- National
- અધિકારી પોતાની ઓફિસ સામે 'ભીખ માંગવાનો વાટકો' લઈને બેસી ગયા; કારણ જાણીને તમને ગુસ્સો આવશે
અધિકારી પોતાની ઓફિસ સામે 'ભીખ માંગવાનો વાટકો' લઈને બેસી ગયા; કારણ જાણીને તમને ગુસ્સો આવશે
બિહારના બક્સરની એક મહિલા ગ્રામીણ અધિકારીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે એકલી બેઠેલી જોવા મળે છે, એક બાજુ પાણીની બોટલ અને બીજી બાજુ 'ભીખ માંગવાનો વાટકો' લઈને. આ મહિલાનું નામ અલ્પિતા સિંહ છે. તે બ્રહ્મપુર બ્લોક ઓફિસમાં પોસ્ટેડ છે.
અલ્પિતાનો દાવો છે કે તેને 11 મહિનાની સેવામાં ફક્ત 3 મહિનાનો પગાર મળ્યો છે. 8 મહિનાથી તેનો પગાર તેના ખાતામાં જમા થયો નથી, જેના કારણે તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પરિણામે, તે પોતાની પરિસ્થિતિ દર્શાવવા માટે 'ભીખ માંગવાનો વાટકો' લઈને વિરોધ પ્રદર્શન પર બેઠી હતી. આ મામલો ઓનલાઈન વાયરલ થયો અને બક્સર જિલ્લા વહીવટીતંત્ર સુધી પહોંચ્યો. વહીવટીતંત્રે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) પાસેથી સ્પષ્ટતા માંગી છે.
મીડિયા સુત્રોના અહેવાલ મુજબ, અલ્પિતા બે દિવસથી તેની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન પર બેઠી હતી. તે કહે છે કે તે તેની વિભાગીય જવાબદારીઓ નિભાવી રહી છે, છતાં તેને હજુ સુધી તેનો નિયમિત પગાર મળ્યો નથી.

અલ્પિતાએ જણાવ્યું હતું કે, તેને લગભગ 11 મહિનાની સેવામાંથી ફક્ત 3 મહિનાનો પગાર મળ્યો છે. આના કારણે તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તે વિરોધ પ્રદર્શન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પગારનો મુદ્દો બ્રહ્મપુર બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) અને ગ્રામીણ વિકાસ અધિકારી વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે ઉભો થયો છે.
અધિકારી અલ્પિતાનો ફોટો સોશિયલ મીડિયા પર આવ્યા પછી, જિલ્લા વહીવટીતંત્રે બ્રહ્મપુર BDO પાસેથી સ્પષ્ટતા માંગી હતી, અને સબંધિત કર્મચારીનો પગાર રોકવાના કારણનો ખુલાસો કરવા કહ્યું હતું. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી હતી કે નિર્ધારિત નિયમો અને સક્ષમ અધિકારીની પરવાનગી વિના કોઈપણ કર્મચારીનો પગાર રોકી ન શકાય.
વહીવટીતંત્રે એમ પણ જણાવ્યું હતું કે, આ મામલે જરૂરી વહીવટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, વહીવટીતંત્રે તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી નિયમો અને સ્થાપિત પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. વહીવટીતંત્રે ભાર મૂક્યો હતો કે જનતા અને સરકારી કર્મચારીઓને લગતા મામલાઓનો તાત્કાલિક અને જવાબદારી સાથે ઉકેલ લાવવો જોઈએ.

