- National
- 650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત
650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના પાંડુઆમાં સ્થિત 650 વર્ષ જૂની ઐતિહાસિક 'આદિના મસ્જિદ' અંગે એક નવો વિવાદ ઉભો થયો છે. દક્ષિણપંથી હિન્દુ સંગઠનો અને ભાજપના નેતાઓનો દાવો છે કે, આ મસ્જિદ ભગવાન શિવને સમર્પિત પ્રાચીન 'આદિનાથ મંદિર' તોડીને બનાવવામાં આવી હતી. આ દાવાઓ વચ્ચે 'આદિનાથ પુરાતન શિવ મંદિર' સંગઠને ભાજપ નેતા કાજલ ગોસ્વામીના નેતૃત્વ હેઠળના સોમવારે મસ્જિદની બહાર પૂજા-અર્ચના કરવાનું શરૂ કરવામાં આવી અને ત્યાં 1.5 ટનની શિવલિંગ સ્થાપિત કરવાની યોજના બનાવી.
1373 ADમાં સુલતાન સિકંદર શાહ દ્વારા બાંધવામાં આવેલી આદિના મસ્જિદને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા મધ્યયુગીન ભારતની સૌથી મોટી મસ્જિદ માને છે. જો કે, સ્થળ અંગેના ઐતિહાસિક દાવાઓ વિવાદનો વિષય રહ્યા છે. ભાજપ દ્વારા સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યાના મહિનાઓ પછી, પક્ષના નેતાઓ આ સ્થળ મૂળ મંદિર હોવાના દાવાને મજબૂત કરવા માટે શિવલિંગ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યા છે.
આ બાબતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ASI અને માલદા પોલીસે સુરક્ષા વધારી દીધી છે. ASI અને સ્થાનિક વહીવટીતંત્રએ સ્પષ્ટ ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે રાષ્ટ્રીય મહત્ત્વના આ કેન્દ્રીય રીતે સંરક્ષિત સ્મારકમાં કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ અથવા અનધિકૃત પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં.
હિન્દુ સંગઠનનો દાવો શું છે?
માલદાના પાંડુઆમાં આવેલી આદિના મસ્જિદ 1373માં સિકંદર શાહ દ્વારા બનાવવામાં આવી હતી. હિન્દુ સંગઠનો અને ભાજપનો દાવો છે કે આ મસ્જિદ ભગવાન શિવને સમર્પિત આદિનાથ મંદિરની જગ્યા પર બનાવવામાં આવી હતી. 'આદિનાથ પુરાતન શિવ મંદિર' સંગઠનના મુખ્ય સંરક્ષક અને ઉત્તર બંગાળ માટે ભાજપના 'ગુડ ગવર્નન્સ' વિંગના કન્વીનર કાજલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તથાકથિત મસ્જિદમાં હિન્દુ અને બૌદ્ધ મૂર્તિઓ છે. આ આદિનાથ મંદિર તોડી પાડ્યા પછી મસ્જિદ બનાવવામાં આવી હતી. અમારો ઉદ્દેશ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરીને ત્યાં શિવલિંગ સ્થાપિત કરવાનો છે. 289 કિલોમીટર દૂર આવેલા તારકેશ્વરથી 3.6 ફૂટ ઊંચું અને 1.5 ટન વજન ધરાવતું શિવલિંગ મસ્જિદની નજીક સ્થાપિત કરવા માટે લાવવામાં આવશે.
સંગઠનનો દાવો છે કે, આ મસ્જિદમાં શિવલિંગ ઉપરાંત અનેક હિન્દુ અને બૌદ્ધ પ્રતીકો ઉપસ્થિત છે અને તેમનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં આ બાબતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નો અહેવાલ માંગવા માટે કોલકાત્તા હાઇકોર્ટનો દરવાજો ખખડાવશે.
માલદા પોલીસે એક એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું હતું કે, કેટલાક લોકો સ્મારક જઇને પૂજા-અર્ચના અને અન્ય ધાર્મિક અનુષ્ઠાન કરવાની વાત કરી રહ્યા છે. સામાન્ય જનતાને જાણ કરવામાં આવે છે કે આદિના સ્મારક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ રાષ્ટ્રીય મહત્ત્વનું કેન્દ્રિય સંરક્ષિત સ્મારક છે અને પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 1958 (AMASR એક્ટ)ની જોગવાઈઓને આધીન છે. સંરક્ષિત સ્મારકના પરિસરમાં કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન અથવા અન્ય અનધિકૃત પ્રવૃત્તિઓની મંજૂરી નથી. જો કોઇ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

