- National
- દેશના તમામ એસોસિએશન્સમાં સૌથી વધુ સેવાનું યોગદાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું રહ્યું છે
દેશના તમામ એસોસિએશન્સમાં સૌથી વધુ સેવાનું યોગદાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું રહ્યું છે
(ઉત્કર્ષ પટેલ)
આજે જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) પોતાની સદી પૂરી કરી રહી છે ત્યારે આ વાક્ય માત્ર એક પ્રશંસા નથી પરંતુ એક સત્ય છે જે દેશના કરોડો લોકોના હૃદયમાં ઊંડે ઊતરી ગયું છે. 1928માં સ્થાપિત આ સંસ્થાએ માત્ર તબીબી વ્યવસાયને મજબૂત બનાવ્યો નથી પરંતુ રાષ્ટ્રની સેવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. અમદાવાદમાં યોજાયેલી 100મી ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સ (IMA NATCON 2025)માં ગૃહમંત્રી અમિત શાહે જ્યારે આ વાત કહી ત્યારે દરેક ડોક્ટરના હૃદયમાં ગર્વની લાગણી જાગી ઉઠી.
IMAનું યોગદાન અપાર છે. સ્વતંત્રતા સંગ્રામના દિવસોથી લઈને આજના વિકસિત ભારતના સ્વપ્ન સુધી આ સંસ્થાએ હંમેશા રાષ્ટ્રને પ્રાથમિકતા આપી છે. કોવિડ-19ની મહામારીમાં જ્યારે આખું વિશ્વ થંભી ગયું હતું ત્યારે ભારતના ડોક્ટરોએ પોતાના પરિવારને પણ ભૂલીને દર્દીઓની સેવા કરી. હજારો ડોક્ટરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું પરંતુ એક પણ દર્દીને અસહાય ન છોડ્યો. ગૃહમંત્રી અમિત શાહે પોતાના કોવિડના અનુભવને યાદ કરીને કહ્યું કે વિશ્વમાં આવું બીજું કોઈ ઉદાહરણ નથી. આ સમર્પણ જ IMAની વાસ્તવિક શક્તિ છે.

આજે દેશ મલેરિયા જેવી બીમારીઓમાં 97% ઘટાડો કરીને રોગમુક્ત બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. યોગ કરવામાં 40% વધારો, સ્વચ્છ ભારતથી સ્વાસ્થ્ય સુધારો... આ તમામ સિદ્ધિઓમાં IMAના સભ્યોનું યોગદાન અમૂલ્ય છે. હવે સમય છે કે આપણે બીમારીની સારવારથી આગળ વધીને પ્રિવેન્ટિવ હેલ્થકેર તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ. સસ્તી, સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા દરેક નાગરિકને મળે એ જ વિકસિત ભારત 2047નું સ્વપ્ન છે.
IMAના દરેક સભ્યને અપીલ છે આ સદીના પ્રારંભમાં નવું સંકલ્પ લો. રાષ્ટ્ર પ્રથમ, દર્દી પ્રથમ! તમારા સમર્પણથી જ ભારત વિશ્વનું સ્વાસ્થ્ય ગુરુ બનશે. તમે ન માત્ર ડોક્ટર છો તમે રાષ્ટ્રના સેવક છો. તમારી સેવા દેશને અમર બનાવે છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

