જિંદગી એક મિનિટ આગળ દોડતી રહે છે...

એ એક અમેરિકન ફિલ્મ છે અને એનું નામ બડું મૌજું છે : 'સૂર્યાસ્ત પહેલાં' ! જિંદગીના આઠમા દશકનો જન્મદિવસ એક એવો સમય છે જ્યારે તમે વિચાર કરતા થઈ જાઓ છો કે સૂર્યાસ્ત અડી શકાય એટલો પાસે છે, હવે અસ્ત થતા સૂર્ય સામે આંખો રાખીને જોઈ શકાય છે, ક્ષિતિજની ઉપરનું આકાશ ઈલેક્ટ્રિક ગુલાબી રંગ પકડી રહ્યું છે, પછી સોનેરી ગુલાબી, પછી ધુમ્મસી સુરમઈ રંગ, જે આસમાનીને ઢાંકી રહ્યો છે. સૂર્યની ઉપરી ધારથી પાણી સળગી રહ્યું છે એવો આભાસ થાય છે. એ દિવસના મૃત્યુ અને રાત્રિના જન્મની ક્ષણ છે. આઠમા દશકના જન્મદિવસનો અહેસાસ આવો જ છે, સૂર્યાસ્ત પહેલાંની જિંદગીની પર્તો અન્યમનસ્ક ખૂલતી જાય છે. તમે પ્રેમ કરો છો, નિકટતા અનુભવો છો, પછી ખોઈ નાંખો છો, પચી અવકાશ, જે વિરહ કે વિયોગ નથી. વિરહ અને વિયોગ બહુ નાના શબ્દો છે, હૃદયના શાંત દર્દ માટે, તૂટેલી કરોડરજ્જુની ઊઠતી ટીસ માટે, હું નિઃશબ્દમાંથી અશબ્દ બની જાઉં એ સ્થિતિ માટે. અને મનને સંતુલિત રાખવાનો આયાસ કરું છું. સ્મૃતિ શું છે? સ્મૃતિની ખુશ્બૂ હોવી જોઈએ, સ્મૃતિનું વજન ન હોવું જોઈએ. હું વિસ્મૃતિનો સહારો માંગતો નથી, વિસ્મૃતિના પલાયનવાદમાં મને રુચિ નથી. વેદનાની જાહોજલાલી મૃત્યુ સુધી ઝળહળતી રહે એ અભિપ્સા છે, લિપ્સા છે, ઈપ્સા છે.

મૃત્યુની છાયામાં આવેલો જન્મદિવસ. છેલ્લા દિવસો આપણે હાથ પકડીને ચાલતા હતા, આંખો ઝાંખી પડી રહી અને પગ તૂટી રહ્યા હતા ત્યારે, અને શરૂના દિવસોમાં આપણે હાથ પકડીને ચાલ્યા હતા, આંખોમાં આવતી કાલની ચમક હતી અને પગમાં જવાન રવાની હતી. આપણી બે હથેળીઓની વચ્ચે જિંદગીના કેટલા દશકો દબાયા હતા? આજે તું નથી, એ દબાતી, દબાવતી હથેળી નથી, સમય પસાર થતો જાય છે, શરૂમાં ધીરે ધીરે, પછી તેજ ગતિથી અને હું વિસ્મયના પ્રાંતમાં જાય છે, શરૂમાં ધીરે ધીરે, પછી તેજ ગતિથી અને હું વિસ્મયના પ્રાંતમાં બેહોશ થતો જાઉં છું, ભૂતકાળનું વજન વધતું જાય છે અને ભારે ઓછો થતો જાય છે. ભૂતકાળ વર્તમાનકાળમાં સ્પંદન પેદા ન કરે એ જોવાનું છે, વર્તમાનકાળ ભૂતકાળમાં ખલેલ ન પાડે એ વિચારવાનું છે, અને એ શક્ય નથી. 33મે કે 53મે વર્ષે પણ શક્ય ન હતું. 73મે વર્ષે પણ શક્ય નથી. પણ હવે બુઝાતી આંખો વધારે સાફ થઈ ગઈ છે. 'સારો' અને 'સારી'થી વધીને જગતમાં કોઈ વિશેષણ નથી.

