- National
- મોદી સરકારે આ દવા પર મૂકી દીધો પ્રતિબંધ, કહ્યું- સ્વાસ્થ્ય માટે જોખમી છે
મોદી સરકારે આ દવા પર મૂકી દીધો પ્રતિબંધ, કહ્યું- સ્વાસ્થ્ય માટે જોખમી છે
કેન્દ્ર સરકારે પેઇનકિલર નાઇમેસુલાઇડ (Nimesulide)ને લઇને એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે 100 mgથી વધુ નાઇમેસુલાઇડની ઓરલ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26A હેઠળ લેવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, આટલી મોટી માત્રામાં આ દવા માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે અને બજારમાં સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે.
પ્રતિબંધ શા માટે લગાવવામાં આવ્યો?
આરોગ્ય મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, 100mgથી વધુ માત્રાવાળી નાઇમેસુલાઇડ દવા માનવો માટે જોખમ ઊભું કરી શકે છે. તે એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા (NSAID) છે જેની લીવર પર સંભવિત ટોક્સિસિટી અને અન્ય આડઅસરને લઈને વિશ્વભરમાં તપાસ કરવામાં આવી રહી છે. સરકારે ડ્રગ્સ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ પાસેથી સલાહ લીધા બાદ આ નિર્ણય લીધો છે. આદેશ અનુસાર, આ પ્રતિબંધ સમગ્ર દેશમાં તાત્કાલિક અસરથી લાગૂ થશે. ઓછા ડોઝવાળી દવાઓ અને અન્ય સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ રહેશે.
આરોગ્ય મંત્રાલયના એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 100mgથી વધુ નાઇમેસુલાઇડવાળા બધા ઓરલ ફોર્મ્યૂલેશન, જે તાત્કાલિક રીલિઝ થતા ડોઝના સ્વરૂપમાં હોય છે, તે માનવો માટે જોખમ ઊભું કરી શકે છે અને તેના સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે જનહિતમાં આ પગલું લેવામાં આવ્યું છે, જેથી લોકોના સ્વાસ્થ્ય માટે કોઈ જોખમ ન રહે.
નાઇમેસુલાઇડ અંગે લાંબા સમયથી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 2011 માં આરોગ્ય મંત્રાલયે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં નાઇમેસુલાઇડના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ, જાન્યુઆરી 2025માં સરકારે પ્રાણીઓ માટે નાઇમેસુલાઇડની તમામ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. બજાર સાથે જોડાયેલા આંકડા અનુસાર, ભારતમાં નાઇમેસુલાઇડ બજાર લગભગ 497 કરોડનું છે અને છેલ્લા 12 મહિનામાં તેમાં 11 ટકાનો વધારો થયો છે. આ આંકડા બજાર રિસર્ચ ફર્મ ફાર્માટ્રેકના છે.
નાઇમેસુલાઇડ, એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા છે, જેની લિવર પર સંભવિત ટોક્સિસિટી અને અન્ય પ્રતિકૂળ અસરો માટે વૈશ્વિકભરમાં તપાસ કરવામાં આવી રહી છે, અને આ પગલું સલામતી ધોરણોને કડક બનાવવા અને ધીમે-ધીમે ઉચ્ચ જોખમોવાળી દવાઓને દૂર કરવાના પ્રયાસોનો એક ભાગ છે.
નાઇમેસુલાઇડ બ્રાન્ડનું માર્કેટિંગ કરનારી કંપનીઓએ ઉત્પાદન બંધ કરવું પડશે અને પ્રભાવિત બેચોને પાછા મંગાવવા પડશે. વિશ્લેષકોનો અંદાજ છે કે મોટી કંપનીઓ પર નાણાકીય અસર મર્યાદિત રહેશે, કારણ કે નાઇમેસુલાઇડ કુલ NSAID વેચાણનો એક નાનો હિસ્સો છે. જો કે, નાની કંપનીઓને આવક પર દબાણનો સામનો કરવો પડી શકે છે. સરકારે અગાઉ સેક્શન 26A હેઠળ ઘણી હાઇ રિસ્ક દવાઓ અને ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ લગાવ્યો છે.

