- National
- 20 વર્ષ પછી મુંબઈમાં ઠાકરે બંધુ એક મંચ પર, ઉદ્ધવે કહ્યું- ...તો હા, અમે ગુંડા છીએ, શું છે બંનેનો પ્લ...
20 વર્ષ પછી મુંબઈમાં ઠાકરે બંધુ એક મંચ પર, ઉદ્ધવે કહ્યું- ...તો હા, અમે ગુંડા છીએ, શું છે બંનેનો પ્લાન

મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારનો દિવસ ખૂબ જ મહત્વનો હતો. શિવસેના UBT અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈના વર્લીમાં NSCI ડોમ ખાતે સંયુક્ત રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીને 'મરાઠી વિજય રેલી' નામ આપવામાં આવ્યું હતું. જેના વિશે લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી તે ચિત્ર આજે ત્યારે જોવા મળ્યું, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર સાથે જોવા મળ્યા, તે પણ તેમના પરિવારો સાથે. લગભગ 20 વર્ષ પછી, બંને ભાઈઓએ સ્ટેજ શેર કર્યું છે. આ ઐતિહાસિક સભાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પરિવર્તનની અટકળો છે. આ સંયુક્ત જાહેર સભામાં મરાઠી ઓળખની શક્તિ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આખું મેદાન હજારો લોકોની ભીડથી ગુંજી ઉઠ્યું. રાજ ઠાકરેએ મરાઠી ઓળખના નામે જોરદાર પડકાર ફેંક્યો હતો.
રાજ ઠાકરે તેમની પત્ની શર્મિલા અને પુત્ર અમિત, પુત્રી ઉર્વશી સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ ઉદ્ધવ તેમની પત્ની રશ્મિ અને પુત્રો આદિત્ય અને તેજસ સાથે સ્થળ પર પહોંચ્યા.

આ દરમિયાન રાજ ઠાકરેએ સૌપ્રથમ સંબોધન કર્યું અને કહ્યું, 'મેં મારા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ અને લડાઈ કરતાં મોટું છે. આજે, 20 વર્ષ પછી, ઉદ્ધવ અને હું એક થયા છીએ. જે બાલા સાહેબ ઠાકરે કે બીજું કોઈ ન કરી શક્યું, તે CM દેવેન્દ્ર ફડણવીસે કરી બતાવ્યું છે અને અમને એક કરી દીધા.'
જાહેર સભાને સંબોધતા રાજ ઠાકરેએ BJPને પડકાર ફેંકતા કહ્યું, 'તમને આ ત્રિભાષી ફોર્મ્યુલા ક્યાંથી મળી? શું તમે નાના બાળકોને તે કરવા માટે દબાણ કરશો? કોઈ મહારાષ્ટ્ર તરફ વાંકી નજર કરીને નહીં જુએ. હિન્દી એક સારી ભાષા છે, બધી ભાષાઓ સારી છે. જો કોઈનામાં હિંમત હોય, તો તે મુંબઈ પર હાથ લગાવીને તો જુએ.'
તેમને આગળ કહ્યું કે, 'હવે આ લોકો જાતિગત રાજકારણ શરૂ કરશે. તેઓ તમને જાતિના આધારે વિભાજીત કરશે. તેઓ તમને મરાઠી ભાષા માટે એક થવા દેશે નહીં. જો કોઈને માર મારવામાં આવે અને તે કોઈ ગુજરાતી નીકળે તો શું કરીએ? તમે મરાઠી માનુષ તરીકે સાથે ભેગા થયા છો, પરંતુ હવે તેઓ જાતિઓમાં વિભાજીત કરવાનો પ્રયાસ કરશે. આ તેમની માનસિકતા છે. મીરા રોડ પર એક માણસે એક ગુજરાતીને થપ્પડ મારી... પણ શું કોઈના કપાળ પર લખ્યું હતું કે તે ગુજરાતી હતો? તે બે લોકો વચ્ચેના ઝઘડાનો મામલો હતો. પરંતુ જો તેઓ બીજી વખત ભૂલ કરશે, તો અમે થપ્પડ મારીશું, પરંતુ કારણ વગર કોઈને સ્પર્શ પણ નહીં કરીએ.'

તેમને કહ્યું, બિન-હિન્દી રાજ્યો વધુ પ્રગતિશીલ છે અને આપણે હિન્દી શીખવું જોઈએ? આપણે કોના માટે મરાઠી શીખવું જોઈએ? મને હિન્દી માટે ખરાબ લાગતું નથી, કોઈપણ ભાષા સારી છે. મરાઠી, તમિલ, બંગાળી, હિન્દી. ભાષા બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે. અમિત શાહે કહ્યું કે જે અંગ્રેજી જાણે છે તેને શરમ આવશે, તે તમારી સમસ્યા હશે. અમે આ પ્રદેશ પર 125 વર્ષ શાસન કર્યું, શું અમે તમારી પર મરાઠી લાદી? અમે અટકી ગયા, શું અમે લાદી? હિન્દી 200 વર્ષ જૂની છે. તેઓએ બસ અમારી કસોટી કરી.
દક્ષિણમાં, સ્ટાલિન, કાનમોઝી, જયલલિતા, નારા લોકેશ, આર રહેમાન, સૂર્યા, બધાએ અંગ્રેજીમાં અભ્યાસ કર્યો છે? જ્યારે એક વક્તા હિન્દીમાં બોલવાનું શરૂ કર્યું ત્યારે રહેમાન ડાયસ છોડી ગયા. બાળાસાહેબ અને મારા પિતા શ્રીકાંત ઠાકરેએ અંગ્રેજીમાં અભ્યાસ કર્યો છે, પરંતુ તેઓ માતૃભાષા મરાઠી પ્રત્યે ખૂબ સંવેદનશીલ હતા. બાળાસાહેબ ઠાકરેએ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમણે મરાઠી ભાષા સાથે સમાધાન કર્યું ન હતું. કોઈએ મરાઠીને નીચું ન જોવું જોઈએ.

