- National
- 42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું
42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું
ઝારખંડ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં 28 વર્ષીય મહિલાને આપવામાં આવતા કાયમી ભરણપોષણની રકમ ₹10 લાખથી વધારીને ₹40 લાખ કરી દીધી છે. કોર્ટે મહિલાની ઉંમર, તેની પાસે આવકનું સ્વતંત્ર સાધન ન હોવું અને પતિની કમાણી કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય સંભળાવ્યો છે.
જસ્ટિસ સુજીત નારાયણ પ્રસાદ અને જસ્ટિસ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની ખંડપીઠે આદેશ આપતી વખતે નોંધ્યું કે, જો દેશમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષ ગણવામાં આવે, તો 28 વર્ષની આ મહિલાએ આગામી 42 વર્ષ સુધી પોતાનું જીવન વિતાવવાનું છે. આ સમયગાળા દરમિયાન સરકારી કર્મચારી એવા પતિના પગારમાં મોંઘવારી ભથ્થું, વાર્ષિક ઈન્ક્રીમેન્ટ, પે કમિશન અને પ્રમોશનના કારણે સતત વધારો થશે. સપ્ટેમ્બર 2024માં પતિનો માસિક પગાર ₹54,000 આસપાસ હતો.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પત્ની માટે ભરણપોષણની રકમ એવી હોવી જોઈએ જેથી તે તેના પતિ સાથે રહેતી વખતે જે જીવનશૈલી અને સન્માન ધરાવતી હતી તેવું જ સન્માનજનક જીવન જીવી શકે. આ સ્થિતિમાં ઓછામાં ઓછા ₹40 લાખની રકમ સંપૂર્ણપણે વ્યાજબી અને યોગ્ય છે. કોર્ટે ઉમેર્યું કે કાયદામાં કાયમી ભરણપોષણની જોગવાઈનો મુખ્ય હેતુ એવા જીવનસાથીની આર્થિક તંગી દૂર કરવાનો છે જેની પાસે જીવવા કે કાનૂની ખર્ચ ઉઠાવવા માટે પૂરતી આવક નથી.
કેસની વિગતો મુજબ બંનેના લગ્ન જૂન 2018માં હઝારીબાગ ખાતે હિન્દુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. પતિ ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે અને તમામ કપાત પછી તેનો હાથમાં આવતો પગાર ₹40,000 હતો. લગ્ન સમયે મહિલાના પિતાએ ₹12 લાખ રોકડા, 10 તોલા સોનાના દાગીના અને ₹2 લાખની ઘરવખરી આપી હતી તેમજ લગ્નનો તમામ ખર્ચ પણ ઉઠાવ્યો હતો.
મહિલાનો આરોપ છે કે લગ્નના એક મહિના સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ ત્યારબાદ પતિ અને સાસુ-સસરાએ દહેજ પેટે ₹5 લાખની માંગણી શરૂ કરી અને તેને માનસિક-શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. ત્રાસ અસહ્ય બનતા મહિલાએ પિયર જવાની ચીમકી આપી, તો પતિ તેને શાંત પાડવા પોતાના નોકરીના સ્થળે (બીજા જિલ્લામાં) લઈ ગયો. પરંતુ ત્યાં પણ ફ્લેટ ખરીદવા માટે પિતા પાસેથી ₹10 લાખ લઈ આવવા દબાણ કરવામાં આવ્યું. જ્યારે મહિલાના પરિવારે વધુ દહેજ આપવાની ના પાડી ત્યારે પતિએ તેની સાથે મારપીટ કરી હતી, જે અંગે મહિલાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
મે 2023માં ક્રૂરતાના આધારે લગ્નજીવનનો અંત આણતા ફેમિલી કોર્ટે પતિને ₹10 લાખનું કાયમી ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો હતો, જેમાં થી ₹8 લાખ પતિએ અગાઉ આગોતરા જામીન વખતે ચૂકવી દીધા હતા. આ રકમથી અસંતોષ વ્યક્ત કરી મહિલાએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. મહિલાના વકીલ આશુતોષ પી.ડી. જોશીએ દલીલ કરી હતી કે ફેમિલી કોર્ટે મહિલાની ઉંમર, પતિનો પગાર, ભવિષ્યના લાભો અને લગ્ન વખતે થયેલા વ્યવહારોને ધ્યાને લીધા નહોતા. પતિના પ્રોવિડન્ટ ફંડ (PF) અને અન્ય બચતને પણ ધ્યાનમાં લેવી જોઈએ, કારણ કે મહિલા હાલ અત્યંત દયનીય સ્થિતિમાં જીવી રહી છે.

બીજી તરફ, પતિના વકીલ પ્રભાત કુમારે રજૂઆત કરી હતી કે પતિએ બીજા લગ્ન કરી લીધા છે અને તેને બીજી પત્નીથી એક પુત્રી પણ છે. તેની આવક અને જવાબદારીઓને જોતાં ફેમિલી કોર્ટે નક્કી કરેલી ₹10 લાખની રકમ પૂરતી હતી.
હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ નોંધ્યું કે પતિએ પોતાની બીજી ફેમિલી સાચવવાની છે તે વાત સાચી, પરંતુ પહેલી પત્નીને પણ એ જ જીવનશૈલી આપવી તેની પ્રાથમિક ફરજ છે જે લગ્ન ચાલુ રહ્યા હોત તો તેને મળી હોત. નિવૃત્તિ પછી પણ પતિને મોટો આર્થિક લાભ મળશે, જ્યારે પત્નીએ ભરણપોષણની રકમ પર મળતા વ્યાજ પર જ આખું જીવન વિતાવવાનું છે.
તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ₹10 લાખની રકમ વધારીને કુલ ₹40 લાખ કરવાનો આદેશ આપ્યો છે અને પતિને બાકીની રકમ એક વર્ષની અંદર ચૂકવી આપવા નિર્દેશ કર્યો છે.

