- National
- ગેસ ગીઝરના કારણે 4 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો, મોટો ભાઈ ગંભીર
ગેસ ગીઝરના કારણે 4 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો, મોટો ભાઈ ગંભીર
દેશમાં બાથરૂમના ગેસ ગીઝરમાંથી નીકળતા ગેસના કારણે ગૂંગળામણથી મોતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સ્નાન કરતી વખતે રાખવામાં આવેલી નાનકડી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે, જેનો તાજો કિસ્સો ઉત્તર પ્રદેશના બદાઉં શહેરના સદર કોતવાલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં ગેસ ગીઝરની ઝેરી અસરને કારણે બે સગા ભાઈઓ બાથરૂમમાં બેહોશ થઈ ગયા હતા, જેમાંના એકનું મોત નીપજ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
બદાઉંના શાહબાઝપુર જફાની કોઠી વિસ્તારના રહેવાસી સલીમ અહેમદના બે પુત્રો, રયાન (4 વર્ષ) અને સયાન (11 વર્ષ), શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ બાથરૂમનો દરવાજો બંધ કરીને નહાવા ગયા હતા. બાથરૂમમાં ગેસ ગીઝર ચાલુ હતું. લાંબો સમય વીતવા છતાં જ્યારે બંને ભાઈઓ બહાર ન આવ્યા, ત્યારે પરિવારજનોને ચિંતા થઈ હતી.
પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવ્યો અને અવાજો આપ્યા, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. આખરે દરવાજો તોડીને જોતા જ પરિવારના હોશ ઉડી ગયા હતા. બંને બાળકો બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા.

એકનું મોત, બીજાની હાલત નાજુક
પરિવારજનો તાત્કાલિક બંને બાળકોને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે 4 વર્ષના રયાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે 11 વર્ષના મોટા ભાઈ સયાનની હાલત ગંભીર હોવાથી તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે બરેલી હાયર સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર, સયાનના ફેફસામાં ઝેરી ગેસ પહોંચી ગયો હોવાથી તેની હાલત હજુ પણ નાજુક છે.
મૃતક બાળકના પિતાએ કહ્યું બાળકો રોજની જેમ નહાવા ગયા હતા અને હું પડોશમાં સલૂનમાં ગયો હતો. ઘરમાં પત્ની અને બાળકો જ હતા. ગેસ ગીઝરને કારણે આ મોટી દુર્ઘટના ઘટી ગઈ.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. જોકે, શોકમગ્ન પરિવારજનોએ મૃતક બાળકના શબનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો છે અને કોઈપણ કાયદેસરની કાર્યવાહી કરવાની મનાઈ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું પણ માનવું છે કે ગેસ ગીઝરમાંથી લીક થયેલા કાર્બન મોનોક્સાઇડ ગેસને કારણે ગૂંગળામણ થવાથી આ દુર્ઘટના સર્જાઈ છે.

