કોઈ વાર તાળું ખોવાયું છે?

‘આ બૅગનું લૉક નથી ખૂલતું, જરા નંબર બોલજો ને.’ કયારના બૅગ ખોલવા મથી રહેલાં એટલે સ્થળ ને કાળનું ભાન ભૂલેલાં શાંતાબેન પતિના મિત્રમંડળની વચ્ચે જઈ ચિંતિત સ્વરે ફરિયાદ કરતાં ઊભા રહ્યાં.

કાન તો બધાના જ ચમકયા પણ ડોળા ફક્ત એકના જ ફર્યા, તે ધમધમ કરતા બૅગ મૂકેલી ત્યાં જઈ ઊભા. ઊભા શેના, તાડૂક્યા–ધોધમાર વરસ્યા.

‘કંઈ અક્કલ–બક્કલ છે કે નહીં? બોલવાનું જરા પણ ભાન નથી.’ શાંતુભાઈએ જીભને છૂટી મૂકી.

(અક્કલ તો છે પણ ઘણી વાર એના પરનું બક્કલ કાઢવાનું રહી જાય છે!) શાંતાબેનને મનમાં બબડવાની ટેવ આ કારણે જ પડેલી?’ (હમણાં ભાન વગરનું જો બોલવા માંડીશ તો તમે બેભાન થઈ જશો.)

‘આમ બધાની વચ્ચે બૅગના લૉકનો નંબર પૂછાતો હશે? ક્યારે શીખશે કોણ જાણે!’

(બધાની વચ્ચે પૂછું, તો બધામાં તમારું માન વધે કે, બૅગના લૉકનો નંબર પણ પોતાના કબજામાં રાખે છે !)

પછી તો, તારા કરતાં તો ફલાણાં સારા ને ઢીંકણાં સારા, ને આમ ને તેમના મજાના લવારા ચાલ્યા. શાંતાબેનને તો લૉકના નંબર સાથે મતલબ, એ બધા લવારાનું એમને શું કામ? બધું માથા પરથી જવા દીધું, નહીં તો મગજ લૉક થઈ જાય.

જાણે કે, જેમની સાથે જે ઊભેલા તે બધા જ ચોર! લાગ મળતાં જ બૅગ ખોલી નાંખશે ને અંદર કંઈ નહીં હોય તોય બૅગ ઉઠાવીને ભાગી જશે જાણે! અક્કલ કોનામાં નથી તે જ શાંતાબેનને ઘણી વાર નહોતું સમજાતું.

ખેર, બૅગનું લૉક તો ખૂલ્યું. ફરીથી નવો નંબર ગોઠવાઈ ગયો અને શાંતાબેનને તાકીદ કરાઈ કે, બીજી વાર આવી ભૂલ નહીં થવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર, તે કેમ કોઈને યાદ નહીં રહેતું હોય? શાંતાબેન જ્યારે બહારગામ જાય ત્યારે બૅગ ગોઠવતાં પહેલાં આ વાત મને દર વખતે હસી હસીને કરે.

કશેક ફરવા જવાના હોઈએ કે બહારગામ જવાના હોઈએ ત્યારે બૅગ ગોઠવવાનું કે બૅગ તૈયાર કરવાનું કામ, પહાડ ચડવા જેટલું કઠિન કે નદી–સાગર તરવા જેટલું કપરું લાગે છે. કોઈ વાર ફરવા જવાવાળાની કે ઘણા દિવસો માટે બહારગામ જનારાની આ હંમેશની ફરિયાદ કે ચિંતા હોય છે. ઘણા  બૅગ ગોઠવનારા તો, એ કામને ચપટી વગાડતાં કે રમતાં રમતાં થઈ જતા કામમાં ગણાવે છે. ‘આ કબાટમાંથી કપડાં કાઢ્યા ને આ બૅગમાં મૂક્યા કે બેગ તૈયાર. એમાં કેટલી વાર? રોજની જરૂરિયાતવાળું પાઉચ તો હું તૈયાર જ રાખું, ઝંઝટ જ નહીં.’ આ લોકો સાધુની કક્ષામાં આવી શકે. જેમની જરુરિયાતો ઓછી હોય તેવા લોકો જ ફટાક દઈને બૅગ ગોઠવી શકે, બાકી તો....