એ જ ડબલ-બેડ છે, રેશમી રૂના બે તકિયા, મખમલી લિહાફ છે, સ્પ્લીટ એ.સી.નું લાલ ઈલેક્ટ્રિક બિંદુ ઝબકી રહ્યું છે, ડબલ-બેડ સિંગલ બેડ હવે થશે નહીં, અને એ ખાલી જ રહેશે. પહેલાં સિંગલ બેડ હતો, બે માથાં હતાં, બે સ્વપ્નો હતાં, હવે ડબલ-બેડ છે, એક માથું છે, એક જ સ્વપ્ન છે. દીવાલ પરનો ફોટો જૂનો છે, સુખડનો હાર નવો છે. ફોટાને ભીના કપડાથી લૂછતો રહું છું. ફોટાની ક્યારેય બંધ ન થનારી આંખો ચમકે છે. ગમે છે, બહાર નીકળતી વખતે એ જ સંવાદ થતો હતો : વહેલો આવજે ! હવે વહેલો જ... આવી જાઉં છું...! ફક્ત એક વાર વધારે વહેલા આવીને ભૂલથી મારી આંગળી ડોર-બેલ પર ચાલી ગઈ હતી.

સેફના વૉલ્ટમાં વર્ષોથી સાચવી રાખેલા પીળા પડી ગયેલા ડૉક્યુમેન્ટમાંથી એનું નામ ભૂંસાતું જાય છે, વસ્તુઓ ઓછી થતી જાય છે, આકાશની સામે એક મરેલું વૃક્ષ ઊભું હોય એ દૃશ્ય હું જોઈ શકું છું. એ મરેલા વૃક્ષની પાછળ આકાશ મેગધનુષી રંગોમાં ઝિલમિલાતું રહે છે, અને હું એકલતાના ઘેરાતા અંધકારને સૂંઘી શકું છું. ખાલીપણાને આંસુઓથી ભરી દેવાનો આશીર્વાદ બધા પાસે નથી હોતો. જ્યારે માણસો પોતાનો પડછાયો માણસની અંદર જ સંતાઈ જાય છે, ત્યારે અસહાયતાની એ કઈ કક્ષા હોય છે? વિચારો ભૂતકાળમાં ડૂબી જાય ત્યારે હાલતું પ્રતિબિંબ ઊભરે છે એ સ્મૃતિ છે, જલછબિ જેવી અ-શાશ્વત અને ક્ષણભંગુર નહીં પણ ક્ષણાર્ધભંગુર. એકલતા એ સ્થિતિ છે જ્યાં મન સુષુપ્ત નથી, મન સ્થિર કે જડ નથી, ફક્ત વેદનાને વાચામાં ઢાળવાની શક્તિ રહી હોતી નથી. વેદનાને શબ્દોના શિલ્પમાં સજાવી શકાતી નથી. અંધકારનો દુનિયાભરમાં એક જ રંગ હોય છે.

જન્મદિવસ પ્રેમ, ઉષ્મા, હૂંફ શોધવાના દિવસ છે. પ્રેમને માત્ર ઉપભોગના જાડા કાચમાંથી જોનાર માણસ ફક્ત કાટમાળ ખંખેરી રહ્યો છે. રેલવેના સીધેસીધા દોડતા બે પાટાઓને પણ હૂંફ હોય છે એકબીજાની, સિતારના બે તાર એકબીજાને સ્પર્શતા નથી, પણ એક રડે છે ત્યારે બીજો તાર થર્રાવા લાગે છે. જન્મદિવસ હૂંફને રિ-ચાર્જ કરવાનો અવસર છે, કારણ કે જન્મદિવસ વર્તમાનકાળમાં તરે છે. ગુઝિશ્તા જિંદગી એક તરફ છે, આજનો દિવસ આવતી કાલ તરફ જોવાનો છે. ગઈકાલની આવતી કાલો અને આજની આવતી કાલો... સુબહ હોતી હૈ, શામ હોતી હૈ / ઝિંદગી યૂં હી તમામ હોતી હૈ ! જન્મદિવસોથી જન્મદિવસો સુધી... ના તમામને તમામ થતી અનુભવવાની પ્રક્રિયા, સુખદ અને દુઃખદની આરપાર... પ્રેમ નામના શબ્દનો સૌર્ય ઝળહળાટ...