જ્યારે આપણા બાળકો અંગ્રેજી માધ્યમમાં જાય છે, ત્યારે આપણી મરાઠી પર સવાલ ઉઠાવવામાં આવે છે, લાલકૃષ્ણ અડવાણીએ મિશનરી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, શું તેમના હિન્દુત્વ પર સવાલ ઉઠાવવા જોઈએ? આપણે હિન્દી લાદવાનું સહન નહીં કરીએ. તેઓ ફક્ત મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે, તે તેમનો એજન્ડા છે. પરંતુ જો તેઓ આવું કરવાની હિંમત કરે... તો તેઓને મરાઠી માનુષની શક્તિનો અંદાજ આવી જશે. તેઓ મુદ્દાને ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે. હવે તેઓ એ મુદ્દો ઉઠાવી રહ્યા છે કે ઠાકરેના બાળકોએ અંગ્રેજીમાં અભ્યાસ કર્યો છે. આ શું બકવાસ છે? ઘણા BJPના નેતાઓએ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો છે... પરંતુ કોઈને તેમના હિન્દુત્વ પર શંકા નથી.
રેલીને સંબોધતા ઉદ્ધવે કહ્યું કે અમે (રાજ ઠાકરે) સાથે રહેવા માટે ભેગા થયા છીએ. અમે સાથે છીએ, આ મહત્વપૂર્ણ છે. અમારી અને રાજ વચ્ચે જે મતભેદ હતો તે કેટલાક લોકોએ દૂર કરી દીધો છે. મરાઠીનું અપમાન સહન કરવામાં આવશે નહીં.

અમે (હું અને રાજ) સાથે રહીશું. અમે સાથે રહેવા માટે ભેગા થયા છીએ. તેમણે ઉપયોગ કરો અને ફેંકી દેવાની નીતિ શરૂ કરી છે. હવે અમે તમને બહાર કાઢીશું. તમે બધાની શાળા શોધી રહ્યા છો. PM મોદી કઈ શાળામાં જાય છે? હિન્દુત્વ એકાધિકાર નથી. આપણે સૌ મૂળથી હિન્દુ છીએ. તમારે અમને હિન્દુ ધર્મ શીખવવાની જરૂર નથી. મુંબઈમાં 92ના રમખાણોમાં, મરાઠી લોકોએ ગુજરાતીઓને બચાવ્યા હતા. CM ફડણવીસે કહ્યું હતું કે, તેઓ ગુંડાગીરી સહન કરશે નહીં. પરંતુ જો કોઈની ભાષા માટે લડવું ગુંડાગીરી છે, તો હા, અમે ગુંડા છીએ.
હવે તેઓ પૂછી રહ્યા છે કે શું આપણે મરાઠી નથી? હવે આપણે મરાઠી છીએ તે સાબિત કરવા માટે રક્ત પરીક્ષણ કરાવવું પડશે? આપણે મુંબઈ મેળવ્યું, આપણે તેના માટે લડ્યા, તે સમયના રાજકારણીઓ મહારાષ્ટ્રમાં મરાઠીઓ ઇચ્છતા ન હતા. હવે કેન્દ્ર સરકાર કહે છે-હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાન. આપણે હિન્દુ અને હિન્દુસ્તાન સ્વીકારીએ છીએ, પણ હિન્દી નહીં. હિન્દી લાદવાનું સહન કરવામાં આવશે નહીં. તમારી સાત પેઢીઓ સમાપ્ત થઈ જશે, પરંતુ અમે આ થવા દઈશું નહીં.

અમે હનુમાન ચાલીસા, જય શ્રી રામની વિરુદ્ધ નથી, પરંતુ મરાઠીઓ સાથે તમને શું સમસ્યા છે? મુંબઈની મોટાભાગની જમીન અદાણી દ્વારા પડાવી લેવામાં આવી છે. અમને શરમ આવવી જોઈએ કે અમારા શહીદોએ મુંબઈ માટે પોતાનું લોહી વહેવડાવ્યું અને અમે અમારી જમીન પણ બચાવી શક્યા નહીં. મુંબઈની મોટાભાગની જમીન હવે અદાણી પાસે જશે.
આટલા વર્ષો પછી, રાજ અને હું સ્ટેજ પર મળ્યા છીએ. તેમણે મને આદરણીય ઉદ્ધવ ઠાકરે કહ્યું, તેથી તેમને તે જ રીતે બોલાવવાની મારી ફરજ છે. રાજે ખૂબ સારી વાત કરી છે, તેથી મને નથી લાગતું કે મારે વધુ બોલવાની જરૂર છે. અમારા ભાષણો કરતાં એક થવું મહત્વપૂર્ણ છે. અમે સાથે રહેવા માટે ભેગા થયા છીએ.