બાકી તો, કલાકો સુધી ખાલી બૅગને જોતાં જોતાં, ધ્યાનમાં બેસી જનારાઓનો વર્ગ ખાસ્સો મોટો છે. એમની મોટામાં મોટી ચિંતા હોય છે, બૅગમાં શું મૂકવું ને શું ન મૂકવું! કબાટ ખુલ્લો હોય, આખા રૂમમાં ખુરશી, ટેબલ અને પલંગ સિવાય પણ જમીન પર બધી વસ્તુઓ પથરાયેલી પડી હોય અને બૅગ ગોઠવનાર ચિંતામાં સૂકાઈને અડધા થવાની તૈયારીમાં હોય. મોટે ભાગે સ્ત્રીઓ આ પરિસ્થિતિનો શિકાર બનતી હોય છે. એમની ચિંતા પણ ખોટી નથી હોતી. દિવસમાં ચાર વાર કપડાં બદલવાના હોય, રોજનો નાઈટડ્રેસ જુદો હોય, કદાચ ને કોઈ કારણસર એકાદ–બે દિવસ મોડું થાય ને રોકાવું પડે કે પછી વરસાદ પડે ને કપડાં ભીનાં કે મેલાં થઈ જાય તો ? અગમચેતી સારી! મેકઅપનો સામાન તો ખરો જ. મૅચિંગ ચપ્પલ–સૅંડલના ઢગલામાં એકાદ જોડી સ્પોર્ટ્સ શૂઝ તો ક્યાંય સમાઈ જાય. ભલે પહેરાય કે ન પહેરાય, સાથે લીધાં હોય ને મન થાય તો પહેરાય પણ ખરાં!

બૅગ ગોઠવવાની શરુ કરતાં પહેલાં, કોઈ શ્રી ગણેશનું નામ તો નહીં લેતું હોય પણ ‘શ્રી લૉકેશ’નું રટણ તો જરૂર કરવું જોઈએ. જો કે, ખરેખર એવું થતું નથી અને બૅગ ગોઠવાઈ ગયા પછી જ, ખરી મજા, એનું તાળું–ચાવી શોધવામાં આવે છે. દર વખતે તાળું ને ચાવી, ઘરની જવાબદાર અને સમજદાર વ્યક્તિના શુભ હસ્તે વ્યવસ્થિત જગ્યાએ જ મૂકાયાં હોય, તોય કોણ જાણે કેમ? ઐન મૌકે પર હી? પછી ચાલે તાળાની શોધાશોધ અને સાથે એની જોડીદાર ચાવી તો ખરી જ. જો તાળું ન મળ્યું તો? વળી બૅગ ખાલી કરવી પડશે? કે પછી, ટ્રેનનો ટાઈમ થાય ત્યાં સુધી તાળા–ચાવીની શોધ ચાલુ રાખી, ‘આશા છોડવાની નથી – ભલે આ પાર કે તે પાર થઈ જાય’વાળું જોશ જાળવી રાખવાનું છે?

હતાશ થઈને પછી તો, બૅગ ગોઠવવાનો કે લેવાની વસ્તુઓનો તાળો મેળવવાનો આનંદ માણવાનો બાજુ પર મૂકી, સૌ બબડતાં બબડતાં ને એકબીજા પર દોષારોપણ કરતાં કરતાં તાળાની શોધમાં મંડી પડે. અચાનક કોઈકની બુદ્ધિ આવા સમયે દગો આપવાને બદલે મદદે આવે ને એને યાદ આવે કે, જ્યારે ટ્રેનનો ટાઈમ થવા માંડ્યો હોય અને સમયસર, ટ્રાફિકની આરપાર કે ઉપર નીચે થઈને પણ જો સ્ટેશને ન પહોંચ્યા તો બધાની ટિકિટોનો ભોગ લેવાઈ જશે, ત્યારે વીસ પચીસ રૂપિયાના તાળામાં જીવ વળગાવવો નરી મુર્ખામી જ છે. કદાચ આખા કાર્યક્રમની એક ડૉક્યુમેન્ટરી તૈયાર થઈ જશે અને કાયમ માટે ઘણી બધી વાતો પર તાળાં લાગી જશે!

આખરે દર વખતની જેમ જ છેલ્લી ઘડીએ, ફરી વાર એક નાનકડા સુંદર તાળાનું ઘરમાં આગમન થાય અને બધાનાં મનનો એકબીજા સાથે તાળો મળતાં જ પ્રસ્થાનની તૈયારી થાય. એક નજીવા તાળાને ખાતર કંઈ જવાનું ઓછું જ માંડવાળ કરાય?

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.