હજી વાતવાતમાં તારું નામ બોલાઈ જાય છે, જે નામ 47 વર્ષો બોલ્યો છું. થોડો ધક્કો લાગે છે, પછી બધું જ શાંત થઈ જાય છે, પૂર્વવત ફક્ત જિંદગી એક મિનિટ આગળ દોડતી રહે છે. સંબંધનો લગાવ દુઃખ આપે છે, ભગવાન બુદ્ધથી ભગવાન રજનીશ સુધી બધા જ કહી ગયા છે, અને અનાસક્તિયોગ ક્યારેય ાવતો નથી. પ્રેમ વિચાર કરીને થતો નથી, અને ઉષ્માભાવ એ વિચાર અને આચાર, તર્ક અને મર્મથી પર એવી એક ફિલિંગ છે. વિચાર કરીને ફિલ થતું નથી. ખુશ્બૂનું પૃથક્કરણ થતું નથી. ખુશ્બૂ અર્થ કે વ્યાખ્યામાં બંધ કરી શકાતી નથી. ખુશ્બૂની સ્પેસિફિક ગ્રેવિટી માપી શકાતી નથી. જીવનની ખુશ્બૂ ઉપર મૃત્યુની બદબૂ હાવી થઈ જાય છે ત્યારે, ઈલેક્ટ્રિક ક્રિમેટોરીઅમમાં સળગતી જ્વાલાઓ શરીરને લપટમાં લઈ લે છે ત્યારે, આંસુઓ સ્થિર થઈ જાય છે ત્યારે, કાનમાં દબાતા અવાજે બોલાયેલું 'નમો અરિહંતાણં' સંભળાય છે ત્યારે... ત્યારે સમય અટકી જાય છે, એ ક્ષણો આત્મા પરના જખમની જેમ ક્યારેય ભૂંસાવાની નથી. ખલિલ જિબ્રાન, કબીર, ટાગોર બધા જ અપ્રસ્તુત બની જાય છે. પ્રાર્થના અંતિમ કવિતા છે.

હવે સ્પર્શ નથી, હવે ભૂતકાળની ભાષા નથી, હવે મૌનનો એ અશબ્દ સંવાદ પણ નથી. હવે કદાચ સ્વગતોક્તિ જન્મી શકે છે, જ્યાં માણસ સ્વયં પોતાના અવાજના પડઘા સાંભળે છે. બે શ્વાસોની હૂંફ અને હવે એક શ્વાસની એકલતા, પણ સત્યના કેદી બનવું નથી. આદર્શની પાછળ શહીદ થવું નથી, કારણ કે શહાદતને માફક આવે એટલો જીવનનો ફલક રહ્યો નથી. સત્ય શું છે?... જેવા પ્રશ્નનો ઉત્તર સાંભળવાની પણ ઈચ્છા રહી નથી. અસ્તિત્વ ઓગાળીને જીવવું નથી, જ્ઞાન અને શક્તિની ઉપર પણ એક તત્વ છે, એ સમજાય છે : કિસ્મત ! કાર્લ જેસ્પર્સે લખ્યું છે : આપણે ઈશ્વરની જેમ બહાર ઊભા રહીને એક જ નજરમાં આખું વિશ્વ જોઈ શકતા નથી.

ક્લોઝ અપ

આપણે નર્તકને નૃત્યથી જુદા ક્યારે સમજીશું?

 - વિલીઅમ બટલર યેટ્સ

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.