- National
- બંગાળની સત્તામાં પછડાટ ખાધા પછી, TMCની ટીમ વિખેરાવા લાગી! મમતા બેનર્જી પર ઉગ્ર નિવેદનબાજી થવા લાગી
બંગાળની સત્તામાં પછડાટ ખાધા પછી, TMCની ટીમ વિખેરાવા લાગી! મમતા બેનર્જી પર ઉગ્ર નિવેદનબાજી થવા લાગી
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા પછી, પાર્ટીના ઘણા નેતાઓએ મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. શનિવારે, પાર્ટીએ આવા નિવેદનો સામે કાર્યવાહી કરી, 3 પ્રવક્તાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા, અને અન્ય ઘણા નેતાઓને કારણ બતાવો નોટિસ મોકલી આપી છે. જોકે, અસંતોષનો અવાજ હજુ પણ શાંત થયો નથી.

તૃણમૂલ કોંગ્રેસના હાંકી કાઢવામાં આવેલા નેતાઓમાં સૌથી અગ્રણી ભૂતપૂર્વ પ્રવક્તા રિજુ દત્તા છે, જે ઘણીવાર TV ચર્ચાઓમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળતા હતા. ચૂંટણી દરમિયાન, IPS અધિકારી અજય પાલ શર્મા અંગે રિજુ દત્તાનો એક અપમાનજનક વીડિયો વાયરલ થયો હતો. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી, રિજુએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં CM શુભેન્દુ અધિકારી અને અન્ય BJP નેતાઓની ભૂતકાળના અપમાનજનક વર્તન બદલ માફી માંગી. તેમણે દાવો કર્યો કે જ્યારે અધિકારી વિપક્ષના નેતા હતા, ત્યારે તેમના પર TMCની અંદરથી આવા નિવેદનો આપવા માટે ભારે દબાણ અને ધમકીઓ હતી. દત્તાએ તેમને સુરક્ષા અને સમર્થન આપવા બદલ BJPની પણ પ્રશંસા કરી. TMCએ દત્તાને શિસ્ત સમિતિ સમક્ષ હાજર થવા કહ્યું હતું, પરંતુ તેઓ હાજર ન થયા.

રિજુએ તાજેતરમાં જ હાર માટે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને દોષી ઠેરવતા કહ્યું હતું કે, આ નેતાઓએ પાર્ટીના સમગ્ર સંગઠન કરતાં ખાનગી કંપની (I-PAC)ને પ્રાથમિકતા આપી હતી. તેમણે શુભેન્દુ અધિકારીની પણ પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમણે માત્ર બે દિવસમાં લગભગ 5,000 TMC કાર્યકરોના જીવ બચાવ્યા છે. રિજુએ કહ્યું, 'સુવેન્દુ અધિકારી બે દિવસથી CM છે, છતાં તેમણે લગભગ 5,000 TMC કાર્યકરોના જીવ બચાવ્યા છે. તેમના અંગત સહાયકની 6 મેના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જો CM શુભેન્દુએ કહ્યું હોત કે તેઓ બદલો લેવા માંગે છે, તો તે રાત્રે લગભગ 5,000 TMC કાર્યકરો માર્યા ગયા હોત. પરંતુ CM શુભેન્દુએ એવું ન કર્યું. તેમણે કહ્યું કે, કોઈએ કાયદો પોતાના હાથમાં લેવાની જરૂર નથી. દરેક વ્યક્તિએ શાંતિ જાળવી રાખવી જોઈએ. હું આ માટે તેમનો આદર કરું છું.'
https://twitter.com/ANI/status/2053414889339940945

રિજુ પહેલા, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને મમતા બેનર્જી સરકારમાં ભૂતપૂર્વ મંત્રી મનોજ તિવારીએ પણ મમતા બેનર્જી વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, પાર્ટીએ ટિકિટના બદલામાં બધા ધારાસભ્યો પાસેથી 5 કરોડ રૂપિયા માંગ્યા હતા. જ્યારે તેમણે ના પાડી, ત્યારે પાર્ટીએ તેમની ટિકિટ રદ કરી હતી. એટલું જ નહીં, તિવારીએ દાવો કર્યો હતો કે, તેમના કાર્યકાળ દરમિયાન, TMC નેતા અરૂપ બિશ્વાસ દ્વારા તેમને કોઈપણ કામ કરતા અટકાવવામાં આવ્યા હતા. એકવાર, જ્યારે તેઓ તેમના મતવિસ્તાર વિશે ચર્ચા કરવા માટે મમતા બેનર્જીનો સંપર્ક કરવા ગયા, ત્યારે તેમણે તેમને ખખડાવી નાંખ્યા હતા.

રિજુ અને મનોજ તિવારી ઉપરાંત, TMC પ્રવક્તા કોહિનૂર મજુમદાર અને કાર્તિક ઘોષને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. કોહિનૂરએ ચૂંટણીમાં હાર માટે પાર્ટીના ટોચના નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમને પાર્ટીના નેતાઓ અને અભિષેક બેનર્જીને મળવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. આ નેતાઓ ઉપરાંત, કૃષ્ણેન્દુ નારાયણ ચૌધરી અને પાપિયા ઘોષે પણ ખુલ્લેઆમ અભિષેક બેનર્જી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ત્યારપછી, આ નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

