- National
- 'શરીરમાંથી મગજ, હૃદય, ફેફસા બધા અંગ ગાયબ,' વેનેઝુએલામાં મૃત્યુ પામેલા રાકેશ અંગ ક્યાં ગયા?
'શરીરમાંથી મગજ, હૃદય, ફેફસા બધા અંગ ગાયબ,' વેનેઝુએલામાં મૃત્યુ પામેલા રાકેશ અંગ ક્યાં ગયા?
મે 2026માં, જ્યારે વેનેઝુએલાથી સમાચાર આવ્યા કે 33 વર્ષીય ભારતીય નાવિક રાકેશ ચૌહાણનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે, ત્યારે પરિવાર ખૂબ જ શોકમાં ડૂબી ગયો હતો. પરંતુ અસલી ભયાનક હકીકત લગભગ એક મહિના પછી બહાર આવી, જ્યારે રાકેશનો મૃતદેહ તેના પિતાના ઘરે પહોંચ્યો. મૃતદેહ જોઈને જ એક એવું રહસ્ય ઉભું થયું જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો.
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના લગડા બજાર ટોલાના રહેવાસી રાકેશ ચૌહાણ નવેમ્બર 2025માં મર્ચન્ટ નેવી જહાજમાં નોકરી માટે વેનેઝુએલા ગયા હતા. તેને 'એક્સફિનિટી' નામની કંપની દ્વારા મોકલવામાં આવ્યો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ મે મહિનામાં, અચાનક કંપની તરફથી ખબર આવી કે, રાકેશ હવે જીવિત નથી રહ્યો.
રિપોર્ટમાં જણાવાયું હતું કે, વેનેઝુએલાની સરકાર અને કંપનીએ જણાવ્યું હતું કે, રાકેશનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. મૃતદેહ લગભગ એક મહિના સુધી ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો અને 4 જૂને દેવરિયા મોકલવામાં આવ્યો હતો. વેનેઝુએલાના અધિકારીઓએ ન તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોકલ્યો કે ન તો મૃત્યુનું ચોક્કસ કારણ જાહેર કર્યું.
જ્યારે પરિવારને શંકા ગઈ, ત્યારે તેમણે બીજા પોસ્ટમોર્ટમની માંગ કરી. જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર ઉત્તર પ્રદેશના ડોકટરોની એક ટીમે રાકેશના શરીરની તપાસ કરી, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા.
શરીરની અંદરનું સત્ય કોઈ હોરર ફિલ્મ જેવું હતું, રાકેશના શરીરમાં એક પણ મુખ્ય અંગ હતું જ નહીં.
ડોકટરોએ શોધી કાઢ્યું કે, રાકેશનું મગજ, હૃદય, બંને ફેફસાં, લીવર, કિડની, બરોળ, સ્વાદુપિંડ, પેટ અને આંતરડા, આ બધું જ ગાયબ હતું. ગળાના ભાગોમાં, જેમ કે થાઇરોઇડ, સ્વર પેટી અને શ્વાસનળી પણ શરીરમાં ન હતી. શરીરમાં માથાથી ગરદન સુધી અને છાતીથી પેટ સુધી ડઝનબંધ ટાંકા લગાવેલા હતા, જે દર્શાવે છે કે એક મોટી સર્જિકલ પ્રક્રિયા પહેલાથી જ થઈ ચૂકી છે. શરીરમા અંગો ન હોવાને કારણે, ભારતીય ડોકટરો મૃત્યુનું અસલી કારણ બતાવી શક્ય ન હતા.
https://twitter.com/FSUIINDIA/status/2072165260795007140
રાકેશના પિતા, રામદેવ ચૌહાણ અને તેમના પરિવારનો આરોપ છે કે, તેમને શરૂઆતથી જ અંધારામાં રાખવામાં આવ્યા હતા. કંપનીના અધિકારીઓએ શરૂઆતમાં તેમને ફોન પર જાણ કરી હતી કે રાકેશ જહાજ પરથી પડી ગયો છે, તેને ઈજા થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે. બીજા દિવસે સવારે આવેલા બીજી વખતના ફોન પર જણાવવામાં આવ્યું હતું કે, રાકેશના બચવાની શક્યતા માત્ર 5 ટકા છે. સાંજ સુધીમાં ત્રીજો ફોન આવ્યો, તેમાં મૃત્યુની વાત કહેવામાં આવી હતી. જ્યારે પરિવારે મૃત્યુનું કારણ પૂછ્યું, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેનું મૃત્યુ પડવાના કારણે થયેલી ઇજાઓને લીધે થયું છે.
જોકે, આખી વાર્તા કાગળ પર બદલાઈ ગઈ હતી, અને ત્યાર પછી કહેવામાં આવ્યું હતું કે મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું છે.
પરિવાર ઊંડા આઘાતમાં છે અને સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે. તેમનો સૌથી સીધો સવાલ એ છે કે, જો મૃત્યુ કુદરતી હતું, તો તેમના પુત્રના બધા અંગો ક્યાં ગયા?
ભારતીય નાવિકોના અધિકારોની હિમાયત કરતી સંસ્થા, FSUIએ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો છે અને તેને અત્યંત ગંભીર ગણાવ્યો છે. યુનિયનનું કહેવું છે કે, વિદેશમાં નોકરી માટે જતા ભારતીય કામદારોને આ રીતે 'બલિનો બકરો' બનવાની મંજૂરી આપી શકાશે નહીં.
યુનિયનએ માંગ કરી છે કે, વેનેઝુએલાની સરકાર આ મામલે સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરે. વેનેઝુએલામાં ભારતીય દૂતાવાસે તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ. પીડિત પરિવારને પૂરું વળતર અને ન્યાય મળવો જોઈએ.
તબીબી વિજ્ઞાન મુજબ, જ્યારે કોઈ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામે છે, ત્યારે મૃત્યુના ચોક્કસ કારણ (જેમ કે ઝેર અથવા રોગનું કારણ જાણવા) માટે પોસ્ટમોર્ટમ દરમિયાન હૃદય, કિડની અથવા પેટના ભાગોના નમૂનાઓ પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવે છે.
પરંતુ, રાકેશના કિસ્સામાં, ડોકટરો કહે છે કે નમૂનાના નામે શરીરના કોઈ ભાગમાંથી અમુક હિસ્સો અથવા ભાગનો અડધો હિસ્સો દૂર કરવો એ એક અલગ વાત છે, પરંતુ શરીરના અંદરના બધા જ મુખ્ય ભાગોને પુરી રીતે કાઢી નાખવા અને તેની જાણ પણ ન કરવી એ ખૂબ જ શંકાસ્પદ છે. આની અંદર આ અંગોની ચોરી અથવા કોઈ મોટા ગુનાને છુપાવવાની ગંધ આવે છે.
હાલ માટે, આ ઘટનાએ વિદેશમાં કામ કરતા લાખો ભારતીય કામદારોની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આજે, દેવરિયાનો એક ગરીબ પરિવાર તેમના પુત્રના મૃત્યુના દુઃખ અને તેમના પ્રિય પુત્રનો મૃતદેહ પણ સલામત રીતે આખો ન મળ્યો તે ખતરનાક સચ્ચાઈ સાથે ઝઝૂમી રહ્યો છે.

