળવી લેવાથી આપણે સફળ થઈ ગયા. આપણો અહંકાર એટલો વધી જાય છે કે આપણે પોતાને જ આ જગતનો સૌથી મોટો શક્તિશાળી અને સફળ વ્યક્તિ સમજવા લાગીએ છીએ. પરંતુ શું ખરેખર આપણે કશું જીત્યા છીએ? ઇતિહાસના પાનાઓ ઉથલાવીએ તો સિકંદર જેવા વિજેતાઓ પણ આ દુનિયામાંથી ખાલી હાથે જ ગયા છે. મૃત્યુ એ એવું એકમાત્ર પરમ સત્ય છે જેની આગળ દુનિયાનો સૌથી મોટો રાજા હોય કે ગરીબ ભીખારી બધાને એક સમાન હારવુંજ પડે છે. જ્યારે અંતિમ સમયે મૃત્યુનું આવે છે ત્યારે આપણી જમાપૂંજીનું બધું જ શૂન્ય થઈ જાય છે.

આપણે આ સત્યને સમજી જઈએ તો પછી આપણી જીવનશૈલી માં કઈ ફરક કેમ નથી આવતો ?! આપણે પોતાના ગર્વાનુભવ માટે કેટલાય લોકોના હૈયાને દુઃખ આપીએ છીએ. આપણા ઈર્ષ્યાભાવને કારણે આપણે બીજાની પ્રગતિ જોઈને ખુશ થવાને બદલે અંદરથી બળીએ છીએ. જૂઠું બોલીને આપણે પોતાનો સ્વાર્થ સાધીએ છીએ અને દગો આપીને કોઈનો વિશ્વાસ તોડીએ છીએ. સૌથી દુઃખદ તો એ છે કે આપણે દેખાડા અને દંભ ના માટે જીવીએ છીએ. આજના યુગમાં તો દેખાવ એટલો વધી ગયો છે કે આપણે પોતાની જાતને જ છેતરી રહ્યા છીએ.
વિચારો જો આ બધું જ એક દિવસ મૃત્યુની ભેટ ચઢી જવાનું છે તો આ નકારાત્મક ભાવનાઓનું મૂલ્ય શું રહ્યું? ગર્વ આપણને એકલા પાડે છે, ઈર્ષ્યા આપણી અંદરની શાંતિ છીનવી લે છે, જૂઠું આપણી વિશ્વસનીયતા પૂરી કરે છે, દગો આપણા સંબંધો તોડે છે અને દંભ આપણને વાસ્તવિકતાથી દૂર કરે છે. આ બધું જ આપણને જીવનમાં કશુજ આપતું નથી ઉલ્ટાનું જીવતા જીવ આપણને નરકમાં ધકેલી દે છે.
તો પછી સાચો રસ્તો શું છે? જો આ દુનિયામાંથી કશુજ લઈ જવાનું નથી તો શું આપણે નિરાશાવાદી બની જવું જોઈએ? બિલકુલ નહીં. આ સત્યને સમજવાનો હેતુ નિરાશ થવાનો નહીં પરંતુ જાગૃત સજાગ થવાનો છે. જ્યારે આપણને ખબર પડે છે કે મૃત્યુ નિશ્ચિત છે ત્યારે આપણે બિનજરૂરી બાબતોમાં સમય બગાડવાનું બંધ કરી દઈએ છીએ. આપણે ગર્વ અને દંભ છોડીને વિનમ્રતા કેળવીએ છીએ. ઈર્ષ્યાને બદલે આપણે બીજાના સુખમાં પોતાનું સુખ શોધીએ છીએ. જૂઠું અને દગાને બદલે આપણે સત્યતા અને પ્રામાણિકતા નો માર્ગ પકડીએ છીએ.
મૃત્યુ પછી આપણી સાથે માત્ર આપણા કર્મ જાય છે. આપણે કેટલું ધન કમાયા, કેટલા મોટા મકાનમાં રહ્યા, કેટલા લોકોએ આપણને માં આપ્યું... આ બધું જ અહીં રહી જાય છે. પરંતુ આપણે કોઈના આંસુ લૂછ્યા, કોઈના મોઢા પર સ્મિત લાવ્યા, કોઈને મદદ કરી, કોઈનું જીવન સરળ બનાવ્યું... આ પુણ્યકર્મો જ આપણી સાચી ઓળખ બને છે.

આ જીવન એક પ્રવાસ છે કોઈ ઠેકાણું નહીં. આપણે અહીં માત્ર થોડા સમય માટે મહેમાન બનીને આવ્યા છીએ. મહેમાન ક્યારેય મકાનના માલિક બનીને ગર્વ નથી કરી શકતા, પરંતુ મકાનને વધુ સારું બનાવવાનો પ્રયત્ન કરે છે.
યાદ રાખજો મૃત્યુ પછી લોકો આપણા બેન્ક બેલેન્સ કે આપણા પદને નહીં યાદ કરે. લોકો આપણા સારા સ્વભાવ, આપણી માનવતા અને આપણા પ્રેમને જ યાદ કરશે. તો કેમ ન આજથી જ આપણે એવું જીવીએ કે આપણું નામ લોકોના હૈયામાં પ્રેમથી લખાયેલું રહે? ગર્વ અને દંભને મૃત્યુ સમજીને તેનો ત્યાગ કરો અને પ્રેમ, સત્ય તથા કરુણાને જ પોતાનું જીવનલક્ષ્ય બનાવો. કારણ કે અંતે તો બધું જ મૃત્યુ સામે હારી જવાનું છે!
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

