- National
- ‘તેને હું નહીં, મારો ભાઈ પસંદ છે’, પત્નીને લઇને દીયર સાથે લગ્ન કરાવવા પહોંચ્યો પતિ!
‘તેને હું નહીં, મારો ભાઈ પસંદ છે’, પત્નીને લઇને દીયર સાથે લગ્ન કરાવવા પહોંચ્યો પતિ!
ઉત્તર પ્રદેશના બાગપતમાં મુખ્યમંત્રી સામૂહ લગ્ન યોજનામાં એક મહિલાની અજીબોગરીબ માંગણીએ અધિકારીઓને સ્તબ્ધ કરી દીધા. આ મહિલા ખોળામાં બાળક લઇને તેના પતિ સાથે આવી હતી, પરંતુ તે તેના દિયર સાથે લગ્ન કરવા માંગતી હતી. પતિએ પણ પત્નીની વાતને સમર્થન આપતા કહ્યું કે તેને હું નહીં, મારો નાનો ભાઈ પસંદ છે. પંચાયતમાંથી છૂટાછેડા થવાનો દાવો પણ કર્યો, પરંતુ કાયદેસરના દસ્તાવેજોના અભાવે તેમની અરજી સ્વીકારવામાં આવી નહોતી.
બાગપતમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ લગ્ન કરવા ઈચ્છતા યુગલોની અરજીઓની ચકાસણી ચાલી રહી હતી. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો જેણે સૌને ચોંકાવી દીધા. મહિલા તેના બાળક અને વર્તમાન પતિ સાથે અધિકારીઓ સમક્ષ પહોંચી હતી, પરંતુ તેની માંગ હતી કે તેના લગ્ન તેના પતિ નહીં દિયર સાથે કરાવવામાં આવે. શરૂઆતમાં તો બધું સામાન્ય લાગતું હતું, પરંતુ દસ્તાવેજોની ચકાસણી દરમિયાન એક ચોંકાવનારી હકીકત સામે આવી. મહિલા પહેલેથી જ પરણેલી હતી અને તેને એક બાળક પણ હતું, તેમ છતા તે સામૂહ લગ્ન યોજના હેઠળ તેના દિયર સાથે લગ્ન કરવાની તૈયારીમાં હતી.
જ્યારે અધિકારીઓએ મહિલાને પૂછ્યું કે તે પહેલેથી પરણેલી હોવા છતા બીજા લગ્ન કેવી રીતે કરી શકે છે, ત્યારે મહિલાએ ખૂબ જ સ્પષ્ટતાથી જવાબ આપ્યો. તેણે કહ્યું કે તેને પતિ પસંદ નથી અને તે તેના દીયર સાથે લગ્ન કરવા માંગે છે. તેણે દાવો કર્યો કે ગામમાં પંચાય બેઠી હતી અને પંચોએ તેમના છૂટાછેડા કરાવી આપ્યા છે અને પુરાવા તરીકે પંચાયતનો એક લેખિત નિર્ણય પણ અધિકારીઓ સામે રાખ્યો.
જો કે, આ સમગ્ર ઘટનામાં સૌથી આશ્ચર્યજનક વળાંક ત્યારે આવ્યો જ્યારે તેની સાથે આવેલા પતિએ પણ તેના દાવાને સમર્થન આપ્યું. પતિએ અધિકારીઓ સમક્ષ પત્નીની વાતની પુષ્ટિ કરતા કહ્યું કે તે સાચું કહી રહી છે. તેને હું નહીં, પરંતુ મારો નાનો ભાઈ પસંદ છે. થોડા દિવસો પહેલા જ ગામમાં પંચોની હાજરીમાં આ દંપતીના છૂટાછેડા કરાવવામાં આવ્યા હતા. એટલે કે જે મહિલાને લગ્નમંડપ સુધી પહોંચાડનારો પતિ જ તેની પત્નીના બીજા લગ્નનું સમર્થન કરતો જોવા મળ્યો. પતિ-પત્ની બંનેએ તેમના છૂટાછેડાના આધાર તરીકે ગ્રામ પંચાયતના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ સરકારી નિયમો મુજબ આ દલીલ માન્ય રહી નહીં. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે ગ્રામ પંચાયતનો નિર્ણય અથવા સાદા કાગળ પર લખાયેલો છૂટાછેડાનો કરાર કાયદેસરના છૂટાછેડાનો વિકલ્પ બની શકે નહીં. બીજા લગ્ન કરવા માટે, સૌપ્રથમ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા દ્વારા છૂટાછેડા મેળવવા જરૂરી છે. મહિલા કાયદેસરના છૂટાછેડાના દસ્તાવેજો રજૂ કરી શકી નહીં, તેથી તેની અરજી નામંજૂર કરવામાં આવી.
મુખ્યમંત્રીની સામૂહ લગ્ન યોજના હેઠળ કુલ 220 ઓનલાઇન અરજીઓ મળી હતી. ચકાસણી બાદ 149 યુગલો પાત્ર જણાયા અને 25 ઓક્ટોબરે તેમના લગ્ન સંપન્ન થયા. તો, દસ્તાવેજોમાં ખામીઓ અથવા પાત્રતાના માપદંડોને પૂર્ણ ન કરવાને કારણે કેટલીક અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. આ નામંજૂર થયેલી અરજીઓની સમીક્ષા દરમિયાન જ પતિ, પત્ની અને દિયર સાથે સંકળાયેલો આ અનોખો મામલો સામે આવ્યો હતો.
'આજ તક'ના અહેવાલ મુજબ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી નીલમ ચૌહાણે જણાવ્યું કે સામૂહ લગ્ન યોજના હેઠળ એક મહિલા તરફથી અરજી મળી હતી, જે તેના દિયર સાથે લગ્ન કરવા માંગતી હતી. ચકાસણી પ્રક્રિયા દરમિયાન જાણવા મળ્યું કે મહિલાએ તેના વર્તમાન પતિ સાથે કાયદેસર રીતે છૂટાછેડા લીધા નહોતા. એવામાં, નિયમો અનુસાર તેની અરજી નામંજૂર કરવામાં આવી.

