- Lifestyle
- કમળ કીચડમાં ખીલે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે
કમળ કીચડમાં ખીલે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે
(ઉત્કર્ષ પટેલ)
કુદરતે આપણને અનેક વસ્તુઓ પાસેથી જીવન જીવવાની કળા શીખવાડી છે. તેમાં સૌથી અદ્ભુત ઉદાહરણ છે કમળનું. કમળ કીચડમાં ઉગે છે અને કીચડમાંથી જ પોષણ મેળવે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે!! કમળ કીચડ સાથે કોઈજ દુશ્મની નથી કરતું પણ કીચડને પોતાના પર હાવી થવા પણ નથી દેતું. આ એક સામાન્ય વાત લાગે છે પણ જો આપણે આ તત્વજ્ઞાનને આપણા જીવનમાં ઉતારીએ તો જીવન ખૂબ જ સુંદર અને સાર્થક બની શકે છે. આ વાતને આપણે વ્યક્તિગત જીવન અને પરિવાર તેમજ સમાજસેવાના માધ્યમથી સમજીએ તો જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.
વ્યક્તિગત જીવનમાં આપણે અનેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ. ક્યારેક આપણી પોતાની ભૂલો તો ક્યારેક પરિસ્થિતિની વિપરિતતા અને ક્યારેક લોકોનું નકારાત્મક વર્તન આપણા માટે કીચડ સમાન હોય છે. આવા સમયે કમળની જેમ આપણે પણ ઉચાટ અને નફરત ન કરવી જોઈએ. નકારાત્મકતાને મનમાં સ્થાન ન આપવું પણ સાથે જ આપણા વિચારોને પણ ખરાબ ન થાય એની કાળજી લેવી જોઈએ. જો આપણે પરિસ્થિતિથી ઘેરાઈને પોતાનું વર્તન બગાડીશું તો આપણે પણ કીચડ બની જઈશું. તેથી પોતાના વિચારોને શુદ્ધ રાખવા અને પોતાના લક્ષ્ય પ્રત્યે સજાગ રહેવું એ જ સાચી સમજદારી છે. આપણે પોતાની નબળાઈઓને સ્વીકારવી જોઈએ અને તેમાંથી શીખ લેવી જોઈએ પણ તે નબળાઈઓને પોતાના પર હાવી ન થવા દેવી.

પરિવાર એ આપણા જીવનનો પાયો છે. પરિવારમાં સૌના સ્વભાવની વિવિધતા હોય છે. કોઈકનો સ્વભાવ ગરમ હોય છે તો કોઈકનો ઠંડો. ક્યારેક નાની નાની વાતોને લઈને ઈગો અને મનદુઃખ ઊભા થાય છે. આ પરિસ્થિતિઓ કીચડ જેવી જ છે. અહીં કમળનો ગુણ એ છે કે તે કીચડને પોષણ માને છે. આપણે પણ પરિવારની ખામીઓને સ્વીકારવી જોઈએ. પરિવારના સભ્યો સાથે દુશ્મની ન કરવી પણ સાથે જ તેમની નકારાત્મક અથવા ખરાબ આદતોને પોતાના પર હાવી ન થવા દેવી. પરિવારમાં રહીને પણ પોતાના સંસ્કારો અને શિસ્તને જાળવી રાખવા જોઈએ. કોઈની ખરાબ વાતોમાં આવીને પોતાનું વ્યક્તિત્વ ન બગાડવું. પ્રેમથી સંબંધોને જોડી રાખવા અને પોતાની મર્યાદા પણ જાળવવી. પરિવારના કલેશને પોતાની પ્રગતિના અવરોધ રૂપી કીચડ ન બનવા દેવું પણ તેમાંથી ધીરજ અને પ્રેમનું પોષણ મેળવવું.
સમાજસેવા એ સૌથી મોટું ક્ષેત્ર છે. સમાજમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે. સમાજસેવા કરવા નીકળો તો અનેક અવરોધો આવશે. લોકો તમારા પર શંકા કરશે તમારી નિંદા કરશે અને ક્યારેક તમારી ભાવનાઓનો ફાયદો પણ ઉઠાવશે. આ સમાજનું કીચડ છે. એક સાચો સમાજસેવક ક્યારેય સમાજ સાથે દગો ન કરે. તે સમાજની ખામીઓ જાણતો હોવા છતાં સેવા કરે છે. પણ સાથે જ તે સમાજની ખરાબ પ્રવૃત્તિઓ જેવી કે ભ્રષ્ટાચાર લાલચ કે અન્યાયને પોતાનામાં પ્રવેશવા નથી દેતો. સમાજસેવાના નામે ક્યારેય પોતાની નૈતિકતા ન બગાડવી. નિર્મળ અને શુદ્ધ હૃદયથી સેવા કરવી. કીચડમાં રહીને સેવા કરવી પણ કીચડથી દૂષિત ન થવું. સમાજની બદીઓ જોઈને નિરાશ ન થવું પણ સમાજના ભલાઈના કામોમાં પોતાને જોતરી દેવા.
જીવન એ એક તળાવ છે અને આપણે સૌ તેમાં ખીલતા કમળ છીએ. આપણી આસપાસ અનેક પ્રકારના કીચડ હશે. ક્યારેક વ્યક્તિગત જીવનમાં તો ક્યારેક પરિવારમાં અને ક્યારેક સમાજમાં. આપણે શીખવાનું એ છે કે વિપરીત પરિસ્થિતિઓ સંજોગોમાં ફસાઈ જવું નહીં. નફરત મનને પોલું કરી નાખે છે તેથી સૌને સહજ ભાવથી સ્વીકારવા અને સાથે જ પોતાની શુદ્ધતાને જાળવી રાખવી. કમળની જેમ આપણે પણ દરેક પરિસ્થિતિમાં ખીલી શકીએ છીએ બસ શરત એક જ છે કે કીચડનો સ્વીકાર કરવો પણ કીચડ બનવું નહીં.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

