- National
- સરકારનો મોટો નિર્ણય: જ્યાં PNG પાઈપલાઈન હશે ત્યાં 3 મહિનામાં LPG સિલિન્ડર કનેક્શન કાપી નાખવામાં આવશે...
સરકારનો મોટો નિર્ણય: જ્યાં PNG પાઈપલાઈન હશે ત્યાં 3 મહિનામાં LPG સિલિન્ડર કનેક્શન કાપી નાખવામાં આવશે
દેશમાં ગેસ નેટવર્કનો વ્યાપ વધારવા અને ઇંધણ માટે એક જ સ્ત્રોત પરની નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્ર સરકારે એક પોલિસી જાહેર કરી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ઓઈલ સપ્લાયમાં અવરોધ વચ્ચે, સરકારે હવે જે વિસ્તારોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં LPG (સિલિન્ડર) નો સપ્લાય બંધ કરવાનો નિર્ણય લીધો છે.

નવી પોલિસીનું માળખું
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા 'નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર, 2026' સૂચિત કરવામાં આવ્યો છે. આ આદેશ 'આવશ્યક વસ્તુ ધારા' (Essential Commodities Act) હેઠળ બહાર પાડવામાં આવ્યો છે. ઓઈલ સેક્રેટરી નીરજ મિત્તલે આ સુધારાને "આફતને અવસરમાં બદલવા" સમાન ગણાવ્યો છે.
ગ્રાહકો માટે મહત્વના નિયમો
- જે સરનામે PNG કનેક્શન મળી શકે તેમ હોય અને ઓથોરાઈઝ્ડ એજન્સી દ્વારા જાણ કરવામાં આવી હોય, તેવા ઘરોએ ફરજિયાત PNG લેવું પડશે. સૂચના મળ્યાના ત્રણ મહિના બાદ તે સરનામે LPG નો પુરવઠો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે.
- ઉદ્દેશ્ય: આ પોલિસીનો હેતુ તે વિસ્તારોમાં LPG ડાયવર્ટ કરવાનો છે જ્યાં હજુ સુધી પાઈપલાઈન પહોંચી નથી. ગલ્ફ દેશોમાં લિક્વિફેક્શન સુવિધાઓને નુકસાન અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રતિબંધોને કારણે સર્જાયેલી એનર્જી કટોકટીમાં આ નિર્ણય મહત્વનો સાબિત થશે.

સત્તાધિકારીઓ અને ઓપરેટરો માટે કડક સમયમર્યાદા
સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી તૈયાર કરવા માટે સમયમર્યાદા નક્કી કરી છે:
- ઓટોમેટિક મંજૂરી: જાહેર સત્તાધિકારીઓએ નિર્ધારિત સમયમાં પાઈપલાઈન માટે 'રાઈટ ઓફ વે' (પરમિશન) આપવી પડશે, અન્યથા તે આપોઆપ મંજૂર થયેલી ગણાશે.
- ઝડપી કનેક્શન: રહેણાંક વિસ્તારોમાં 3 દિવસમાં પરમિશન આપવાની રહેશે અને છેલ્લા માઈલનું PNG કનેક્શન 48 કલાકમાં પૂરું કરવાનું રહેશે.
- ઓપરેટરો પર લગામ: પાઈપલાઈન ઓપરેટરોએ મંજૂરી મળ્યાના ચાર મહિનામાં કામ શરૂ કરવું પડશે. જો તેઓ નિષ્ફળ જશે, તો પેનલ્ટી અને એક્સક્લુઝિવિટી રાઈટ્સ ગુમાવવાની નોબત આવી શકે છે.
વિવાદોનો ઉકેલ
જમીન સંપાદન અને પરમિશન સંબંધિત વિવાદો ઉકેલવા માટે નિયુક્ત અધિકારીઓને સિવિલ કોર્ટ જેવી સત્તા આપવામાં આવી છે, જેથી પ્રોજેક્ટમાં વિલંબ ન થાય. સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા કરવામાં આવશે.
25.jpg)

કયા કિસ્સામાં LPG ચાલુ રહેશે? (અપવાદો)
જો કોઈ ઘર કે વિસ્તારમાં પાઈપલાઈન દ્વારા ગેસ પહોંચાડવો "ટેકનિકલ રીતે અશક્ય" હોય, તો તેવા કિસ્સામાં એજન્સીએ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવું પડશે. જ્યાં સુધી NOC અમલમાં રહેશે ત્યાં સુધી તે ઘરમાં LPG સપ્લાય બંધ કરવામાં આવશે નહીં. જોકે, જેવી ટેકનિકલ સમસ્યા દૂર થશે અને PNG શરૂ થશે, કે તરત જ NOC પાછું ખેંચી લેવાશે.

