- National
- પેટ્રોલ-ડીઝલ અને CNG બાદ હવે લાગશે મોંઘી વીજળીનો ઝટકો? ફિક્સ્ડ ચાર્જ વધી શકે છે
પેટ્રોલ-ડીઝલ અને CNG બાદ હવે લાગશે મોંઘી વીજળીનો ઝટકો? ફિક્સ્ડ ચાર્જ વધી શકે છે
CNG અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં તાજેતરના વધારા બાદ, સામાન્ય નાગરિકોને હવે વીજળી બિલના મોરચે વધુ એક ઝટકો લાગી શકે છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA)એ ફિક્સ્ડ માસિક વીજળી ચાર્જ વધારવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેથી ઓછી વીજ વપરાશ કરનારા ગ્રાહકોના પણ વધુ બિલ લાવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્રસ્તાવ વીજ વિતરણ કંપનીઓ (DISCOMs)ને તેમના વધતા ખર્ચની ભરપાઇ કરવા માટે રજૂ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મોટી સંખ્યામાં ગ્રાહકો રૂફટોપ સોલાર સિસ્ટમ અપનાવી રહ્યા છે, અને ઘણા ઉદ્યોગો કેપ્ટિવ પાવર જનરેશન તરફ આગળ વધી રહ્યા છે; જેથી, DISCOMsની આવક પ્રભાવિત થઇ રહી છે.
જો આ દરખાસ્ત અમલમાં મૂકવામાં આવે છે, તો વીજ બિલનો મોટો હિસ્સો ફિક્સ્ડ ચાર્જના રૂપમાં લેવામાં આવશે. આનો અર્થ એ થાય છે કે ગ્રાહકોએ દર મહિને વધુ રકમ ચૂકવવી પડી શકે છે, પછી ભલે તેમનો વાસ્તવિક વીજ વપરાશ ઓછો હોય. CEAનું કહેવું છે કે, હાલમાં DISCOMs તેના ખર્ચનો મોટો ભાગ પ્રતિ યુનિટ વીજ દરોથી વસૂલે છે, જ્યારે ફિક્સ્ડ માસિક ચાર્જમાંથી ઉત્પન્ન થતી આવક પ્રમાણમાં ખૂબ ઓછી છે. એવામાં, જ્યારે પણ વીજ વપરાશ ઘટે છે, ત્યારે કંપનીઓની કુલ આવકને નુકસાન થાય છે.
રિપોર્ટ મુજબ, ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કર્મચારીઓના પગાર, નેટવર્ક મેન્ટેનેન્સ અને વીજ ઉત્પાદન કંપનીઓને ચૂકવણી જેવા ખર્ચ કુલ ઓપરેશનલ ખર્ચના આશરે 38% થી 56% જેટલો હિસ્સો ધરાવે છે. જો કે, ખાસ કરીને ફિક્સ્ડ ચાર્જમાંથી ઉત્પન્ન થતી આવક ફક્ત 9% થી 20% વચ્ચે છે. CEAએ એમ પણ કહ્યું કે ઔદ્યોગ અને ઉચ્ચ આવક વર્ગના ગ્રાહકો રૂફટોપ સોલાર, ઓપન એક્સેસ અને કેપ્ટિવ પાવર સિસ્ટમ્સ અપનાવવા છતા બેકઅપ હેતુઓ માટે મુખ્ય વીજળી ગ્રીડ પર આધાર રાખે છે, પરંતુ DISCOMs પાસેથી ખૂબ ઓછી વીજળી ખરીદે છે. આનાથી વીજળી વિતરણ કંપનીઓની કમાણીમાં ઘટી રહી છે.
આ સમસ્યા ઉકેલવા માટે, CEAએ તબક્કાવાર અને સંતુલિત રીતે ફિક્સ્ડ ચાર્જ વધારવાની ભલામણ કરી છે. દરખાસ્ત મુજબ, ઘરેલુ અને કૃષિ ગ્રાહકો માટે ફિક્સ્ડ ચાર્જ કુલ ઓપરેશનલ ખર્ચના 25% સુધી વધારી શકાય છે. તો, ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકો માટે, આ હિસ્સો 2030 સુધીમાં 100% સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત રૂપફટોપ સોલર અ નેટ મીટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરનારા ઉપભોક્તાઓ માટે અલગ ટેરિફ વ્યવસ્થા લાગૂ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.

