- Gujarat
- વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી...
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો
વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર યુવતીના કથિત લગ્નનું બનાવટી પ્રમાણપત્ર રજૂ કરવાનો આરોપ લાગ્યો છે. યુવતી ગુમ થયા બાદ પરિવારને તેના કોર્ટ મેરેજની જાણ થઈ હતી. જોકે, લગ્ન પ્રમાણપત્રની સત્તાવાર ખરાઈ કરાવતા સંબંધિત કચેરીના રેકોર્ડમાં યુવક-યુવતીના લગ્નની કોઈ નોંધ મળી ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે યુવતીના પિતાની ફરિયાદના આધારે જંબુસર પોલીસે ફૈઝલ દિવાનની ધરપકડ કરી છે. બીજી તરફ, યુવતીના પરિવાર દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે SITની રચના કરવાની માગ કરવામાં આવી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કરજણ તાલુકાના કિયા ગામના ફેઝલ દિવાન નામના યુવકે ભરૂચ જિલ્લાના જંબુસરની હિન્દુ ડૉક્ટર યુવતીને ભગાડીને લઈ ગયા બાદ જંબુસર પોલીસમાં લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. યુવતીના પિતાએ અગાઉ પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ લગ્ન સર્ટિફિકેટની ખરાઈ કરાવતા વડોદરાના કુબેર ભવનની સબ રજિસ્ટ્રાર અને લગ્ન અધિકારીની કચેરીમાં તપાસ કરતા રેકોર્ડમાં આવા કોઈ લગ્નની નોંધ ન હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે જંબુસર પોલીસમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંદાવતા આરોપી ફેઝલની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પિતાએ સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરવા વડાપ્રધાનને પત્ર લખ્યો છે. તો માતાએ દીકરીને લવ જેહાદમાં ફસાવી બ્રેનવોશ કર્યાના આક્ષેપ સાથે દીકરીને પરત લાવી આપવા માગ કરી છે.
BHMSનો અભ્યાસ કરેલી જંબુસરની યુવતી વડોદરામાં રહીને ગોત્રીની હોસ્પિટલમાં નોકરી કરતી હતી. 7 મેની સાંજે તેણે પરિવારને ફોન કરીને કહ્યું કે, 'મેં કોર્ટ મેરેજ કરી લીધા છે, આજથી હું ઘરે નહીં આવું અને સોનાનો 6 તોલાનો હાર મારી પાસે છે, હું તમને બે મહિના પછી આપી દઈશ' કહી ફોન કાપી નાખ્યો હતો.
પરિવારે યુવતીની શોધખોળ કરતા બીજા દિવસે વાતચીત થઈ હતી. પરિવારજનોએ તેને ઘરે પરત આવવા સમજાવી હતી, પરંતુ યુવતીએ પરિવારની વાત માની નહોતી. આ અંગે 11 મેના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમજ જંબુસર પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી.
આ વચ્ચે પરિવારને જાણવા મળ્યું કે, યુવતીએ કરજણના કિયા ગામના ફેઝલ મજીદ દિવાન સાથે કોર્ટ-મેરેજ કર્યા છે. આ લગ્નનું સર્ટિફિકેટ યુવકના મામા દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યું છે. પરિવારે આ મેરેજ સર્ટિફિકેટની ખરાઈ વડોદરાના કુબેર ભવનમાં કરાવતા કચેરીએ 30 જૂનના રોજ લેખિતમાં જણાવ્યું કે, રેકોર્ડની ચકાસણી કરતા યુવક અને યુવતીના નામે 16 જૂન સુધીમાં કોઈ લગ્ન નોંધણી થઈ નથી. તેમજ કચેરી તરફથી આવું કોઈ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. જંબુસર પોલીસે યુવતીના પિતાની ફરિયાદ લઈને યુવક સામે ગુનો નોંધ્યો છે.
યુવતીની માતાએ આક્રંદ સાથે કહ્યું કે, હું અને મારા પતિ જંબુસર રહીએ છીએ અને અગાઉ મારો દીકરો તથા દીકરી વડોદરા રહેતા હતા. મારી દીકરી રોજ હોસ્પિટલ જતી હતી. ત્યાં તેને વાત કરીને એક છોકરાએ પ્રેમજાળમાં ફસાવીને મારા ઘરે ચોરી કરાવી હતી અને સોનાની 6 તોલાની માળા લઈને નીકળી ગઈ હતી. તેણે અમને જાણ કર્યા વગર માત્ર ફોન કરીને કહ્યું કે, મમ્મી, હું જાઉં છું, હવે તમારું ધ્યાન રાખજો. બસ એટલી જ વાત કરી હતી અને પછી અમારી સાથે કોઈ વાત થઈ નથી. બે મહિના સુધી તેનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. અમે રોજ ફોન કરવાનો પ્રયત્ન કરતા હતા પણ ફોન સ્વિચ ઓફ જ આવતો હતો.
તેણે વધુમાં કહ્યું કે, યુવકના મામાએ બીજા દિવસે દીકરી સાથે વાત કરાવી હતી, પરંતુ અમને મળવા ન દીધા. મામા-ભાણેજ લવ જેહાદ જેવી પ્રવૃતિ કરે છે અને અમારી દીકરીને પ્રેમજાળમાં ફસાવી દીધી છે. મારી દીકરીને પાછી લાવી આપો. આ વાતને 4 મહિના થવા આવ્યા છે, પણ અમારી સાથે કોઈ વાત કે ફોન થયો નથી. તે છોકરાએ મારી છોકરીનું બ્રેનવોશ કરીને ખોટું મેરેજ સર્ટિફિકેટ બનાવડાવી લીધું છે અને એવું કહી દીધું કે, હવે આપણા લગ્ન થઈ ગયા છે, એટલે હવે આપણે અહીં જ રહેવાનું છે, આપણે ત્યાં જવાનું નથી.
વકીલ ચેતન દેસાઈએ જણાવ્યું કે, મેં મહિનામાં એક પુખ્ત વયની ડૉક્ટર દીકરી અન્ય ધર્મના છોકરા સાથે ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારબાદ બે મહિનામાં પરિવારે ઘણી બધી ફરિયાદ કરી હતી. આ ડુપ્લિકેટ મેરેજ સર્ટિફિકેટમાં કોની-કોની મદદગારી છે?, સાક્ષીમાં કોણે સહી કરી છે અને કોણે બનાવટી સિક્કા બનાવ્યા છે? તેની તપાસ કરવા માટે પોલીસે હાલમાં ફરિયાદ નોંધી છે. કાયદાના ઘણા વિકટ પ્રશ્નો હતા, તેથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. હાલમાં જંબુસર પોલીસે વોટ્સએપ દ્વારા મળેલી માહિતીના આધારે આ ફરિયાદ નોંધી છે.
આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ સહ-મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું કે, આ પ્રકારના કિસ્સાઓમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ અથવા અન્ય રીતે અનેક સર્ટિફિકેટો રજૂ થતા હોય છે. આવા તમામ સર્ટિફિકેટોની યોગ્ય અને સઘન તપાસ થાય તે માટે સરકાર દ્વારા SITની રચના કરવામાં આવે તેવી અમારી મુખ્ય માગણી છે.
હાલ સમગ્ર મામલે જંબુસર પોલીસે ફૈઝલ દિવાન સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કથિત લગ્ન પ્રમાણપત્રની હકીકત, દસ્તાવેજ કોણે તૈયાર કર્યો, તેમાં કોની સંડોવણી હતી અને યુવતી હાલ ક્યાં છે સહિતના સવાલોના જવાબ મેળવવામાં આવશે. આ કેસમાં પરિવાર દ્વારા કરવામાં આવેલા ‘લવ જેહાદ’ અને બ્રેનવોશના આક્ષેપોની પણ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસની તપાસ અને સત્તાવાર કાર્યવાહી પર સૌની નજર છે.

